વિચાર જ્યારે આચારમાં દઢ બની જાય છે ત્યારે તેને સંસ્કાર કહેવામાં આવે છે.” સંસ્કૃતિ એટલે આપણી વિચારવાની, બોલવાની અને વ્યવહારમાં આવવાની, જીવન જીવવાની રીત. આ બધામાં જ્યારે નૈતિક મૂલ્યો સકારાત્મકતા પાયાનું સ્થાન લે ત્યારે સંસ્કૃતિ સ્થાપન થઈ શકે. અનેક પ્રકારની સંસ્કૃતિ જેવી કે આર્ય સંસ્કૃતિ, ઋષિમુનિ સંસ્કૃતિ, રોમન સંસ્કૃતિ, ભારતીય સંસ્કૃતિ, પાશ્ચાત્ય સંસ્કૃતિ વિગેરે વિશે આપણે જાણીએ છીએ. આ બધામાં જો શ્રેષ્ઠ સંસ્કૃતિ હોય તો તે છે.
ભારતીય સંસ્કૃતિ. – પાશ્ચાત્ય સંસ્કૃતિની જો વાત સમજીએ તો જે સંસ્કાર નાનપણથી જ વડીલો દ્વારા વારસાઈમાં મળે છે તે એવા હોય છે કે તરુણાવસ્થા વટાવી નથી ત્યાં તો પશ્ચિમના બાળકો મા બાપથી અલગ થવા માંડે છે. બાળકો સમજતા થાય તે પહેલાં તો મોટા ભાગના કિસ્સામાં મા બાપ જ પતિ-પત્ની તરીકે અલગ થઈ જાય છે. ઘર અને કુટુંબ જેવું કશું જ નથી. અડોશ પડોશનો વ્યવહાર પણ ખાસ નથી. નાઇટ ક્લબ કલ્ચર’ નું આધિપત્ય છે. સોમથી શુક્ર કમાઈ શનિ-રવિમાં વેડફી દેવાની. આગળનું જે થવાનું હોય તે થાય. જવાબદારીનો અભાવ અને ભારોભાર પલાયનવાદ. કુટુંબજીવન અને દાંપત્યજીવન માટેની સમર્પિતતા અને વિશ્વસનીયતાના પ્રવેશ દ્વારા સદંતર બંધ. લાગણીશૂન્યતા ભારોભાર.
સંબંધ ફક્ત જરૂરિયાત પૂરતો. ન ફાવ્યું એટલે તું તારે રસ્તે અને હું મારે રસ્તે. કોઈને કોઈનું બંધન નહિ અને કોઈ વાતનો છોછ નહિ. સમાજનું કોઈ બંધારણ નહિ. કોઈ આચારસંહિતા નહિ, નહીં કોઈ નીતિનિયમ. સામાજિક અંકુશનું નામોનિશાન નહીં. વિલાસતીતતાનો પૂર્ણ પ્રભાવ. ભોતિક વાતના રવાડે ચડી ગયેલું જનમાનસ. ઊંઘ માટે શરાબ જોઈએ કે ઊંઘની ગોળી લેવી પડે. શાંતિ માટેની શોધમાં ભટકવું પડે. ઉપરની બધી જ વાતોનો સરવાળો એટલે પાશ્ચાત્ય સંસ્કૃતિ.
ભારત દેશ તેની ભાતીગળ સંસ્કૃતિની ગરિમાને કારણે વિશ્વમાં ગૌરવવંતા સ્થાને – બિરાજમાન છે. કાળક્રમે જગતની અનેક સંસ્કૃતિ લુપ્ત થઈ ગઈ. ભારતીય સંસ્કૃતિ .. માનવજીવનને જીવવાનો રાહ બતાવતી હજુ અડીખમ અસ્તિત્વ ધરાવતી ઊભી છે. આકાશને આંબવા મથતો અવિચળ હિમાલય અને બારેમાસ વહેતી ગંગાનદી ભારત દેશની ઓળખ છે. રામ, કૃષ્ણ, મહાવીર, બુદ્ધ આ પવિત્ર ભૂમિ જન્મ્યા છે. ધર્મને જીવનમાં ગ્રહણ કરવાના ઉદ્દેશ્યથી તેમણે માનવજીવનનો ઉદ્ધાર થાય એવી પરંપરાનો ઊજળો ઈતિહાસ આપણી સન્મુખ મૂક્યો. આપણા માટે એ જીવનશેલી બની ગઈ અને એવા સંસ્કારો અનેકોના જીવનમાં ઊતરતા ગયા અને ધીરે ધીરે આ ભારતીય સંસ્કૃતિ તરીકે ઓળખ પામી.
છેલ્લાં પાંચસોથી વધુ વર્ષોમાં ગુલામી અને ગરીબી હોવા છતાં ભારતીય સંસ્કૃતિને જે લૂણો નથી લાગ્યો તે અસંસ્કારિકતાનો ભયજનક લૂણો છેલ્લાં પચાસેક વરસથી લાગવા માંડ્યો છે હવે એ ઉધઈ બનીને સંસ્કૃતિને કોરી રહ્યો છે. શરૂઆતમાં દેશના મોટા શહેરોમાં અંદરખાને દેખાતો આ બગાડ હવે ફૂલીફાલીને અસાધ્ય રોગ બની નાના નગરો અને ગામડા સુધી પ્રસરી ચૂક્યો છે. ફેશનના નામ સાથે વિકૃતિને સ્વીકૃતિ મળી જાય છે. યુવાપેઢી શીલનું મહત્ત્વ જાણતી નથી, સમજતી નથી અને સ્વીકારતી નથી. છીછરા મનોરંજનથી તન અને મન ભ્રષ્ટ થઈ ચૂક્યો છે. આ યુવાપેઢીને પતનનોરંજ પણ નથી.
વિકૃતિને કદી સ્વીકૃતિ મળતી નથી, ખાબોચિયું કદી ઝરણું બની શકતું નથી.’ ભારત એક ખૂબસૂરત બગીચો છે. જેમાં મૂલ્યનિષ્ઠ સમાજના પુષ્પો ખીલેલા છે. તમામ પ્રકારના રૂપ, રંગ, સુગંધ ભારતીય સંસ્કૃતિમાં હજ પણ મોજૂદ છે. એ માટે માનવ સમાજના પ્રત્યેક ફૂલો એ જાગૃત રહેવાની જરૂર છે. શંકરાચાર્યથી માંડી સંતકબીર, રામકૃષ્ણ પરમહંસ, હેમચંદ્રાચાર્ય, સ્વામી રામતીર્થ, મહર્ષિ દયાનંદ, રામમોહનરાય, સ્વામી વિવેકાનંદ અને મહાત્મા ગાંધી જેવા અનેક દિવ્ય યુગપુરુષોએ તેમના જીવનકાળ દરમિયાન ભારતીય સંસ્કૃતિની મહાનતાને ઉજાગર કરી.
આધ્યાત્મિકતાનો અમર વારસો આપણને સર્વધર્મ અને સર્વ આત્માઓના પરમપિતા પરમાત્મા શિવ પાસેથી મળેલો જ છે અને એ ભારતીય સંસ્કૃતિમાં પરિવર્તીત થઈ સુખ, શાંતિ પવિત્રતાનો અમૂલ્ય ખજાનો વરદાનરૂપે અનુભવી રહ્યા છીએ. મિત્રો, ચાલો આપણે એ ભારતીય સંસ્કૃતિને આપણા ગળાનો હાર બનાવીએ અને એવી માળા આપણા સહપરિવારને પણ સોગાદરૂપે આપીએ એવી શુભકામના સાથે…