આપણા ગામડાઓનું એક એવું દૃશ્ય જે ગ્રામ્ય જીવનનો એક ભાગ છે. ગોવાળ પશુધનને ચરાવી ઘરભણી આવતો હોય કે ખેતરના કામ પતાવી ખેડૂતનું ગાડું બળદના ગળે લટકતા ઘૂઘરાના અવાજે ગામમાં પ્રવેશતુ હોય લગભગ એવા ટાણે રામજીમંદિરના નગારે દાંડીઓ પડે અને ઝાલર રણકે એટલે આજુબાજુવાળા ઉતાવળે પગલે રામજીમંદિરમાં ચાલુ થયેલી આરતીમાં સહભાગી થવા પહોંચી જાય. આજે પણ આવા દૃશ્યો આપણા ગામડાઓમાં જોવા મળે છે. આખો દિવસ પરિશ્રમ કરતો માણસ આરતીમાં સહભાગી બની પોતાને સદભાગી માને છે. પૂજાવિધિ, શ્લોક, મંત્રો નહી જાણનાર સામાન્ય માણસો માટે ઇશ્વર સાથે એકાત્મકતા સાધવા માટે આરતી સમયે હાજરીને વિદ્વાનોએ પણ ઇશ્વરનો અનુપમ ઉપહાર ગણાવ્યો છે. સામાન્ય રીતે પ્રભાતે કે સાયંકાળે થતી આરતી ઇશ્વર પ્રત્યેની પ્રગટ કરાતી આસ્થાનો એક પ્રકાર આપણે સમજીએ છીએ. આજે થોડું વિશેષ આરતી જાણીએ.
આપણા ઘરમંદિરોમાં રોજ એક ટાઇમ કે સવાર-સાંજ બંને ટાઇમ પૂજા દરમ્યાન આપણે આરતી કરતા હોઇએ છીએ. સાામાન્ય રીતે બધા જ લોકો ઘરપૂજાની આરતી દરમ્યાન દેવ-દેવીઓની આખી આરતી નથી ગાતા હોતા પણ શ્રધ્ધા મુજબ મંત્ર-સ્ત્રોત બોલીને આરતી સાથે સમાપન કરતા હોઇએ છીએ. જયારે મંદિરોમાં દિવસ દરમ્યાન એકથી પાંચ વખત આરતી ઉતારવાનો ક્રમ હોય છે.
સામાન્ય રીતે મોટા ભાગના મંદિરોમાં પ્રાત:કાળ અને સાયંકાળની આરતી થતી હોય છે. આપણી વિડંબણા એ છે કે આજે આપણી પાસે સમય નથી અને મંદિરોની આરતીમાં સહભાગી નથી થઈ શકતા. માત્ર દેવ-દેવીઓના માટેના અમુક દિવસે અને તહેવારોમાં જ મંદિરે જઈ આરતી ટાણે હાજરી આપી સંતોષ માની લઈએ છીએ. દુર્ભાગ્યવશ આજે મોટાભાગના નાના મંદિરોમાં પૂજારી સ્વીચ પાડી આપોઆપ ચાલતા ઈલેક્ટ્રોનીક્સ નગારા અને ઝાલરના કુત્રિમ રણકાર વચ્ચે આરતી ઉતારી પોતાનું કર્મ આટોપે છે.
ભારતના મોટા દેવ-સ્થાનોમાં પરંપરાગત આરતી પ્રથા જળવાઈ જ રહી છે અને વિશાળ જનમેદની વચ્ચે એક અલૌકિક પરંપરાનુસાર આરતીવિધિ થતી હોય છે. એવું પણ કહેવાય છે પૂજા-યજ્ઞ ઈત્યાદિ ધર્મકાર્યમાં તમે પૂરો સમય હાજરી ના આપી શકો પણ અંતમાં આરતી સમયે પહોંચી સહભાગી બને છે તો પણ આ પૂરા ધર્મકાર્યનું ફળ પ્રાપ્ત થાય છે. ‘આરતી’ એટલે ઈશ્વરને પૂર્ણ ભાવથી કરેલી પ્રાર્થનાનો એક પ્રકાર, આરતી ભગવાનનું સ્વાગત અને આભાર વ્યકત કરવાની વિધિ, આરતી એટલે દિપકની જેમ સમર્પિત થવાની પ્રતિજ્ઞા…. આરતી ઉતારવાની પ્રક્રિયા પછી આપણે બંને હાથે આસ્કા લઈ આંખ પર હાથ અડકાડી માથા પર હાથ મુકીએ છીએ મતલબ, દેવ-દેવીઓની મૂર્તિની અથવા પૂજા-હવનની સકારાત્મક દૈવી ઉર્જાને આપણે આસ્કા વડે આપણા મસ્તક પર ચઢાવીએ છીએ.
એટલે જ દેવી-દેવતાઓની દિવ્યતાનો અંશ માત્ર પણ આપણને પ્રાપ્ત થાય છે તેવું આપણા પુરાણો અને શાસ્ત્રોમાં મહિમાવર્ણન છે. ઋગ્વેદમાં આરતી વિષયક વિગતે વર્ણન જોવા મળે છે. ઢોલ-નગારા, ઝાંઝ-પખાજ, મંજીરા, ઝાલર જેવા વાદ્યોને તાલે ગવાતી આરતી આપણને ધ્યાનનો અનુભવ કરાવે છે. ઉપરાંતા તાલબધ્ધ ગવાતી આરતીમા સાથે ગાતા લોકોને લય, તાલ, આરોહ-અવરોહનું આપો આપ જ્ઞાન થતુ હોય છે અને ક્યારેક ગાવાની સુષુપ્ત રહેલી આવડત આપમેળે બહાર આવતી હોય છે.
સામાન્ય રીતે રૂની ઘી કે તેલમા બનાવેલી દિવેટથી પ્રગટાવેલી આરતી એ સહજ સ્વરૂપ છે. પણ કપુર, ભસ્મ, જળ ભરેલા શંખથી આરતી એવા અનેક પ્રકાર પણ ગણાયા છે. એક સાષ્ટાંગ આરતી પણ ગણાય છે. જેમાં મસ્તિસ્ક, હૃદય, ખભા, હાથ અને ઘૂંટણ જેવા પાંચ શરીરના અંગો ઉપયોગી થાય છે જેને પંચ-પ્રાણ પ્રતિક આરતી પણ કહે છે. આરતીમા એક, ત્રણ, પાંચ, સાત એમ એકીસંખ્યાની દિવેટ હોઇ શકે છે. પાંચ દિવેટની જ્યોતીવાળી પંચારતી અથવા પ્રદીપ આરતી કહે છે. વિધિ-વિધાન અને પ્રસંગોચિત આરતી પ્રગટાવાતી હોય છે.
ઉજ્જૈનના જ્યોતિર્લિગ મહાકાલેશ્વરની ભસ્મ આરતી ખૂબ વિખ્યાત છે. જોકે અહીં દિવસ દરમ્યાન પાંચ વખત આરતી થતી હોય છે પણ પ્રાંત:કાળની પ્રથમ ભસ્મઆરતીના દર્શન કરવા રોજ લોકોની મેદની જોવા મળે છે. અહીં વર્ષ દરમ્યાન બે વખત બપોરે ભસ્મઆરતી કરાય છે એક વખત શિવરાત્રીના દિવસે અને તેના પછીના બીજા દિવસે એમ બે દિવસ બપોર મધ્યાહન ભસ્મ આરતી થતી હોય છે. આ રાખ સ્મશાનમાંથી તાજી રાખ લાવવામાં આવતી પણ કેટલાક ફેરફારો પછી ગોબરના છાણાની રાખ હવે ભસ્મ આરતીમાં ઉપયોગમા લેવાય છે.
ઓમ જય જગદીશ હરે, જય આદ્યાશક્તિ અને ગણપતિની કેટલીક આરતીઓ વધુ ખ્યાત બની છે. દર વર્ષે ગણોશોત્સવ દરમ્યાન 10 દિવસ ગવાતી ગણપતિની કેટલીક આરતીઓ આપોઆપ મોઢે થઇ જતી હોય છે. જય જગદીશ હરે આરતી મનોજકુમારની એક ફિલ્મમાં આવ્યા પછી ખુબ વિખ્યાત થઈ ગઈ તેથી આ આરતીના રચયિતા મનોજકુમાર હોવાની લોકોમાં ગેરસમજ છે.
ખરેખર તો 150 વર્ષ પહેલા એટલે કે 1870માં પંજાબના લુધિયાણા પાસેના ફીલ્લોરી ગામના પંડિત શ્રાધ્ધારામે આ આરતીની રચના કરી હતી. 30 વર્ષની ઉંમરે આ આરતીની રચના કરનાર શ્રદ્ધારામ પંડિત ક્યારેય સ્કૂલ નથી ગયા. ઘરના ધાર્મિક વાતાવરણ વચ્ચે તેમણે પિતા પાસેથી ધાર્મિકજ્ઞાન અને અનેક ભાષા શીખવાની તાલિમ મળી હતી. પર્શિયન, હિન્દી, સંસ્કૃત અરબી અને ગુરૂમુખી (પંજાબી) ભાષાઓમાં અનેકગદ્ય-પદ્ય પુસ્તકો લખ્યા છે. માતાજીની ‘જય આદ્યાશક્તિ’’ આરતી તો એટલી વિખ્યાત છે કે આપણે ત્યા નવરાત્રી સિવાય પણ માતાજીની પૂજા-હવનમાં અવશ્ય ગવાતી જોવા મળે છે.
અંદાજે 500 વર્ષ પહેલા એટલે કે ઈ.સ. 1550 થી 1650 વચ્ચેના સમયમાં સુરતના વડનગરા નાગરબ્રાહ્મણ શિવાનંદ સ્વામીએ રચેલી આ આરતી 18 કડીઓની છે જેમાં અંતમાં ‘ભણે શિવાનંદ સ્વામી’ એવું એમનું નામ પણ જોડાયેલું છે. આ ઉપરાંત શિવાનંદ સ્વામીએ આરતી, થાળ, ધૂન, ભજન-કિર્તન સહિતની સવા બસ્સોથી વધુ રચનાઓ કરી હતી. અંબાજી ધામ ખાતે સવારે સાંજની જય આદ્યાશક્તિ આરતીમાં વચ્ચે એક મિનિટનો વિરામ લેવાય છે. જેનું ચોક્કસ કારણ નથી મળતું પણ વર્ષોથી આ જ પરંપરા ચાલે છે. જેમાં તેરસે તુળજારૂપ તમ તારૂણી માતા.. એ પંક્તિ પછી એક મિનિટનો વિરામ આવે છે અને વિરામ દરમ્યાન પૂજારી વિશેષ પૂજા કરે છે.
વિરામ બાદ આગળની પંક્તિ ‘ચૌદશે ચૌદારૂપ ચંડી ચામુંડા’ શરૂ થાય છે એટલે કે દરેક જગ્યાએ મંદિરની પરંપરા મુજબ આરતી થતી હોય છે. સુવિખ્યાત આરતીઓમાં ગંગા આરતી દર્શનનો મહિમા અધિકાધિક જોવા મળે છે. તે પછી હરિદ્વારના હર કી પૈડી ઘાટની આરતી હોય કે બનારસના દશાશ્વમેઘ ઘાટની ભવ્યાતિભવ્ય ગંગાઆરતી.. રોજ બંને ટાઇમ યોજાતી આ આરતીમાં જોડાવાનો લ્હાવો લેવા યાત્રાળુઓ આતુર હોય છે. યુ.પી.માં યોગી સરકારને કારણે ધાર્મિક ઉત્સવોને ઘણુ પ્રોત્સાહન મળી રહ્યું છે. ઉ.પ્ર.માં બિજનૌરથી બલિયા સુધીના ગંગાતટ પર નવા 1038 નવા ઘાટ બનાવવાનો પ્રારંભ થઇ ચુકયો છે અને જે તૈયાર થતા કુલ 1100 સ્થળેથી રોજ ગંગાઆરતી ઉતારવાનો નિર્ણય લેવાયો છે.