Comments

ખાનગીકરણના વંટોળમાં જોઇએ શું શું ઊડે છે!

કોરોના કાળમાં શિક્ષણને ભલે નુકશાન થયું હોય પણ ખાનગી શિક્ષણ સંસ્થાઓને ફાયદો થયો છે. આમ તો ખાનગી શિક્ષણ સંસ્થાઓ વિદ્યાર્થીઓ પાસેથી જે ફી મેળવે છે તેના બે કારણો છે એક તેને થતો શિક્ષણ પાછળનો વેતન ખર્ચ અને બે તેને થતો ઇન્ફ્રાસ્ટ્રકચરનો વેતન ખર્ચ. કોરોના કાળમાં પણ ફી લઇ શકાય તેવો આદેશ કરવા પાછળનો હેતુ આ જ હતો કે ઓનલાઇન એજયુકેશન માટે પણ શિક્ષકો રોકવા પડે… તેમને પગાર આપવો પડે અને શાળા-કોલેજોની સ્થાપના પાછળ જે કાયમી ખર્ચ કર્યો તેનો ઘસારાખર્ચ તો ગણવો પડે. કાયમી સ્ટાફને પગાર આપવો પડે! પણ ઓનલાઇન એજયુકેશનમાં વિદ્યાર્થી બાજુએ વિચારીએ તો તેને માત્ર શિક્ષક ઓનલાઇન ભણાવે છે તેટલી જ સગવડ સ્કુલ પુરી પાડે છે.

બાકી મોબાઇલનો ખર્ચ (કે અન્ય સાધનો ખર્ચ) વિધાર્થીના મા-બાપે કરવો પડે છે. ઓનલાઇન ભણવા માટે ડેટા રિચાર્જનો ખર્ચ વાલીએ ભોગવવાનો છે. વર્ષ દરમ્યાન રીપેરીંગનો ખર્ચ વાલીના માથે છે. એટલે જે સગવડ સ્કુલ તેને આપતી નથી અને જે સગવડ તે સ્કુલની ભોગવતો નથી એની ફી તે શા માટે આપે! માટે જે જૂની, સામાન્ય સમયની ફી હતી તે હવે તેની પાસેથી લઇ શકાય નહિ. માટે જ ફી મા ઘટાડો કરવો તે વાજબી છે. ન્યાયી છે. પણ શહેરની શાળાઓમાં વાલીઓને જોઇએ એવી ફી ઘટાડાના લાભ મળ્યા નથી.

કોલેજોમાં તો માત્ર આવકો જ થઇ છે અને સેલ્ફ ફાયનાન્સ કોલેજોમાં અધ્યાપકોને રાખ્યા, છૂટાકર્યા કે પગાર કાપ્યા…. એ કોઇ નોંધ સરકારે લીધી નથી. આ કોરના કમાણીના સમાચાર વચ્ચે ગુજરાતના કોલેજ અને યુનિ. જગતમાં ગ્રાન્ટેડ કોલેજોના ખાનગી યુનિવર્સિટી સાથેના જોડાણનો પ્રશ્ન ચર્ચાના ચકડોળે ચડયો છે. ખાનગીકરણની નીતિ પછી 1992 માં શિક્ષણનીતિમાં સુધારો કરીને ભારત સરકારે સ્વિકાર્યુ કે હવે ખાનગી ધોરણે પણ શાળા – કોલેજો શરૂ કરી શકાશે અને દેશભરમાં ટપોટપ ખાનગી શાળા કોલેજો વધવા લાગી. અત્યાર સુધી ભારતમાં અને ગુજરાતમાં મોટાભાગની શિક્ષણ સંસ્થાઓ સરકારી અથવા ગ્રાન્ટ ઇન એઇડ હતી.

ખાનગીકરણની સ્વિકૃતિ પછી પ્રથમ ગુજરાતમાં એન્જીનિયરીંગ કોલેજો વધી પછી ફાર્મસી વધી પછી બીએડ વધી. પછી બીબીએ, એમ.બી.એ., અને પછી કોમર્સ કોલેજો વધી 2010 પછી ખાનગી સાયન્સ કોલેજો વધી કોમર્સ અને આર્ટસ પણ ખાનગી ધોરણે ચાલવા લાગી. કોલેજોની સાથે જ રાજયના મોટા શહેરોમાં મોટા શૈક્ષણિક ટ્રસ્ટ અને કેમ્પસે ખાનગી યુનિવર્સિટી માંગવાનું શરૂ કર્યુ અને ખાનગી કેમ્પસ યુનિ.નો સિલસિલો આગળ ચાલ્યો.

હવે ત્રીજો તબકકો આવ્યો છે. જે જે મોટા કેમ્પસો – ટ્રસ્ટો પહેલા ગ્રાન્ટ ઇન એઇડ કોલેજ ચલાવતા હતા.  એમણે ખાનગી યુનિવર્સિટી શરૂ કરી હતી અને પોતાની સેલ્ફ ફાયનાન્સ કોલેજો પણ ચલાવતા હતા. અને સાથે ગ્રાન્ટ ઇન એઇડ કોલેજ પણ ચલાવતા હતા. હવે તેમની ગ્રાન્ટ ઇન એઇડ કોલેજોને તેમની જ સેલ્ફ ફાયનાન્સ યુનિ.માં જોડી દેવાનું શરૂ થયું છે. અધ્યાપકો તેનો વિરોધ કરી રહ્યા છે પણ સરકાર અને સંચાલકો એક તરફ હોય ત્યારે અધ્યાપકોની વાત કેટલી સંભળાશે તે પ્રશ્ન છે. શકય છે હાલ ગ્રાન્ટ ઇન એઇડ કોલેજના અધ્યાપકોનો પગાર અને રક્ષણ ચાલુ રહે. પણ આ ગ્રાન્ટ ઇન એઇડ કોલેજોમાં હવે સેલ્ફ ફાયનાન્સની જેમ ફી લેવાય તો નુકશાન વિદ્યાર્થીને જાય. વળી જેમ જેમ અધ્યાપકો નિવૃત્ત થતા જાય તેમ તેમ કોલેજ સંપૂર્ણ ખાનગી થઇ જાય! અને સરવાળે નૂકશાન રાજયના ગરીબ મધ્યમવર્ગના વિદ્યાર્થીને જાય! પણ હાલ તો સમાજ સાવ ચૂપ છે. એને એમ થાય છે કે આ પ્રશ્ન માત્ર અધ્યાપકોનો છે!

ખાનગીકરણની હવામાં હવે બધુ જ ઊડવા લાગ્યુ છે. પહેલા જ્ઞાન એટલે કે શિક્ષણ ઉડયું… હવે સંસ્થાઓ ઊડી…. પછી નોકરીઓ ઊડી અને આગળ જોઇએ શું શું ઉડે છે! લાગે છે વર્ષો પહેલા ગુજરાતની પ્રજાને કહેવામાં આવ્યું હતુ કે ‘મિત્રો માત્ર મતદાનના દિવસે જાગજો….’ પછી નેતાશ્રી એમ બોલ્યા હતા કે હું જાગીશ પણ ગુજરાતની પ્રજા એમ સમજી કે પછી તમે સૂઇ જજો….’ અને તેણે વાત માની પણ લીધી… – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top