Business

દેશની આ જેલ વિશ્વ માટે દાખલારૂપ બની છે…

કર્મશીલ સ્ટેન સ્વામીના અવસાનને એક મહિના જેટલો સમય વીતી ચૂક્યો છે. સ્ટેન સ્વામીના મૃત્યુના સમાચાર ગુજરાતી મીડિયામાં નગણ્ય આવ્યા છે જ્યારે દેશભરનાં ન્યૂઝ-અખબારોએ તેમના મૃત્યુના સમાચારની સારી નોંધ લીધી હતી. સ્ટેન સ્વામી 84 વર્ષના હતા અને તેમની ઉંમર જોતાં તેઓનું મૃત્યુ કુદરતી લાગે પરંતુ તેઓએ જીવનનાં છેલ્લાં વર્ષો જે રીતે જેલમાં વીતાવ્યાં તે કારણે તેમનું અકાળે અવસાન થયું. અનેક બીમારીથી ગ્રસ્ત હોવા છતાં તેઓને બેલ આપવામાં આવ્યા નહીં અને અંતે તેમનું મૃત્યુ થયું.

ભારતીય જેલોની અને ન્યાય વ્યવસ્થાની એ તાસીર રહી છે કે તેમાં થતો વિલંબ અનેક લોકોના જીવ લે છે અને તેમાં સ્ટેન સ્વામી જેવા કર્મશીલો પણ ભોગ બન્યા છે. સ્ટેન સ્વામીની 2018ની ભીમા કોરેગાંવ હિંસામાં અને માઓઇસ્ટ સાથેના જોડાણને લઈને ધરપકડ કરવામાં આવી હતી. તેમણે આજીવન આદિવાસીઓના અધિકાર અર્થે કામ કર્યું. આ પૂરી ઘટના અંગે ચર્ચા કરવાનો મુખ્ય ઉદ્દેશ ભારતીય જેલોમાં સુધારકાર્ય અંગેનો છે. દેશની મહદંશે જેલોની સ્થિતિ દયનીય છે. તેમાં અપવાદરૂપ કહી શકાય તેવી તેલંગાણાની જેલો છે. તેલંગાણા જેલો આજે વિશ્વસ્તરની બની ચૂકી છે. માત્ર પાંચ વર્ષમાં તેલંગાણા જેલની કાયાપલટની નોંધ વિશ્વભરમાં લેવાઈ રહી છે. આ જેલમાં બદલાવ કેવી રીતે આવ્યો તેનો કેસસ્ટડી ખાસ્સો રસપ્રદ છે….

તેલંગાણા જેલમાં ઑગસ્ટ, 2015માં ‘પ્રોજેક્ટ મહાપરિવર્તન’ લોન્ચ કરવામાં આવ્યો હતો. આ પ્રોજેક્ટ અંતર્ગત તેલંગાણા જેલ તમામ પરિપ્રેક્ષ્યમાં સકારાત્મક બને તેવો ઉદ્દેશ હતો. ઉપરાંત સમાજમાંથી કેવી રીતે ગુના ઘટે તે પણ ઉદ્દેશ આ પ્રોજેક્ટનો છે. આ અગાઉ તેલંગાણાનું ક્ષેત્ર આંધ્રપ્રદેશ રાજ્યમાં સમાવિષ્ટ હતું. આંધ્રની અન્ય જેલોની જેમ તેલંગાણા જેલની સ્થિતિ પણ સારી નહોતી. બજેટની મર્યાદા, ઓછો મેનપાવર અને માળખાગત સુવિધાની ખામીથી તેલંગાણાની તમામ જેલ બદતર સ્થિતિમાં હતી. 2014માં તેલંગાણા રાજ્ય સ્થપાયું તેના બીજા જ વર્ષે જેલને બહેતર બનાવવાની કામગીરી આરંભાઈ અને તે ઉદ્દેશથી વિઝન–2025ની બ્લૂપ્રિન્ટ તૈયાર કરવામાં આવી. આ માટે તેલંગાણા જેલોના અધિકારીઓએ તમિલનાડુ, કેરળ, ઉત્તર પ્રદેશ, ગુજરાત, પંજાબ, દિલ્હી, રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને ઓડિશા રાજ્યોની જેલોની મુલાકાત લીધી. બંદીવાનો માટે જે જેલોમાં કશોક નવતર પ્રયોગ થયો હોય અથવા પહેલ થઈ હોય તેવી તમામ જેલની મુલાકાત લેવામાં આવી.

આ મુલાકાત લીધા બાદ તેલંગાણા જેલમાં શું થઈ શકે તેની બ્લૂપ્રિન્ટ બનાવવામાં આવી. સાથે સાથે જેલોની માળખાગત સુવિધાને દુરસ્ત કરવાનું કામ પણ હાથ ધરવામાં આવ્યું, જેમ કે તમામ જેલોની ઇમારતને સુદૃઢ અને સુંદર બનાવવામાં આવી. જેલ સાથે સંકળાયેલી તમામ ઇમારતોને દુરસ્ત કર્યા બાદ વાહનવ્યવહાર માટે પણ નવી વ્યવસ્થા કરવામાં આવી. અગાઉ જેલ પાસે વાહનોની સંખ્યા ખૂબ ઓછી હતી, જે કારણે જેલોમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાનું મુશ્કેલ રહેતું.

ટેક્નોલોજી બાબતે આજે તેલંગાણાની જેલો વિશ્વની જેલોમાં ક્રમ લાવી શકે એમ છે. તેલંગાણાની તમામ સેન્ટ્રલ જેલ, ડિસ્ટ્રિકટ જેલ અને સબ જેલમાં વીડિયો કોન્ફરન્સિંગ સુવિધા ઊભી કરવામાં આવી. કમાન્ડ કંટ્રોલ થાય તે રીતે સેન્ટ્રલથી લઈને સબ જેલ સુધીમાં CCTV કેમેરાનું ઇન્સ્ટોલેશન કરવામાં આવ્યું. દરેક બંદીવાનોને ટેલિફોનિક સુવિધા મળી રહે તે પ્રમાણે ફોનની સુવિધા અને ઈ-મુલાકાતની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે. માળખાગત સુવિધા ઊભી થયા બાદ તેલંગાણાના પ્રિઝન ડિપાર્ટમેન્ટમાં જે કામ થયું તે જેલના વહીવટને સુધારવાનું. દેશની મોટાભાગની જેલોમાં ગેરરીતિની ઘટનાઓ બને છે તેમ તેલંગાણામાં પણ થતું હતું.

આ માટે સૌ પ્રથમ તેલંગાણા પ્રિઝન ડિપાર્ટમેન્ટ દ્વારા પોતાના જ વિભાગમાં સુધારા લાવવાની કવાયત હાથ ધરવામાં આવી અને તેનું પરિણામ ટૂંકા ગાળામાં જ દેખાયું. આજે તેલંગાણાની જેલો ‘કરપ્શન ફ્રી જેલ્સ’થી ઓળખાય છે. આવું બની શક્યું કારણ કે ડિપાર્ટમેન્ટ દ્વારા ભ્રષ્ટાચારને ડામવા ચાર સ્તરીય પ્રક્રિયા ગોઠવાઈ છે. જેલો ભ્રષ્ટાચાર મુક્ત થઈ છે કે કેમ તે વિશે ખુદ ડિપાર્ટમેન્ટ જ પોતાના પર વૉચ રાખવાનું કાર્ય કરે છે. થર્ડ પાર્ટી દ્વારા તપાસ ઉપરાંત જે બંદીવાન પોતાની સજા કાપી ચૂક્યા છે તેમની પાસેથી પણ આ અંગે ફીડબેક લેવામાં આવે છે. આશ્ચર્ય તો એ વાતનું છે કે પ્રિઝન ડિપાર્ટમેન્ટ એવી જાહેરાત જોરશોરથી કરે છે કે, “જો કોઈ વ્યક્તિ પ્રિઝન ડિપાર્ટમેન્ટના કર્મચારી વિરુદ્ધ ભ્રષ્ટાચાર અંગેની ફરિયાદને સાચી સાબિત કરી આપે તો તેને દસ હજારનું ઈનામ આપવામાં આવશે.”

તેલંગાણાની જેલમાં અગાઉ દેશની અન્ય જેલ જેવા જ પ્રશ્નો હતા. જેમ કે… મહદ્અંશે ડૉક્ટર્સની જગ્યા ખાલી હોય, બંદીવાનોનો વધુ મૃત્યુદર, કોર્ટ અને મીડિયા દ્વારા વારંવાર જેલોને સુવિધાની બાબતે ફિટકાર વરસાવવામાં આવે પરંતુ હવે તેલંગાણાની જેલોમાં મૃત્યુદરનું ચિત્ર બદલાઈ રહ્યું છે. 2013માં તેલંગાણાની જેલોમાં કુલ મૃત્યુઆંક 53 હતો, 2014માં 45 હતો પરંતુ પછીથી મહાપરિવર્તન પ્રોજેક્ટ અંતર્ગત આ આંકડો સતત ઘટી રહ્યો છે. 2015માં 32 બંદીવાનો મૃત્યુ પામ્યા હતા.

2016માં આ આંકડો 24 થયો અને પછીના વર્ષમાં 17. 2018માં માત્ર આઠ બંદીવાનોનું મૃત્યુ જેલમાં થયું હતું. આમ આ આંકડા દ્વારા જ કલ્પી શકાય કે તેલંગાણાની જેલમાં ધરમૂળથી પરિવર્તન આવ્યું હશે! તેલંગાણાની જેલોમાં બંદીવાનોના ઘટી રહેલા મૃત્યુદરની નોંધ પૂરા દેશનાં અખબારોએ લીધી છે. જેલોના ડૉક્ટર્સની તમામ ખાલી પદો પર નવી નિયુક્તિ કરવામાં આવી છે. તમામ બંદીવાનોને વિનામૂલ્યે દવા આપવામાં આવે છે.

જેલમાં બધું જ ચુસ્તદુરસ્ત કર્યા બાદ બંદીવાનો જેલમાં રહીને વધુ કામ કરી શકે અને કેવી રીતે તેમની પ્રતિભાને ઉપયોગી બનાવી શકાય તે અંગે પ્રિઝન ડિપાર્ટમેન્ટ દ્વારા કાર્ય થયું. તેલંગાણામાં જેલ સુધારણા કાર્યક્રમ શરૂ થયો તે અગાઉ માત્ર 5% બંદીવાનો માટે જ જેલોમાં કામ ઉપલબ્ધ હતું અને તેલંગાણાની માત્ર બે સેન્ટ્રલ જેલ – ચેરલાપલ્લી અને વેરાંગલમાં જ ઉદ્યોગો સ્થાપી શકાયા હતા.

બંદીવાનો દ્વારા થતાં ઉત્પાદનનું ક્યાંય માર્કેટિંગ થતું નહોતું, ન તો તે માટે કોઈ ક્વૉલિટી કંટ્રોલની પદ્ધતિ હતી. જે કાંઈ પણ કામ થતું તેમાં કોઈ આયોજન નહોતું, ન તો તે કામ સ્કિલ્ડ બંદીવાનો દ્વારા કરાવવામાં આવતું અને એટલે જ 2014માં ટર્નઓવર 149 કરોડ હતું અને તે સામે પ્રૉફિટનો આંકડો ત્રણ કરોડ સુધી જ પહોંચતો. જો કે આ ટર્નઓવરના આંકડાને દેશની અન્ય જેલો હજુ સુધી સ્પર્શી શકી નથી તે અહીં જાણી લેવું જોઈએ.

બંદીવાનોને કામ આપવા અને કામ લેવા અંગે જે નીતિ પ્રોજેક્ટ મહાપરિવર્તન અંતર્ગત ઘડવામાં આવી, ત્યાર બાદ આજે તેલંગાણાની જેલો આ બાબતે મોડલ બની ચૂકી છે અને 2020ના વર્ષમાં તેલંગાણાની જેલોનો નફાનો આંકડો 100 કરોડની પાર પહોંચશે તેવી આશા છે! જેલના અર્થતંત્રને ધબકતું કરવા માટે તમામ જેલોને ઇન્ડસ્ટ્રીયલ હબ તરીકે નિર્માણ કરવામાં આવી. જેલની ઇન્ડસ્ટ્રીઝને પુનર્જિવિત કરવા માટે પ્રિઝન ડેવલપમેન્ટ ફંડમાંથી યોગદાન લેવામાં આવ્યું. નવી મશીનરી ખરીદવામાં આવી. ઉપરાંત પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપ દ્વારા નવી તકો ઉઘાડવામાં આવી. અલગ-અલગ ઇન્ડસ્ટ્રીઝ આજે તેલંગાણાના બંદીવાનો પાસેથી કામ લઈ રહી છે.

તેલંગાણા પ્રિઝન ડિપાર્ટમેન્ટ આમ આયોજનબદ્ધ રીતે આગળ વધ્યું અને બંદીવાનોને પણ તેનો લાભ વળતરરૂપે મળે છે પણ સૌથી મોટું સાહસ તેલંગાણા પ્રિઝન ડિપાર્ટમેન્ટે કર્યું, તે તેલંગાણાના જુદા જુદા જિલ્લામાં 16 જેટલા પેટ્રોલપંપ શરૂ કરવાનું છે. હજુ પણ તેઓ વધુ પેટ્રોલ પંપ ખોલવાનો વિચાર કરી રહ્યા છે. આ રીતે તેલંગાણાનું પ્રિઝન ડિપાર્ટમેન્ટ અને બંદીવાનો સાથે સમૃદ્ધિ તરફ આગળ વધી રહ્યા છે. માત્ર પાંચ વર્ષના ગાળામાં આજે તેલંગાણાના બંદીવાનોમાં કામ કરવાનો જે રેશિયો 5%નો હતો, તે 73% સુધી પહોંચ્યો છે! હજુ પણ તે દર 90% સુધી પહોંચે તેવું ધ્યેય રાખવામાં આવ્યું છે.

જેલમાં બંદીવાનોના જીવનસુધારણા કાર્યક્રમનાં અદભુત પરિણામ તેલંગાણા પ્રિઝન ડિપાર્ટમેન્ટે લાવી બતાવ્યાં છે પણ આ પહેલમાં સૌથી અગત્યનું બને છે કે એક વાર ગુનો આચરીને જેલમાં આવનારી વ્યક્તિ ફરી ત્યાં ન આવવી જોઈએ. તે માટે પણ પ્રિઝન ડિપાર્ટમેન્ટ પહેલ કરી રહ્યું છે. જેમ કે 2014માં તેલંગાણાની જેલોમાં આવનારા બંદીવાનોની સંખ્યા 81,530 હતી, જે પછીના 2015ના વર્ષમાં 79,409 થઈ હતી. 2016માં આ સંખ્યા 62,608 થઈ હતી. 2017માં તે સંખ્યા 59,182 હતી જ્યારે 2018માં તે ઘટીને 55,734 થઈ છે. ટૂંકમાં પ્રિઝન ડિપાર્ટમેન્ટે જે રાહે કામ કર્યું છે તેની અસર જેલોમાં તો દેખાય જ છે પણ સમાજના લોકોને પણ તેનો લાભ મળ્યો છે.

બંદીવાનો સાથે સાથે જેલ સાથે સંકળાયેલા તમામ કર્મચારીઓને પણ સુવિધા મળે, તેમનું જીવન બહેતર બનાવવાનું પણ કાર્ય આ પ્રકલ્પ હેઠળ થયું છે. આ માટે જે વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે તેમાં જેલ સ્ટાફનાં બાળકોને સ્કૂલ બસ, પરિવાર માટે હેલ્થ ચેકઅપની સુવિધા, સારાં કામ બદલ એવોર્ડ-રિવોર્ડ, સ્ટાફનાં બાળકો માટે વિવિધ કેમ્પનું આયોજન, વિદ્યાર્થીઓ માટે સ્કૉલરશિપ, લોન, સ્પોર્ટસ-ગેમ્સની સુવિધા, તમામ જેલ સ્ટાફને જેલની ઉત્પાદિત ચીજ-વસ્તુઓ પર 20%  ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે.

બાંગ્લાદેશના એડિશનલ IG ઓફ પ્રિઝન્સ ઇકબાલ હુસૈન અને હોમ મિનિસ્ટ્રીના ડેપ્યુટી સેક્રેટરી શેખ શકીલ અહમદ સહિત બાર ડેલિગેટ્સ તેલંગાણાની જેલોની મુલાકાતે આવ્યા હતા. તેઓએ પણ તેલંગાણાની જેલોમાં થઈ રહેલા કાર્યને બિરદાવ્યું હતું. મેગ્સેસેય સન્માન મેળવનારા બેઝવાડા વિલ્સન પણ મહાપરિવર્તન પ્રોજેક્ટ અંતર્ગત તેલંગાણા જેલમાં થયેલા કાર્યને બિરદાવી ચૂક્યા છે. તેલંગાણા જેલ વિશે આટલું બધું લખ્યા છતાં તેના વિસ્તૃત અભ્યાસનો હજુય અવકાશ છે. તેલંગાણા જેલમાં અનેક મોડલ એવાં છે, જેને દેશની અન્ય જેલમાં લાગુ કરીને તેની કાયાપલટ થઈ શકે.

Most Popular

To Top