વડીલોને વંદન બહુધા લોકો કરે છે. તે સમયે વડેલો આશીર્વાદ આપે કે, સો વર્ષના થાઓ. બધા આશીર્વાદો ફળે જ એવું થતું નથી પરંતુ સો વર્ષ આનંદથી જીવો એ તેઓનો મનોભાવ હોય છે. લાંબુ આયુષ્ય હોસ્પિટલને ખાટલે કાઢવું પડે તેનો શો અર્થ? તેથી સ્વાસ્થ્યપૂર્ણ દીર્ઘાયુની જ કામના હોવી જોઇએ. આ સો વર્ષ પણ ખાધું, પીધું ને મોજ કીધી તેમાં જાય તે પણ જરૂરી નથી. આયુર્વેદમાં ઋષિ કહે છે કે, આ લોકમાં કર્મ કરતાં કરતાં સો વર્ષ જીવો.
ઋષિઓએ ઘર અને સમાજને કેન્દ્રમાં રાખ્યાં છે. કર્મ કરીને સમાજને સુખી કરો. સમાજ સુખી તો ગામ સુખી અને છેવટે આખો દેશ સુખમય જીવન ગાળે એ કલ્પના રહેલી છે. પ્રત્યેક વ્યકિત જો પોતાનાં નિર્ધારીત કર્મો પ્રામાણિક રીતે કરે તો તેની અસર સમાજ પર પડયા વિના રહેતી નથી. વ્યકિતને જો કંઇ કામ સોંપાયું છે તે તેણે પ્રામાણિકતાથી કરવું. આમ સૌ વર્તન કરશે તો તેની સીધી અસર સમાજ પર પડશે જ.
યજુર્વેદમાં ‘આ લોકમાં કર્મ કરતાં કરતાં સો વર્ષ જુવો’ નો વિચાર ઋષિએ દર્શાવ્યો છે. વ્યકિત પોતાને સુખી કરવા પ્રયત્ન કરે એમાં દૃષ્ટિમાં સમાજ પણ હોવો જોઇએ જેથી મારા સુખથી સમાજને હાનિ થતી હોય તે કર્મ નિરર્થક કર્મ બને છે. પુરુષાર્થમાં કર્મ તો કેન્દ્રમાં આવે જ છે. કર્મમાં પ્રત્યેક કર્મ સફળ થાય જ એવું થતું નથી. પરંતુ સ્વ અને પરહિતને ધ્યાનમાં લઇને થતું કર્મ અસફળ પણ થાય તો કર્તાને તેનું દુ:ખ રહેતું નથી. શ્રીકૃષ્ણે ગીતામાં કર્મ કરવું પણ તેના ફળની આશા ન રાખવી જેથી દુ:ખનો પ્રશ્ન જ રહેતો નથી.
કર્મ કરવું એટલે પેટ ભરવા માટે કંઇક કરવું એ ઋષિઓનો વિચાર નથી પરંતુ કર્મ પાછળ અપેક્ષા ન રાખવી એ તેનો વિશાળ ખ્યાલ છે. કોઇ કર્મથી સ્વને જ લાભ થતો હોય તો તે વિકર્મ બને છે પરંતુ સ્વકર્મથી સ્વ અને સમાજ ઉભયને લાભ થતો હોય તેને જ ગીતમાંથી શ્રીકૃષ્ણે કર્મ કહેલું છે. એકનાથના ગુરુ જનાર્દન પંત હતા. ગુરુજીએ એક દિવસ એકનાથને હિસાબનું કામ સોંપ્યું પરંતુ તેમાં સામાન્ય ભૂલ આવ્યા કરતી હતી તેથી તે ભૂલ શોધવા એકનાથજી મોડી રાત સુધી બેઠા. ભૂલ મળી ગઇ અને હિસાબ મળી ગયો એટલે એકનાથજીએ તાળી પાડી.ગુરુજીએ તાળીઓ પાડવાનું કારણ પૂછયું તેથી એકનાથજીએ જણાવ્યું કે, હિસાબ મળી ગયો. ગુરુજીએ કહ્યું કે, સામાન્ય હિસાબ મળે તો આટલો આનંદ થાય પરંતુ સંસારમાં આવી આપણે અનેક ભૂલો કરીએ છીએ તેનાં જો હિસાબ મળી જાય તો કેટલો આનંદ થાય? વિચારો.