Vadodara

ડિસે.–૨૨ પહેલાં ૧૦ લાખ મહિલાને એક હજાર કરોડનું ધિરાણ અપાશે

વડોદરા : મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતીન ભાઈ પટેલના નેતૃત્વની રાજ્ય સરકારના સુશાસન ના સફળ પાંચ વર્ષ પૂર્ણ થવા અવસરે  આદરવામાં આવેલા જનસેવા યજ્ઞ   અનુષ્ઠાનનો ચોથો દિવસ નારીશક્તિને અર્પણ કરાયો છે.  સમગ્ર રાજ્યની નારીશક્તિની અભિવંદના કરવા  વડોદરા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે, સમાજના દરેક વર્ગને ધ્યાનમાં રાખીને ગુજરાતમાં એક નવું જ વિકાસ વિશ્વ આપણે સર્જ્યું છે. નારીશક્તિના આશીર્વાદથી આપણી સરકાર શાસનના પાંચ વર્ષ પૂરા કરી રહી છે. પાંચ વર્ષ પુરા થવાનો આ પ્રસંગ એ સરકાર માટે કોઈ ઉજવણીનો પ્રસંગ નથી, પરંતુ જનસેવાના કાર્યોનો સેવાયજ્ઞ આદર્યો છે.

મુખ્યમંત્રીએ જણાવ્યું કે, મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના હેઠળ ડિસેમ્બર – ૨૦૨૨ પહેલા રાજ્યની ૧૦ લાખ મહિલાઓને તેમાં જોડીને રૂ. એક હજાર કરોડનું વિના વ્યાજનું ધીરાણ આપવામાં આવશે. આ નવ દિવસીય સેવાયજ્ઞમાં રાજ્યમાં ૧૮ હજાર કાર્યક્રમો થકી રૂ. ૧૫ હજાર કરોડના કરોડના કામો સરકાર સામે ચાલીને લોકોને અર્પણ કરી રહી છે.

આ સેવાયજ્ઞ દરમિયાન લોકો પાસે જઈને લોકોનો વિશ્વાસ વધુ દૃઢ કરવો છે કે, પાંચ વર્ષ પહેલાં આપણે જે કહ્યું હતું તેનાથી અનેક ગણું વધુ આપણે કરી બતાવ્યું છે.  મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ  આ જનસેવા યજ્ઞ  નો વિરોધ કરનારા લોકોને આડે હાથે લેતા કહ્યું કે, અમે આંબા-આંબલી બતાવનારા લોકો નથી. પરંતુ ‘જે કહેવું તે કરવું અને જેટલું કરી શકીએ તેટલું જ કહેવું’ એ અમારા સંસ્કાર છે.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલના નેતૃત્વની પારદર્શક, નિર્ણાયક, સંવેદનશીલ અને પ્રગતિશીલ સરકારના પાંચ વર્ષની પૂર્ણતા પ્રસંગે ચોથી ઓગસ્ટ – નારી ગૌરવ દિવસે મુખ્યમંત્રીશ્રીએ રાજ્યમાં મહિલા ઉત્કર્ષલક્ષી વિવિધ યોજનાઓનો વડોદરાથી પ્રારંભ કરાવ્યો હતો.

આ અવસરે મુખ્ય મંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ મુખ્ય મંત્રી મહિલા ઉત્કર્ષ યોજના હેઠળ રાજ્યના ૧૪ હજાર મહિલા ગ્રૃપોની (JLESG) એક લાખ મહિલાઓને રૂ. ૧૪૦ કરોડની વગર વ્યાજની લોનનું વિતરણ કરવા સાથે મહિલા અને બાળ વિકાસ વિભાગના વિવિધ વિકાસ કાર્યોનું ડીઝીટલી લોકાર્પણ – ખાતમુહૂર્ત કર્યું હતું. મુખ્યમંત્રી એ ઉમેર્યું કે, જન જન પ્રત્યેની સંવેદના અને સર્વના સર્વાંગી વિકાસની વિભાવના સાથે આપણે અનેક નિર્ણયો કર્યા છે, અને લોકો સુધી તેના લાભો પહોંચાડ્યા છે.

 આજે એનું સરવૈયું જનશક્તિ સમક્ષ મુકવાનો અવસર છે. રાજ્ય સરકારનો કાર્યમંત્ર રહ્યો છે સૌનો સાથ-સૌનો વિકાસ અને એમાં આ વખતે આપણે એવી કરી બતાવ્યું કે સૌના સાથથી, સૌનો વિકાસ. એટલે વિકાસની આ પ્રક્રિયા પરસ્પરના સાથ, સહયોગ અને સહકાર વિના શક્ય નથી. આપણે ગુજરાતમાં સૌના સાથથી, સૌનો વિકાસ કર્યો છે. મેયર કેયુર રોકડીયાએ જણાવ્યું કે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીના નેતૃત્વમાં રાજ્ય સરકારે મહિલા ઉત્કર્ષ અને મહિલા સુરક્ષાની દિશામાં નોંધપાત્ર કામગીરી કરી છે.

આ પ્રસંગે મુખ્ય સચિવ અનિલ મૂકીમ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્રસચિવ કે. કૈલાસનાથન, અગ્રણી ભાર્ગવ ભટ્ટ, ડો. વિજયભાઈ શાહ, અગ્રણી પૂર્વ મેયર ભરત ડાંગર, પદાધિકારીઓ, સચિવ કે. કે. નિરાલા, મ્યુનિ. કમિશનર શાલિની અગ્રવાલ, કલેકટર આર.બી. બારડ, જિલ્લા વિકાસ અધિકારી ડો.રાજેન્દ્ર પટેલ, જી.એલ.પી.સીના એમ.ડી. કે. સી. સંપટ, નગર સેવકો સહિત મહિલાઓ અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Most Popular

To Top