લૉકડાઉન સમાપ્ત થવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને બજેટ કેરિયર એર એશિયા ઇન્ડિયાએ 15 એપ્રિલથી પ્રવાસ માટે એર ટિકિટ બુક કરવાનું શરૂ કર્યું છે. જો કે, કંપનીએ કહ્યું છે કે જો એવિએશન રેગ્યુલેટર ડીજીસીએ તરફથી કોઈ નવો ઓર્ડર આવે તો ફેરફારો કરી શકાય છે. એર એશિયાના પ્રવક્તાએ આ માહિતી આપી છે.
સરકારી કેરિયર એર ઇન્ડિયાએ 30 એપ્રિલ સુધી પ્રવાસ માટેની ટિકિટ બુક ન કરવાનો નિર્ણય લીધો છે. એર ઈન્ડિયાએ શુક્રવારે મોડી સાંજે એક નિવેદન બહાર પાડતાં કહ્યું છે કે 30 એપ્રિલ સુધી તમામ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સની ટિકિટ બુકિંગ બંધ કરી દેવામાં આવી છે. કંપનીનું કહેવું છે કે અમે 14 એપ્રિલ પછી સરકારના નિર્ણયની રાહ જોઈ રહ્યા છીએ. દેશની તમામ ડૉમેસ્ટિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ 14 એપ્રિલ સુધી સ્થગિત છે. આ સસ્પેન્શન લાગુ કરવામાં આવ્યું છે કારણ કે કોરોનાવાયરસને રોકવા માટે લૉકડાઉન લાદવામાં આવ્યું છે. જો કે, નાગરિક ઉડ્ડયન સચિવ પ્રદીપસિંહ ખરોલાએ ગુરુવારે કહ્યું છે કે એરલાઇન્સ 14 એપ્રિલ પછી કોઈપણ દિવસની યાત્રા માટે ટિકિટ બુક કરાવી શકે છે. દેશમાં 25 માર્ચથી 21 દિવસથી લોકડાઉન ચાલી રહ્યું છે.
મોટાભાગની એરલાઇન્સે 15 એપ્રિલથી પ્રવાસ માટે એર ટિકિટ બુક કરવાનું શરૂ કર્યું છે. ઈન્ડિગો, સ્પાઇસ જેટ અને ગો એર દ્વારા 15 એપ્રિલ પછી ઘરેલું વિમાન મુસાફરી માટેની ટિકિટ બુક કરવાનું શરૂ કરાયું છે. સ્પાઇસ જેટ અને ગોઅઅર 1 મે પછીની આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સની ટિકિટ પણ વેચી રહ્યા છે. ઈન્ડિગોના પ્રવક્તાએ શુક્રવારે કહ્યું કે અમે 15 એપ્રિલથી 30 એપ્રિલની વચ્ચે હવાઈ મુસાફરી માટેની ટિકિટ બુક કરવાનું શરૂ કર્યું છે.