Business

સુખ અને દુ:ખ કર્મને આધીન છે

એક રાજા ઘોડા પર બેસીને કયાંક જઇ રહ્યો હતો. ઘોડા પર થોડો સમય બેઠા પછી તેને થયું કે ઘોડેસવારીમાં કંઇ મજા પડતી નથી, થાક લાગે છે. એટલે તેને સિપાઇને કહ્યું, હાથી લઇ આવો. કાફલામાં હાથીઓ તો હતા જ. એટલે એક હાથી પર અંબાડી નાખી રાજાને બેસાડયો. સવારી આગળ ચાલી. થોડે દૂર ગયા પછી રાજાને થયું, આ હાથી પર પણ કંઇ ફાવતું નથી જરા આરામદાયક સવારે જોઇએ. એટલે સિપાઇને ફરી હુકમ કર્યો, ‘પાલખી મંગાવો.’ અને પાલખી આવી ગઇ. એમાં રાજા પગ લંબાવીને બેઠો. પણ થોડીવારે એ કંટાળ્યો.

એણે સવારી રોકી બધાને આરામ કરવા ફરમાવ્યું અને પોતે એક ઝાડ નીચે ગાલીચા પથરાવી આરામ કરવા લાગ્યો. થોડા પગ દુ:ખતા હતા, એટલે સેવકને બોલાવી પગચંપી કરાવવા માંડી. ત્યાં છાણાં વીણવા નીકળેલી એક છોકરી રાજાની આ બધી પ્રવૃત્તિ જોઇ રહી હતી. એણે પોતાની સાથે આવેલી સખીને સવાલ કર્યો, કે આ રાજાને આટલી સગવડ મળવા છતાં એ થાકી ગયો છે, અને પગ દબાવડાવે છે. પેલા સાથે ચાલનારા સૈનિકોનું શું થતું હશે? એમના પગ દુ:ખતા નહીં હોય?’

સખીએ જવાબ આપ્યો: ‘જે વધુ સુખ ભોગવે છે, એ જ જલ્દી થાકી જાય છે, જે શ્રમ કરે છે, એને થાકનો ઝાઝો અનુભવ થતો નથી, કારણકે એ ટેવાયેલો છે.’ છાણા વીણતી છોકરીને થયું: આપણે રોજ મહેનત કરી છાણાં ભેગાં કરીએ છીએ. ત્યારે રોટલો કમાઇએ છીએ. અને આ રાજાને આટલી સાહયબી છે, છતાં થાક લાગે છે. એના કરતાં તો આપણે વધુ સુખી છીએ.’ ફરી એણે સખીને પૂછયું: ‘આ રાજા સુખી કે, પગ દબાવનાર સુખી?’ સખીએ જવાબ આપ્યો, બંને માને તો સુખી, અને ન માને તો દુ:ખી. છોકરી બોલી: ‘એટલે…?’ એટલે રાજાના કર્મો સારા હશે, એટલે આટલી સગવડ, સાહયબી અને પગ દબાવનારા છે. પગ દબાવનારાના કર્મો એવા હશે તો એને રાજાના પગ દબાવવા પડે છે. ગમે તેમ તો ય એ રાજાનો સેવક તો છે ને? અને આપણે જો છાણાં વિણીએ છીએ.’

પેલી છોકરી વાતનો મર્મ સમજી ગઇ હોય, ફરી પોતાના કામે લાગી ગઇ. વાત જાણે એમ છે કે, માણસને જે કંઇ સુખ-સુવિધા કે દુ:ખ-સગવડ મળે છે, એ એનાં પૂર્વ કર્મોને આધીન છે. રાજાએ કદાચ સારાં કર્મો કર્યાં હશે, એટલે એ રાજા થયો, અને સેવકોના કર્મો એ મુજબ હશે તો તેમના નસીબે આ સેવા લખાયેલી હશે. એક બાળક પૈસાદારના ત્યાં જન્મે છે, અને બીજો ગરીબની ઝૂંપડીમાં, એક દિવસમાં ચાર વાર વસ્રો બદલે છે અને બીજો ચાર દિવસ પણ એજ ફાટેલાં, ગંદાં કપડાં પહેરી જીવે છે.

આ બધા કર્મના જ ખેલ છે. પણ બીજી તરફ એવું પણ છે કે, તમે પૈસાના કે સત્તાના ઘમંડમાં જો કોઇને રંજાડયા, ત્રાસ આપ્યો, લૂંટ ચલાવી કે અન્યાય કર્યો, તો એ કર્મો તમને જ આગળ નડવાનાં છે. પછી એ પગ દબાવનાર રાજા થશે, અને રાજા એનો સેવક થઇ પગ દબાવશે! કર્મની ગતિ ન્યારી છે ભાઇ, એટલે તમને મળેલાં સુખ અને દુ:ખ તમારા કર્મોને જ આધીન છે. માટે કાયમ સત્કર્મો કરો, ખોટું કરતાં સોવાર વિચારજો, અને ખોટું ટાળજો.

Most Popular

To Top