પ્રાર્થના એક શક્તિ છે, મહાશક્તિ. જો પ્રાર્થના પુરા દિલથી અને સંપૂર્ણ શ્રદ્ધાથી કરવામાં આવે તો તેનું ધાર્યું પરિણામ આવે જ છે. ક્યારેક એને માટે ખુબ ધીરજ રાખવી પડે છે. આવા સમયે જ શ્રદ્ધાની કસોટી થાય છે. એક સ્ત્રીને થયેલ અનુભુતિનો તેણે જાતે વર્ણવેલ પ્રસંગ અત્રે પ્રસ્તુત છે. કેરલ નામની આ મહિલાએ જણાવ્યા પ્રમાણે તેના લગ્ન આર્ચી નામના યુવાન સાથે થયાં હતાં. મોટી ઉંમરે લગ્ન થયાં હતાં પણ તેઓ એકબીજાને ખૂબ ચાહતાં હતાં. તેમનું સાંસારિક જીવન જ નહીં પણ આધ્યાત્મિક જીવન પણ સારું, પ્રાર્થનામય હતું. તેમનાં બાળકો સાથે તેઓ આનંદમય જીવન જીવતાં હતાં પણ ઈશ્વર જાણે તેમની કસોટી કરવા માગતા હોય તેમ તેના પતિને એકદમ કમરમાં સખત દુખાવો ઉપડ્યો. તેને ત્રણ ઈમરજન્સી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો પણ ત્યાંના ડોક્ટરોએ તેને એ તો સામાન્ય મચકોડ છે એમ કહી દુખાવાની જ દવા આપી ઘરે મોકલી આપ્યો.
આગળ આપવિતી વર્ણવતાં કેરલે કહ્યું કે, આમ એક અઠવાડિયું ચાલ્યું, ત્યાં તારીખ ૮ ઑક્ટોબર, ૧૯૮૪ના રોજ રાત્રીના બે વાગ્યના સુમારે મારા પતિએ મને જગાડીને કહ્યું, કે તેના પગો નિશ્ચેતન થઈ ગયા છે અને કોઈ જાતની અસર થતી નથી, એટલે મેં એમ્બ્યુલન્સ બોલાવી મારા પતિને હોસ્પિટલમાં દાખલ કરાવી દીધો. ઘરે મારાં નાનાં બાળકો એકલાં હોવાથી રાત્રે મારા પતિની સાથે હું હોસ્પિટલ જઈ શકી નહીં. હું નિસહાય બની ગઈ હતી. બીજા દિવસે બાળકો સ્કૂલમાં ગયાં એટલે તરતજ હું હોસ્પિટલ પહોંચી ગઈ. ડૉકટરો સાથે પૂછપરછ કરી પણ તેઓ કંઈ સ્પષ્ટ જણાવતા ન હતા. પાછળથી એક ડૉક્ટરે મને જણાવ્યું કે, તેને કમરથી નીચેના ભાગે લકવા મારી ગયો છે. અને કંઈ પણ કોમ્પલીકેશન થઈ શકે છે. આ સમયે આર્ચીની ઉંમર માત્ર પીસ્તાલીસ વર્ષની જ હતી. પણ તેનું વજન વધારે હોવાથી ખરેખર શું પ્રોબ્લેમ છે તે ડૉક્ટરો નક્કી કરી શકતા ન હતા.
હું હોસ્પિટલમાં હતી ત્યાં મેં એક ચેપલ/નાનું પ્રાર્થનાગૃહ શોધી કાઢ્યું. ત્યાં મારા આરાધ્ય સંત થેરેસાની– St. Theresa’s પ્રાર્થના શરું કરી. આ સંત પર મને ખુબ શ્રધ્ધા છે. એમ કહેવાય છે કે જ્યારે આ સંત પ્રાર્થના સ્વિકારે ત્યારે આરાધકને એક ગુલાબ મોકલી આપે છે. મારા પતિ અવારનવાર કોમામાં સરકી જાય અને પાછા ભાનમાં આવે! ભાનમાં હોય ત્યારે પણ અર્થ વગરની વાતો કરે. આવી સ્થિતિમાં દિવસો ગુજરવા લાગ્યા. દિવસે દિવસે મારા પતિનો દેહ સુકાવા લાગ્યો . હું ગભરાઈ ગઈ હતી. સંત થેરેસાને તેનો જીવ બચાવવા ખુબ પ્રાર્થના કર્યા કરતી હતી.
અંતે એક ન્યુરોસર્જને મને કહી દીધું કે આર્કી બચી શકે તેમ નથી. તેના કરોડરજ્જુમાં બલોકેજ છે, જે ઑપરેશન કરી દૂર કરવા પ્રયત્ન કરીએ છીએ પણ અપેક્ષિત પરિણામ આવે તેવું લાગતું નથી. હું અસ્વસ્થ બની ગઈ હતી. હું હોસ્પિટલના ચેપલમા પ્રાર્થનામાં જ ઝાઝો સમય પસાર કરતી હતી. મારી મમ્મી ઘરે બાળકોને સંભાળતી હતી એટલે હું આર્કી સાથે હંમેશા હોસ્પિટલમાં રહેતી હતી. મને સંત થેરેસા પર પુરો વિશ્વાસ હતો કે તે મને મદદ કરશે જ. ઑપરેશનો સમય આવી પહોંચ્યો. ડૉક્ટરે મને કહ્યું કે તમે ઘરે જાવ, કારણ કે ઑપરેશન કલાકો સુધી ચાલશે. દર્દી ભાનમાં આવશે એટલે અમે તમને બોલાવી લઈશુ. પણ મેં કહ્યું, ના હું, તો અહીં જ રહીશ. નિશ્ચિત સમયે હું અને મારી મમ્મી નર્સોની રુમની બાજુમાં ગોઠવાઈ ગયાં અને પ્રાર્થના કરતાં રહ્યાં.
આ પહેલાં મેં આર્ચી સાથે વાત કરવા કોશિશ કરી પણ તે વાત કરી શક્યો નહીં. ઑપરેશન ની તૈયારી થઈ ગઈ. આર્ચી સવારના દશ વાગ્યે વ્હીલચેરમાં ઑપરેશન થીએટરમા લઈ જવામાં આવ્યો. નર્સો તેમના સ્થાને ગોઠવાઈ ગઈ. ડોક્ટરો આવી ગયા અને ઑપરેશનની શરુઆત કરી દીધી. થોડી વારમાં એક આશ્ચર્યજનક ઘટના ઘટી. એક પીળા કલરના ગુલાબના ફૂલે આશ્ચર્ય ફેલાવ્યું હતું. સાડા દશ વાગ્યાના અરસામાં નર્સો જે રુમમાં હતી ત્યાં ટેબલ પર એક પીળા રંગનું ગુલાબ દેખાયું. તેમને ખબર ન પડી કે ક્યાંથી આ ગુલાબ આવ્યું. તેઓ અમે જ્યાં બેઠાં હતાં ત્યાં એ ગુલાબ લઈ આવ્યાં અને આ ગુલાબ ક્યાંથી આવ્યું તે પૂછ્યું . અમને પણ કંઈ જ ખબર ન હતી.
હું તો ત્યાં સતત હાજર હતી. કોઈએ આ ફૂલ આર્કીને પણ આપ્યું ન હતું. એકદમ મારી આંખોમાં પાણી ભરાઈ આવ્યાં. હું બૂમ પાડી ઊઠી, ‘મારી પ્રાર્થનાનો જવાબ મળી ગયો!’ મારી નજર ઉંચી થઈ તો જોયું કે આર્કીને ઑપરેશન થીએટરની બહાર લઈ આવવામાં આવ્યો હતો. કુતુહલવશ હું ડૉક્ટર પાસે દોડી ગઈ. તેમણે કહ્યું કે, જ્યારે અમે એક્ઝેક્ટલી બ્લોકેજ કઈ જગ્યાએ છે તે નક્કી કરવા સાધન તેના શરીરમાં દાખલ કર્યું ત્યારે અમને જણાયું કે બ્લોકેજ ગાયબ થઈ ગયો હતો; એટલે અમે તેનું ઓપરેશન કર્યું જ નથી. તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા હતા પણ મને ખબર હતી કે સંત થેરેસાએ મારી પ્રાર્થનાનો જવાબ આપ્યો હતો.
હોસ્પિટલમાંથી આર્ચીને એપ્રિલ, ૧૯૮૫ના રોજ ઘરે લાવવામાં આવ્યો. તેને દુઃખાવો તો રહેતો જ હતો, પણ એની ફરિયાદ ન હતી. એ આનંદમાં રહેતો હતો અને ઓગણીસ વર્ષ અમારી સાથે ગુજારીયા હતાં. અમે ખુશ હતાં. ખુશીથી અમારું જીવન ગુજારતાં હતાં. કાયમ પ્રાર્થના કરતાં અને આર્ચીને જીવનદાન આપવા બદલ ઈશ્વર તેમજ સંત થેરેસાનો આભાર માનતાં હતાં. પરંતુ કમભાગ્યે તારીખ ૭, ફેબ્રુઆરી, ૨૦૦૪ના રોજ એનો સમય આવ્યો અને ઈશ્વરે એને લઈ લીધો.