Business

આઝાદીના સાત દાયકા બાદ પણ વિકાસ માટે તરસતું ગામ રટોટી

  • 100 ટકા આદિવાસી વસતી ધરાવતા માંગરોળના રટોટી ગામની વસતી સ્ત્રી અને પુરુષ મળી 1400 છે, જેમાં સ્ત્રીની સંખ્યા સૌથી વધુ 716 અને પુરુષની સંખ્યા 684 છે

ક્ષિણ ગુજરાતના શહેરી વિસ્તારોમાં પાયાની સુવિધાઓ મળે છે, પરંતુ આજે પણ આદિવાસી વિસ્તારોની સ્થિતિમાં ખાસ બદલાવ આવ્યો નથી. આવી જ સ્થિતિ માંગરોળ તાલુકાની છે. સુરત જિલ્લામાં આવેલો આ તાલુકો વિકાસ સાથે તાલ મિલાવવા થનગની રહ્યો છે. પરંતુ સૌથી મોટી કરુણતા એ છે કે આદિવાસી વિસ્તારોમાં હજુ પાયાની સુવિધાએ ડગ માંડ્યા નથી. ફક્ત વિકાસના નામે લીપાપોતી કરી દેવાય છે. ત્યારે વિકાસ માટે આઝાદીના 7 દાયકા બાદ પણ ઝઝૂમી રહેલું ગામ એટલે માંગરોળનું રટોટી. રટોટી ગામ સુરત જિલ્લાના માંગરોળ તાલુકાનું ગામ છે. જે સુરતથી 70 કિ.મી.ના અંતરે પૂર્વ દિશામાં આવેલું છે. માંગરોળ તાલુકા મથકથી 15 કિ.મી.ના અંતરે આવેલું આ ગામ છે. તો નેશનલ હાઇવેથી 15 કિ.મી.નું અંતર છે.

રટોટી ગામ એ સ્વતંત્ર ગ્રામ પંચાયત છે. રટોટી ગામમાં નિશાળ ફળિયું, ભાઠી ફળિયું, હરિ ફળિયું, લીંડિયા ફળિયુ એમ ચાર ફળિયાં આવેલાં છે. ગામની કુલ વસતી 1400 જેટલી છે. જેમાં પુરુષની સંખ્યા 684 અને સ્ત્રીની સંખ્યા 716 છે. અને 950 જેટલા કુલ મતદાર છે. આ ગામ સો ટકા આદિવાસી વસતી ધરાવતું ગામ છે. જેમાં ચૌધરી, ગામીત અને વસાવા સમાજના લોકો રહે છે. માંગરોળ તાલુકા અને માંડવી તાલુકાના બોર્ડર પર ઊંડાણ વિસ્તારમાં અને ડુંગરની તળેટીની વચ્ચે આવેલું આ ગામ સુંદર છે. અસલ ગ્રામ્ય ઝલક અહીં જોવા મળે. રટોટી ગામમાં હાલમાં પણ ૭૦ ટકા ઘર કાચાં છે. ગરીબાઈમાંથી લોકોને બેઠા થવું છે. પરંતુ અનેક પડકારો તેમની સામે ઊભા છે.

રટોટી ગામમાં બીપીએલ યાદીમાં ફક્ત ચાર જ વ્યક્તિ છે. જેથી ઘણી યોજનાનો તેઓ લાભ લઈ શકતા નથી. રટોટી ગામથી એકબીજા ગામમાં જવા માટે બીજા ગામને જોડતા રસ્તા આઝાદીનાં 70 વર્ષ પછી પણ બન્યા નથી. ફક્ત રટોટીથી આમખુટા અને વેરાકુઈ ગામ જવા માટે જ પાકા રસ્તા બનાવાયા છે. રટોટીથી બોરિયા, ઓગણીસા, રટોટીથી સણધરા, રટોટીથી પરવટ, રટોટીથી માંડવી તાલુકાને જોડતો રસ્તો, કાલમોઈ ગામ તથા રટોટીથી પાતલ ગામમાં જવા માટે કાચા રસ્તા છે.

જેથી ચોમાસા દરમિયાન ખેતીકામ કરવા ખેડૂતોને સાધનો લઈ જવા માટે ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. નવયુવાન સરપંચ પ્રકાશ ગામીત 2012માં સરપંચ પદે આરૂઢ થયા હતા. 10 વર્ષ પહેલાં ગામથી બહારગામ જવા માટે કોઇ સુવિધા ન હતી. સરપંચ પ્રકાશભાઈના પ્રયત્નોને લીધે આજે આમખૂટાથી રટોટી ને રટોટીથી વેરાકુઈ સુધી પાકા રસ્તા બન્યા છે. પહેલાં ચોમાસા દરમિયાન ગામથી હોસ્પિટલ અથવા દવાખાને જવા માટે કોઈ વાહન આવી શકતું ન હતું.

40 વર્ષ પહેલાં દૂધમંડળીની સ્થાપના થઈ હતી

રટોટી ગામમાં દૂધમંડળીની સ્થાપના છીપાભાઈ ચૌધરીના હસ્તે વર્ષ-1980માં કરવામાં આવી હતી. આ દૂધમંડળીમાં 50 જેટલા સભાસદ છે. અહીંના લોકો ખેતી સાથે પૂરક વ્યવસાય તરીકે પશુપાલન કરે છે. જેના થકી જીવનગુજારો થઈ શકે છે. રટોટી દૂધમંડળીમાં બીસીયુ પ્લાનની સગવડ પણ કરવામાં આવી છે. મંડળીનું લગભગ ટર્ન ઓવર દર મહિને ત્રણ લાખની આજુબાજુ થાય છે. હાલમાં દૂધમંડળી પ્રમુખ તરીકે મુકેશભાઈ વસંતભાઈ ગામીત અને મંત્રી તરીકે અરવિંદભાઈ રેશ્માભાઈ ગામીત સેવા આપે છે. મુકેશભાઈ ગામીત તાલુકા પંચાયતના સદસ્ય તરીકે તાલુકા પંચાયત સીટ માંડળ-બોરિયા પરથી વિજેતા થયા હતા. તેમણે કોંગ્રેસ પાસેથી બેઠક આંચકી લીધી હતી.

વિદ્યાર્થીઓ અને ગ્રામજનોને વાહન વ્યવહારની સુવિધા મળતી નથી

રટોટી ગામમાં પ્રાથમિક શાળા પણ આવેલી છે. એ ઉપરાંત બે આંગણવાડી કેન્દ્ર આવેલાં છે. જેમાં આંગણવાડી-1 એ સ્માર્ટ આંગણવાડી ગણાય છે. રટોટીથી પ્રાથમિક શિક્ષણ પૂરું કર્યા બાદ 50 વિદ્યાર્થીઓ વાંકલ હાઈસ્કૂલ અને કોલેજમાં અભ્યાસ અર્થે જાય છે. રટોટી ગામમાં આવવા બસની પૂરતી સુવિધા નથી. ફક્ત એક જ સમયે સવારે વિદ્યાર્થીઓને રટોટીથી વાંકલની બસની સગવડ છે. જ્યારે સાંજના સમયે વાંકલથી આવવા માટે કોઈ સગવડ નથી. વારંવાર રજૂઆતો કરવાથી થોડા દિવસો માટે બસની શરૂઆત શરૂ કરી હતી. પરંતુ એ પણ છીનવાઈ ગઈ હતી. રટોટીથી ધંધાર્થે કીમ, સુરત તરફ જવા માટે કોઈપણ જાતના વાહન વ્યવહાર કે બસની સગવડ નથી. જેથી ગામલોકોને ખૂબ જ હેરાનગતિ વેઠવી પડે છે.

New Doc 2020-08-18 18.41.23
  • રટોટી ગ્રામ પંચાયત
  • # સરપંચ : ભાવિનીબેન પ્રકાશભાઈ ગામીત
  • # ઉપસરપંચ : પ્રભુભાઈ ગીમલાભાઈ ચૌધરી
  • # સભ્યો :
  • (1) મધુબેન રસિકભાઈ ગામીત
  • (2) વંદનાબેન સુનીલભાઈ ચૌધરી
  • (3) હંસાબેન દિનેશભાઈ ચૌધરી
  • (4) અંજનાબેન હેમંતભાઈ ચૌધરી
  • (5) અશ્વિનભાઈ સુમજીભાઈ ચૌધરી
  • (6) જમુભાઈ ગોકુલભાઈ ચૌધરી
  • # તલાટી કમ મંત્રી : જયંતીભાઈ પી. ચૌધરી
  • # પ્રાથમિક શાળા: 02
  • # આચાર્ય : સુરેખાબેન ચૌધરી
  • # આચાર્ય : જેસિંગભાઈ ચૌધરી
  • # કુલ શિક્ષક : 04
  • # આંગણવાડી : 02
  • આંગણવાડી : 1 દિનુબેન નટુભાઈ ચૌધરી (સ્માર્ટ આંગણવાડી)
  • આંગણવાડી : 2 નયનાબેન જગદીશભાઈ ચૌધરી
  • ૩૦ ટકા લોકોને પીવાનું પૂરતું પાણી મળતું નથી

ગામના ૩૦ ટકા લોકોને પીવાનું પૂરતું પાણી મળતું નથી. દેગડિયા જૂથ યોજના આજથી 12 વર્ષ પહેલાં શરૂ કરવામાં આવી હતી. પરંતુ આ યોજનાનું એક ટીપુંય પાણી ગામના લોકોને મળ્યું નથી. હાલમાં ગોદડા ડ્રિપ ઈરિગેશન પાઈપલાઈન યોજના L&T કંપની દ્વારા શરૂ કરાઈ છે. રટોટી ગામમાંથી મેઈન લાઇન વસરાવી સુધી જાય છે. છતાં રટોટી ગામના ખેડૂતોને ખેતીકામ માટે પાણી મળ્યું નથી.

વનવિભાગ વનસમિતિને સહયોગરૂપ બને છે

વાંકલમાં પરિક્ષેત્ર વન વિભાગની કચેરી આવેલી છે. આજુબાજુના જંગલ વિસ્તારના લોકો કામકાજ માટે વનવિભાગ કચેરીનો સંપર્ક કરે છે. વન વિભાગ જુદી જુદી યોજનાઓ દ્વારા વનસમિતિને સહાયરૂપ બને છે. જંગલ વિસ્તારોમાં રસ્તા, હેન્ડપંપ, ગેસ, ગેસના ચૂલા, વાસણો, રસોઈનાં સાધનો, સાઉન્ડ સિસ્ટમ, વાજિંત્રોની સગવડ પણ કરી આપવામાં આવે છે. વન સમિતિના પ્રમુખ તરીકે કૈલાસભાઈ રતનજીભાઈ ગામીત અને મંત્રી તરીકે રમણભાઈ રતનજીભાઈ ગામીત સેવા આપે છે.

24 કલાક વીજળી પણ નસીબ નથી

રટોટી ગામનાં દરેક ફળિયાંમાં 24 કલાક વીજળી પણ મળતી નથી. લીંડિયા ફળિયામાં ખૂબ જ ઓછો પાવર મળે છે. જેથી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મુશ્કેલી વેઠવી પડે છે. આવી જ હાલત ખેતીવિષય વીજળી મેળવતા ખેડૂતોની છે. છેલ્લું ગામ હોવાથી ખેતીકામ કરવા માટે પૂરતા પ્રમાણમાં વીજળી મળતી નથી. ગામમાં આશરે 35 વર્ષ પહેલાં વીજળીના થાંભલા નાંખવામાં આવ્યા હતા. જેમાંના ઘણાખરા થાંભલા વાંકા થઈ ગયા છે. તેમજ વીજળીના વાયરો પણ ખૂબ જ નીચા છે. જે લોકો માટે જોખમી છે. વારંવાર રજૂઆતો કરવા છતાં વીજ કંપનીના અધિકારીઓ ધ્યાન પર લેતા નથી. હાલ વિદ્યાર્થીઓના ઓનલાઈન ક્લાસ ચાલે છે. પરંતુ ગામમાં પૂરતું નેટવર્ક નથી. જેથી નેટવર્કના અભાવે વિદ્યાર્થીઓ ભણી શકતા નથી.

કોરોના કાળમાં માત્ર 50 ટકા જ રસીકરણ

કોરોનાને કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા હતા. જેથી સરકારે રસીકરણ ઝુંબેશને વેગવંતી બનાવી છેવાડાના લોકો સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો છે. ત્યારે માંગરોળના દુર્ગમ વિસ્તારમાં આવેલા રટોટી પણ તેમાંથી બાકાત નથી. રસીકરણ માટે આરોગ્ય વિભાગે ઝુંબેશ હાથ ધરી હતી. અને ગામની કુલ વસતી પૈકી હાલમાં 322 પુરુષ અને 378 મહિલા મળી 700 લોકોને રસીકરણ હેઠળ આવરી લેવાયાં હતાં. જેમાં રસીકરણ માટે મહિલાઓ આગળ રહી હતી.

વસતી ન હોવા છતાં વોર્ડ નં.2માં બે ટર્મથી એસસીની સીટ

રટોટી ગામમાં વોર્ડ નં.2માં બે ટર્મથી SCની સીટ આવે છે. જ્યાં આ ગામમાં SCની કોઈ વસતી નથી. વારંવારની રજૂઆતો કરી ઠરાવો પણ કરાયા છે, છતાં બે ટર્મથી આ સીટ ખાલી છે.

ગામમાં 277 હેક્ટર વિસ્તારમાં જંગલ ફેલાયેલું છે

માંગરોળ તાલુકો આમ પણ વનરાજીથી ઘેરાયેલો છે. દૂર દૂર સુધી ફેલાયેલાં જંગલ જોવાનો લાહવો લેવો હોય તો માંગરોળ પર્યટકો માટે મજાનું સ્થળ છે. રટોટી આવો એટલે તમને દૂર દૂર સુધી વનરાજી જોવા મળે. ગામની કુલ જમીન 588 હેક્ટર છે. ગામમાં 277 હેક્ટર વિસ્તારમાં જંગલો અને ડુંગરો આવેલા છે. આ ગામની હદમાંથી બણભા ડુંગર જઈ શકાય. રટોટી ગામથી ડુંગર સુધી જવા માટે પાકા રસ્તા માટે રજૂઆતો કરવામાં આવી છે. પરંતુ આજદિન સુધી રટોટીના લોકોને પાકો રસ્તો નસીબ થયો નથી.

શિક્ષણના સ્તરમાં ધીમે ધીમે સુધારો

સરકારની સર્વશિક્ષા અભિયાન હેઠળ ગ્રામ્ય વિસ્તારોમાં શિક્ષણનું સ્તર ધીમે ધીમે સુધરી રહ્યું છે. જેને કારણે યુવાનોએ નોકરીની તક ઝડપી લીધી છે. રટોટી ગામના જિગ્નેશભાઈ જિતેન્દ્રભાઈ ગામીત ડાંગમાં ડી.વાય.એસ.પી. તરીકે ફરજ બજાવી રહ્યા છે. રટોટી ગામ ઊંડાણમાં હોવા છતાં ગામમાં 10 જેટલા શિક્ષક છે. એક રિટાયર્ડ બી.એસ.એફ. જવાન છે. રટોટી ગામના નગીનભાઈ ભંગીયાભાઈ ગામીત બોર્ડર સિક્યુરિટી ફોર્સમાંથી સ્વેચ્છાએ રિટાયર્ડ થયા છે. જેઓ દેશના વિવિધ ભાગોમાં ફરજ બજાવી ચૂક્યા છે. તેઓ કાશ્મીર ઘાટીમાં પણ ફરજ બજાવી ચૂક્યા છે. બી.એસ.એફ.માં વીસ વર્ષે વેલેન્ટિયર રિટાયરમેન્ટ હોય છે. પરંતુ તેમણે ત્રીસ વર્ષે સ્વૈચ્છિક રિટાયર્ડમેન્ટ લીધું છે.

Most Popular

To Top