સોખડા હરિધામ (Sokhda haridham) મંદિર પરિસરમાં હરિપ્રસાદ સ્વામીજી (Hariprasad swamiji) અંતિમ પાલખીયાત્રા નીકળી છે. જેમાં મોટી સંખ્યામાં સંતો જોડાયા છે. 5 પંડિતો દ્વારા આજે સવારથી અંત્યેષ્ટિની શાસ્ત્રોક્ત વિધિઓ શરૂ કરાઇ છે. સ્વામીજી પાલખી યાત્રા મંદિર પરિસરમાં ફેરવવામાં આવી હતી, ત્યારે હરિભક્તો ચોધાર આસુંએ રડી પડ્યા હતા.
સ્વામીજીના દિવ્ય વિગ્રહને રાજકોટના શાસ્ત્રી સહિત પાંચ પંડિતો દ્વારા યજુર્વેદ સંહિતાના પુરૂષસૂક્તમાં દર્શાવ્યા અનુસાર અંતિમ સંસ્કાર વિધિ (Funeral) કરાવવામાં આવી રહી છે. આ અંતિમ પાલખી યાત્રામાં હરિભકતોને પ્રવેશ અપાયો નથી, તેઓ ઓનલાઇન દર્શન (Online Darshan) કરી શકશે. આયોજકોએ જણાવ્યું હતું કે જે દેવઋણ, મનુષ્યઋણ અને ગુરૂઋણમાંથી મુક્તિ અપાવે છે. પરમ પૂજ્ય સ્વામીજીના અંત્યેષ્ટિ સંસ્કારની શરૂઆત તીર્થજળ અને ગુલાબ-કેસર જળથી અભિષેક સાથે શરૂ થશે. દેશભરની પવિત્ર નદીઓ તેમજ ભગવાન સ્વામિનારાયણે જે જળાશયોમાં સ્નાન કરેલું તેનાં જળથી પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી મહારાજના દિવ્ય વિગ્રહ પર અભિષેક કરવામાં આવશે. શાસ્ત્રોક્ત મંત્રોના ગાન વચ્ચે વડીલ સંતો દ્વારા આ અભિષેક થશે. અંતિમ સંસ્કાર વિધિમાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ ઉપસ્થિત રહ્યાં છે.
હાલ સોખડા સ્વામિનારાયણ મંદિરની બહાર હરિભક્તો ઉમટ્યા છે. હરિભક્તો નમ આંખોથી સ્વામીજીની અંતિમયાત્રા નીહાળી રહ્યાં છે. પંચ મહાભૂત પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ ઉપરાંત હ્રદયસ્થ આત્માના પ્રતિનિધિરૂપ ષટપિંડ પૂજન થશે. પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી મહારાજ જેવા દિવ્ય સત્પુરુષોને આ પ્રકારની વિધિની આવશ્યકતા નથી હોતી. પરંતુ શિષ્ય સમુદાય ગુરૂઋણમાંથી મુક્ત થઈ શકે તે માટે આ વિધિ જરૂરી છે. લખો લોકોના હ્રદયમાં સ્થાન મેળવનાર આવા મહાપુરુષોની અંતિમવિધિ સમયે સંકલ્પ –પ્રાર્થના કરવાથી તમામ મનોરથ પૂર્ણ થાય છે અને ગુરૂની કૃપા સદૈવ વરસતી રહે તેવું શાસ્ત્ર કથન છે. ભગવાન સ્વામિનારાયણ તેમજ વિષ્ણુભગવાનના પ્રતિનિધિરૂપ શાલિગ્રામજીણી પૂજા કરવામાં આવશે. સમગ્ર વિધિ યજુર્વેદ સંહિતાના પુરુષસૂક્તમાં દર્શાવ્યા અનુસાર કરવામાં આવશે. પંડિતો દ્વારા પુરુષ સૂક્તના શ્લોકોનું સતત ગાન કરવામાં આવશે.
ચંદનના લાકડાનું સિંહાસન સ્વામીજી માટે ખાસ તૈયાર કરવામાં આવ્યુ છે. તો બીજી તરફ, અંત્યેષ્ટિ વિધિમાં નાંખવા હરિભક્તોએ સોનાનું દાન પણ કર્યું છે. મહિલા હરિભક્તોએ પોતાના સોનાના દાગીના દાન કર્યા છે. પુષ્પોથી તેમના પાર્થિવ દેહ પર ફૂલોનો વરસાદ કરાયો હતો. તેમના પાર્થિવ દેહ પર અનેરુ તેજ જોવા મળ્યુ હતું. તેમની અંતિમ ઝલક જોઈને હરિભક્તો રડી પડ્યા હતા. તેમની પાલખીની મંદિરમાં પાંચ પરિક્રમા કરાવી હતી. આ માટે સોખડા મંદિર બહાર વિશાળ ડોમ બનાવવામાં આવ્યો છે.
આ ડોમમાં ભક્તોને બેસવાની વ્યવસ્થા કરાઈ છે. વિશાળ એલઈડી સ્ક્રીન પર ભક્તોને અંત્યેષ્ટિ વિધિ બતાવવામાં આવી રહી છે. અહી ભક્તો દૂર દૂરથી આવ્યા છે. અહી આવેલા ભક્તોએ કહ્યું કે, સ્વામીજી દિવ્ય આત્મા હતા, તેમના અંતિમવિધિમાં આવ્યા છીએ.