Business

હાઉસિંગ લોનની યોજના અનુસાર લોન લેનારનો જીવનવીમો લેવાનું બેંક ચૂકી જાય તો?

બેંકો હાઉસિંગ લોન આપે છે ત્યારે કેટલીકવાર કેટલીક હાઉસિંગ લોનની યોજના અંતર્ગત હાઉસિંગ લોન લેનારનો અમુક ચોકકસ રકમનો જીવનવીમો પણ ઉતારાવતી હોય છે. જેથી, લોન ચાલુ હોય તે દરમિયાન લોન લેનારનું અચાનક અવસાન થવાના સંજોગોમાં જીવનવીમાની રકમમાંથી હાઉસિંગ લોનની બાકી રકમ ચૂકવાઇ જાય છે અને હાઉસિંગ લોન લેનારના વારસા પર કોઈ રકમ ચૂકવવાની જવાબદારી રહેતી નથી. આવી યોજના આમ તો સારી ગણાય. કારણ કે, કુટુંબની મુખ્ય અને કમાણી કરતી વ્યકિતનું અવસાન થવાના સંજોગોમાં જયારે તેના વારસા પાસે લોનની બાકી રકમની ચૂકવણી કરવાની કોઇ જોગવાઇ કે ક્ષમતા હોય ત્યારે જો જીવનવીમાની રકમમાંથી લોનની બાકી રકમ ચૂકવાઇ જાય તો તે ગુજરનારના પરિવાર માટે આશિર્વાદરૂપ ગણાય. પરંતુ, સારી દેખાતી યોજનાના અમલીકરણમાં પણ કેટલીકવાર ગડબડ થતી હોય છે. ઉપરોકત યોજના અન્વયે જીવનવીમો લેવામાં બેંકના પક્ષે કસર થતી હોવાની ફરિયાદો કેટલાંક કિસ્સાઓમાં ઉઠી છે.

આવા જ એક કિસ્સામાં લોન લેનારનો જીવનવીમો ઉતારાવવાનું ચૂકવી જનાર બેંકને મોટું નુકશાન વેઠવાની નોબત સર્વોચ્ચ ગ્રાહક અદાલત એટલે કે નેશનલ કમિશનના એક હુકમ થકી આવી હતી. SBI Life Insurance Co. Ltd. વિરૂધ્ધ આશા દિક્ષીતની આ રિવીઝન પીટીશનની વિગતો એવી છે કે, શ્રીમતી આશા દિક્ષીત (મૂળ ફરિયાદી)ના પતિએ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, ગ્વાલિયર બ્રાન્ચ (સામાવાળા નં.૧) કનેથી રૂા. ૪,00,000/-ની હાઉસિંગ લોન મકાન ખરીદવા માટે મેળવી હતી. મકાનની કિંમત રૂા. ૬,૫૦,000/- હતી. જે પૈકી રૂ. ૨,૫૦,000/- ફરિયાદીના પતિએ ચૂકવવાના હતા. અને રૂા. ૪,00,000/-ની લોન સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (મૂળ સામાવળા નં.૧)એ મંજુર કરી હતી. હાઉસિંગ લોનની યોજના અન્વયે સામાવાળા નં.(૧) બેંક દ્વારા ફરિયાદીના પતિનો જીવનવીમો SBI Life Insurance Co. Ltd. (મૂળ સામાવાળા નં.૨) પાસેથી લેવાયો હતો અને જો લોન અમલમાં હોય તે દરમિયાન ફરિયાદીના પતિનું જો કોઇ સંજોગોમાં અવસાન થાય તો લોનની બાકી રકમ મજકુર જીવનવીમાની રકમમાંથી ચૂકવાઇ જાય એ પ્રકારની યોજના હતી. સામાવાળા નં.(૧) બેંકનાએ જીવનવીમાના પ્રિમીયમના રૂ. ૨૫,000/- પણ લોનની રકમમાં ઉમેરીને લોન રૂ. ૪,૨૫,OOO/-ની ગણી હતી. અને મજકુર રૂ. ૪,૨૫,OOO/-ની પરત ચૂકવણી વ્યાજ સહિત કરવા માટે ફરિયાદીના પતિએ રૂ. ૪,૨૫૦/-નો એક એવા ૧૭૪ EMT ચૂકવવાના હતા.

મજકુર લોનના ૨૫ EMT ચૂકવ્યા બાદ ફરિયાદીના પતિનું અવસાન થયું હતું. ત્યારબાદ, સામાવાળા નં.(૧) બેંકે લોનની બાકી રકમ ચૂકવવા માટે ફરિયાદી પાસે ઉઘરાણી કરી હતી. ફરિયાદીએ સામાવાળા નં.(૧) બેંકને લોનની બાકી રકમ પોતાના પતિના જીવનવીમાની રકમમાંથી વસુલ કરી લેવા રજૂઆત કરી હતી. પરંતુ, તે સમયે સામાવાળા નં.(૧) બેંકે ફરિયાદીને જણાવ્યું હતું કે, ફરિયાદીના પતિના જીવનવીમા અંગેના કોઇ દસ્તાવેજો એકઝીકયુટ થયા ન હતા. અને તેને કારણે ફરિયાદીને પતિને જીવનવીમાનું કવર ઉપલબ્ધ થયું ન હતું.

જેથી આઘાત પામેલ ફરિયાદીએ જીલ્લા ગ્રાહક અદાલતમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા તેમજ SBI Life Insurance Co. Ltd. સામે ફરિયાદ દાખલ કરી હતી. જીલ્લા ફોરમે સામાવાળા બેંક યા જીવનવીમા કંપનીની સેવામાં કોઇ ખામી થઇ ન હોવાનું ઠરાવી ફરિયાદ રદ કરી હતી. જેથી, ફરિયાદીએ મધ્યપ્રદેશ સ્ટેટ કમિશનમાં અપીલ ફાઇલ કરી હતી. સ્ટેટ કમિશને ફરિયાદીની અપીલ મંજૂર રાખી હતી અને જણાવ્યું હતું કે, જીવનવીમાના પ્રિમીયમની રકમ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ લોનની રકમમાં ઉમેરીને તે મુજબનાે EMT ફરિયાદીના પતિ પાસે વસુલ કર્યો હતો. જીવનવીમા સબંધિત ડોકયુમેન્ટસ જો સામાવાળા બેંકે તૈયાર ન કર્યા હોય તો તે બેંકની કસુર છે એમ જણાવી ફરિયાદીના પતિના લોનની બાકી રકમ અંગેની જવાબદારી સામાવાળા નં.(૧) બેંક અને સામાવાળા નં.(૨) લાઇફ ઇન્ફરન્સ કંપનીની થાય એમ ઠરાવ્યું હતું. જેથી મજકુર હુકમ સામે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને SBI Life Insurance Co. Ltd. એ નેશનલ કમિશન સમક્ષ રીવીઝન પીટીશન ફાઇલ કરી હતી.

જો કે નેશનલ કમિશનના જસ્ટીસ શ્રી બી.એન.પી. સિંહ અને શ્રી સુરેશચંદ્રની બેન્ચે પણ ઠરાવ્યું હતું કે, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ ફરિયાદીના પતિના જીવનવીમાના પ્રિમીયમની રકમ લોનની રકમમાં ઉમેરી તે મુજબના EMT ફરિયાદીના પતિ પાસે રીકવર કર્યા હતા. જે સંજોગોમાં જીવનવીમા સબંધિત ડોકયુમેન્ટસ બેંકે તૈયાર ન કરાવ્યા હોય યા એકઝીકયુટ ન કરાવ્યા હોય તો તે અંગેની જવાબદારી બેંકની જ ગણાય. અને તે સંજોગોમાં ફરિયાદીના પતિની હાઉસિંગ લોનની બાકી રહેલ રકમ અંગેની જવાબદારી પણ બેંકની જ ગણાય; ફરિયાદીની નહી. એમ ઠરાવ્યું હતું.

આમ, લોનની યોજના મુજબનો જીવનવીમો લેવામાં કસુર થવાના સંજોગોમાં લોનની બાકી રકમ અંગેની જવાબદારીમાંથી ગુજરનારના વારસોને મુક્ત થયા હતા અને લોનની બાકી રકમનું નુકશાન ભોગવવાનું બેંકને શિરે આવ્યું હતું. અલબત્ત, SBI Life Insurance Co. Ltd. ની કોઇ કસુર ન હોવાથી તે કોઇ રકમ ચૂકવવા યા કોઇ નુકશાન ભોગવવા જવાબદાર નથી એવું પણ નેશનલ કમિશને ઠેરવ્યું હતું.

Most Popular

To Top