પૂણારોડ પર આવેલી અને નવી સરદાર માર્કેટ તરીકે ઓળખાતી એપીએમસી બંધ કરી દેવાનો આદેશ સુરત જિલ્લા કલેક્ટર ધવલ પટેલે આપ્યો છે. આ જથ્થાબંધ માર્કેટ છે અને અહીંથી જ સમગ્ર સુરતમાં શાકભાજીની સપ્લાય થાય છે એટલે આગામી દિવસોમાં શાકભાજીનો પૂરવઠો કેવી રીતે સુરતને પુરો પડશે તે અંગેની કોઇ જાણકારી મળી શકી નથી.
સુરતના જિલ્લા કલેકટર, પોલીસ કમિશનર અને જિલ્લા સહકારી રજીસ્ટ્રાર દ્વારા લોકડાઉનના સમયમાં સુરત એપીએમસીમાં શાકભાજી લેવા આવતા લોકોની ભીડ ઓછી કરવા તાજેતરમાં ખેડૂતો અને વેપારીઓનો સમય જુદો કરવામાં આવ્યો હતો. તથા જિલ્લા કલેકટરના આદેશ પછી 1000 વાહન ચાલકો અને વેપારીઓ, રિટેઇલર્સ અને એજન્ટોને 5000 પાસ ઇશ્યુ કરવામાં આવ્યા હતા. પરંતુ આજે અચાનક સુરત શહેરની જુદી જુદી શાક માર્કેટ એરિયામાં શાકભાજી વેચતા છુટક ફેરિયાઓ અને કાપડ માર્કેટમાં ટેમ્પો ચલાવતા લોકોનું ટોળુ માર્કેટ યાર્ડમાં ધસી આવતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. 3000થી વધુના લોકટાળાએ પાસની માંગણી કરી એપીએમસી માર્કેટમાં તોડફોડ કરતા પોલીસ બોલાવવી પડી હતી.
એપીએમસીના વાઇસ ચેરમેન સંદિપ દેસાઇ અને ડિરેકટર મોહન ભાટિયાએ સ્થિતિ બગડે તે પહેલા પુણા પોલીસને જાણ કરતા પોલીસે લાઠીચાર્જ કરી આ ટોળુ વિખેર્યુ હતું. ટોળા દ્વારા જેમ વેપારી અને રિટેઇલરને પાસ આપવામાં આવ્યા છે. તેમ તેમને પણ પાસ આપવામાં આવે. તેવી માંગ કરવામાં હતી. તેની સામે એપીએમસીના સંચાલકોએ વધુ પાસ ઇશ્યુ કરી શકાય નહીં તેવી વિગત આપી હતી. તેને લઇને ટોળુ તોફાને ચઢ્યું હતું.