Editorial

દેશના અર્થતંત્રના હાલના સંજોગોમાં સરકારને તંગ દોરડા પર ચાલવાનો ખેલ કરવો પડે છે

દેશમાં કોવિડ-૧૯નો રોગચાળો શરૂ થયો તે પહેલાથી જ આર્થિક મંદીની શરૂઆત તો થઇ જ ગઇ હતી અને રોગચાળાએ મંદીને  વધુ વકરાવી. દેશમાં અત્યારે ખાસ કરીને નાના વેપારીઓ, નીચલા મધ્યમ વર્ગ સહિતના પ્રજાના એક મોટા વર્ગની હાલત ઘણી ખરાબ છે. રોગચાળાને અંકુશમાં લેવા માટે જે દેશવ્યાપી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું તેણે પહેલાથી જ મુશ્કેલીનો સામનો કરી રહેલા દેશના અર્થતંત્રને કારમો ફટકો માર્યો. જો કે અનલોકની પ્રક્રિયા શરૂ થયા પછી આર્થિક રિકવરી ઘણી ઝડપથી થઇ છે તેવા સરકારના દાવા છતાં દેશના અર્થતંત્રમાં હજી ઘણી બધી મુશ્કેલીઓ છે અને પરિણામે ઘણા બધા લોકો સખત સંજોગોનો સામનો કરી રહ્યા છે.

અર્થતંત્રને ફરી દોડતું કરવા માટે સરકારે અનેક પગલાંઓ ભર્યા છે તથા વિવિધ સેકટરો માટે અનેક પ્રોત્સાહનો જાહેર કર્યા છે છતાં દેશના અર્થતંત્રની ગાડી પાટે નથી ચડી રહી. અર્થતંત્રને ફરી બેઠું કરવા માટે જાત જાતની આર્થશાસ્ત્રીય તરકીબો પણ અજમાવવામાં આવી રહી છે, જેમાં કેટલાક નિષ્ણાતો વધુ પ્રમાણમાં ચલણી નોટો છાપીને અર્થતંત્રમાં ફરતી મૂકવાનું સૂચન કરે છે પરંતુ સરકારે હાલમાં જણાવ્યું છે કે દેશની હાલની આર્થિક કટોકટીને પહોંચી વળતા ચલણી નોટો છાપવાની તેની કોઇ યોજના નથી. દેખીતી રીતે વધુ પ્રમાણમાં ચલણી નોટો અર્થતંત્રમાં ફરતી કરવામાં સરકારને જોખમ જણાય છે અને તેનો ભય વાજબી પણ છે.

કોવિડ-૧૯ના રોગચાળાથી સર્જાયેલ વર્તમાન આર્થિક કટોકટીને પહોંચી વળવા માટે ચલણી નોટો છાપવાની સરકારની કોઇ યોજના નથી એમ નાણા મંત્રી નિર્મલા સીતારમણે સોમવારે સંસદને માહિતી આપી હતી. આ કટોકટીને પહોંચી વળવા માટે ચલણી નોટો છાપવાની કોઇ યોજના છે કે કેમ? એવો પ્રશ્ન એક સાંસદ તરફથી પૂછવામાં આવતા નાણા મંત્રીએ જવાબ આપ્યો હતો કે ના સાહેબ. ઘણા અર્થશાસ્ત્રીઓ અને નિષ્ણાતોએ સરકારને સૂચન કર્યું છે કે મુશ્કેલ આર્થિક સ્થિતિને પહોંચી વળવા માટે અને કોવિડ-૧૯ના રોગચાળાથી ધમરોળાયેલા અર્થતંત્રને ટેકો આપવા અને નોકરીઓનું રક્ષણ કરવા માટે વધુ ચલણી નોટો છાપવી જોઇએ. થોડાક સમય પહેલા ભારતીય મૂળના નોબેલ વિજેતા અર્થશાસ્ત્રી અભિજિત બેનરજીએ પણ કહ્યું હતું કે ભારત સરકારે ડર્યા વિના વધુ નોટો છાપવી જોઇએ અને ફુગાવાનો ભય રાખવો જોઇએ નહીં!

લોકોના ખિસામાં વધુ નાણા નાખો તો વપરાશ વધશે અને અર્થતંત્ર દોડતું થશે એમ તેમનું કહેવું છે. જો કે નોબેલ વિજેતા અર્થશાસ્ત્રીના પણ અર્થતંત્ર અંગેના બધા અભિપ્રાયો અને સૂચનો યો્ગ્ય જ હોય તે જરૂરી નથી. આ અભિજીત બેનરજીનો ઝોક ગરીબ વર્ગોની રોજગારી વધારવાને બદલે તેમને સીધી આર્થિક સહાય કરવાનો વધારે જણાય છે. લોકોના ખિસામાં વધુ પ્રમાણમાં નાણા આવશે તો તેમની ખર્ચ શક્તિ વધશે તેવી તેમની વાત સાચી છે પરંતુ જો વસ્તુઓનો પુરવઠો ઓછો પડશે તો અર્થતંત્રમાં વધુ પ્રમાણમાં ફરતા થયેલા નાણા ફુગાવા તરફ દોરી જશે.

અને આપણા દેશમાં ઘણી વસ્તુઓના પુરવઠામાં તંગી પ્રવર્તે જ છે તેથી વધુ ચલણી નોટો છાપવાનો પ્રયોગ જોખમી સાબિત થઇ શકે છે. વધુ પ્રમાણમાં ચલણી નોટો ફરતી કરવામાં આવે અને ચીજવસ્તુઓની તંગી હોય તો ફુગાવાની કેવી ભયંકર સ્થિતિ ઉભી થાય છે તે સમજવા ઝિમ્બાબ્વેના અર્થતંત્રમાં કેવી સ્થિતિ સર્જાઇ હતી તે આપણે જોયું જ છે. આર્થિક વિચારણા મુજબ નાણાની નોટો છાપવી એ ખાધનું નાણાકીયકરણ કહેવામાં આવે છે. ભારતના સંદર્ભમાં કહીએ તો ખાધનું નાણાકીયકરણ ત્યારે થાય છે જ્યારે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા(આરબીઆઇ) સરકારી ખર્ચાઓને ભંડોળો પુરા પાડવા માટે પ્રાયમરી માર્કેટમાંથી સરકારી જામીનગીરીઓ સીધી ખરીદે છે. એ રીતે રિઝર્વ બેન્ક નાણાનો પુરવઠો સરકારને આપે છે. પણ અર્થતંત્રમાં વધુ પ્રમાણમાં નાણા ફરતા કરવા અંગે સરકારનો અચકાટ હાલના સંજોગોમાં યોગ્ય જ છે.

ભારતની કુલ ઘરેલુ પેદાશ (જીડીપી) ૨૦૨૦-૨૧ દરમ્યાન ૭.૩ ટકાથી સંકોચાઇ છે એમ નાણા મંત્રીએ લોકસભામાં એક લેખિત જવાબમાં જણાવ્યું છે. આ સંકોચન રોગચાળા તથા તેને કાબૂમાં રાખવા માટે લેવાયેલા નિયંત્રક પગલાઓની અસરનું પ્રતિબિંબ પાડે છે. સરકારે રોગચાળાની અસર સામે લડવા માટે અને આર્થિક વિકાસને બેઠો કરવા તથા રોજગારી વધારવા માટે આત્મનિર્ભર ભારત યોજના હેઠળ રૂ. ૨૯.૮૭ લાખ કરોડનું એક સ્પેશ્યલ આર્થિક અને સમગ્રલક્ષી પેકેજ બહાર પાડ્યું છે, ૨૦૨૧-૨૨ના કેન્દ્રીય બજેટમાં પણ વિશાળ પાયા પરના અને સમાવેશક આર્થિક વિકાસને વેગ આપવા માટે સંખ્યાબંધ પગલાઓની જાહેરાત કરવામાં આવી હતી.

બીજા પણ અનેક પ્રોત્સાહક પગલાઓ ભરવામાં આવ્યા જ છે છતાં અર્થતંત્ર પુરેપુરું પાટે ચડતું નથી. અર્થતંત્રમાં વધુ પ્રમાણમાં ચલણી નોટો ફરતી કરવાનું જોખમ સરકાર ઉપાડવા માગતી નથી કારણ કે તેને ફુગાવો બેહદ વકરવાનો ભય લાગે છે. આમ પણ હાલ ફુગાવો સમયે સમયે ફુંફાડા મારતો જ રહે છે તે જોતા સરકાર આવું જોખમ ઉપાડવા તૈયાર નહીં થાય. સાચુ પૂછો તો સરકારે હાલમાં અર્થતંત્રની બાબતમાં તંગ દોરડા પર ચાલવાનો ખેલ કરવો પડી રહ્યો છે.

Most Popular

To Top