Madhya Gujarat

નડિયાદ નપાના પ્રમુખના પતિએ દુકાન સીલ કરવાની ધમકી આપી

નડિયાદ: નડિયાદ નગરપાલિકાના પ્રમુખના પતિએ શહેરના બિસ્માર માર્ગો તેમજ ગંદકી મુદ્દે અવારનવાર રજુઆતો કરનાર એક સામાજીક કાર્યકરની દુકાન સીલ મારી પરવાનો રદ કરવાની ધમકી આપતાં ચકચાર મચી હતી. આ અંગે સામાજીક કાર્યકરે નગરપાલિકાના ચીફ ઓફિસરને લેખિતમાં અરજી આપી પ્રમુખના પતિ વિરૂધ્ધ પગલાં ભરવાની માંગ કરી છે. નડિયાદ શહેરમાં બિસ્માર રોડ-રસ્તા તેમજ ગંદકીની સમસ્યાથી સમગ્ર શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યાં છે. એમાંય વળી ખાસ કરીને ઓરમાયાં વર્તનનો ભોગ બનેલા વોર્ડ નં ૬ ના રહીશો તો નર્કાગાર જેવું જીવન જીવવા મજબુર બન્યાં છે.

બિસ્માર રસ્તા, ગંદકી તેમજ વારંવાર ઉભરાતી ગટરની સમસ્યાથી ત્રસ્ત બનેલાં વોર્ડ નં ૬ ના રહીશોની દુર્દશા જોઈ તે વિસ્તારમાં જ રહેતાં સામાજીક કાર્યકર અને વ્યવસાયે વકીલ એવા ગુલામહુસેન શેખ આ મુદ્દે પાલિકાતંત્ર સમક્ષ અનેકોવાર રજુઆતોનો મારો ચલાવ્યો હતો. જોકે, તેઓની એક પણ રજુઆતો ધ્યાનમાં લેવાઈ ન હતી. ઉલ્ટાનું નગરપાલિકાના પ્રમુખના પતિએ ગુલામહુસેન શેખ સાથે ગેરવર્તણુક કરી હતી.

જેને પગલે સામાજીક કાર્યકર ગુલામહુસેને જે તે વખતે પાલિકાના પ્રમુખના પતિ વિરૂધ્ધ કાર્યવાહી કરવાની માંગ સાથે નડિયાદ ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટરને અરજી આપી હતી. આ સમગ્ર બાબતની રીસ રાખી નડિયાદ નગરપાલિકાના પ્રમુખના પતિએ ગત મંગળવારના રોજ સામાજીક કાર્યકર ગુલામહુસેન શેખની મરીડા ભાગોળ વિસ્તારમાં આવેલ તવક્કલ ચીકન નામની દુકાન સીલ મારી પરવાનો રદ કરવાની ધમકી આપી હતી. આ અંગે સામાજીક કાર્યકર ગુલામહુસેન શેખે નડિયાદ નગરપાલિકાના ચીફઓફિસરને લેખિતમાં અરજી કરી પાલિકાના પ્રમુખના પતિ વિરૂધ્ધ પગલાં ભરવાની માંગ કરી છે.

પ્રમુખના પતિ વહીવટ ચલાવતા હોવાનો આક્ષેપ

નડિયાદ નગરપાલિકામાં પ્રમુખ તરીકે મહિલાની સીટ અનામત હોવાથી ચાલુ ટર્મમાં સત્તાધારી પક્ષ ભાજપ દ્વારા રંજનબેન વાઘેલાને પ્રમુખ બનાવવામાં આવ્યાં છે. જોકે, પાલિકાનો તમામ વહીવટ પ્રમુખને બદલે પ્રમુખના પતિ દ્વારા કરવામાં આવી રહ્યો હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યાં છે.

Most Popular

To Top