સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ (Chamber of commerce) એન્ડ ઈન્ડસ્ટ્રીના વર્ષ ર૦ર૧–રર માટેના વરાયેલા પ્રમુખ (President) આશિષ ગુજરાતી અને ઇલેકટ થયેલા ઉપપ્રમુખ (Vice President) હિમાંશુ બોડાવાલાના પદગ્રહણ માટેનો સમારંભ શનિવાર, તા. ૩૧ જુલાઇ ર૦ર૧ના રોજ સાંજે પઃ૦૦ કલાકે સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર (Convention center)માં યોજાશે.
આ સમારોહના મુખ્ય મહેમાન તરીકે રાજ્ય કક્ષાના કાપડ અને રેલ્વે મંત્રી દર્શના જરદોશ, ગુજરાત ભાજપના અધ્યક્ષ તેમજ સાંસદ સી.આર. પાટીલ અને ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ, પ્રવાસન, વન તથા મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ગણપતસિંહ વસાવા હાજર રહેશે. જ્યારે સુરતના મેયર હેમાલી બોઘાવાલા, ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ નટુભાઇ પટેલ, સુરત મહાનગરપાલિકાની સ્થાયી સમિતિના અધ્યક્ષ પરેશ પટેલ અને ટેકસટાઇલ કમિશનર રૂપ રાશી અતિથિ વિશેષ તરીકે સ્થાન શોભાવશે.
ચેમ્બરના નવા પ્રમુખ આશિષ ગુજરાતી કોણ છે?
આશિષ ગુજરાતી, બેંગ્લૂરૂથી મિકેનિકલ એન્જિનિયરની ડિગ્રી પ્રાપ્ત કરીને સુરતના ટેકસટાઈલ ઉદ્યોગમાં જોડાયા હતાં. તેઓ ટેકસટાઈલ ઉદ્યોગના ઊંડા અભ્યાસુ છે તેમજ વર્ષોથી સુરતનાં ટેકસટાઈલ ઉદ્યોગનાં પ્રાણપ્રશ્નો અને સમસ્યાઓના નિરાકરણ અર્થે રાજ્ય અને કેન્દ્ર સરકારમાં વિવિધ સ્તરે વખતોવખત રજૂઆતો કરી ધાર્યા પરિણામો મેળવી ઉદ્યોગને લાભાન્વિત કર્યો છે. ચેમ્બર સાથે તેઓ છેલ્લા 16 વર્ષથી સંકળાયેલા છે. 10 વર્ષ મેનેજિંગ કમિટિના સભ્ય રહ્યા છે. ગત વર્ષે ચેમ્બરના ઉપપ્રમુખ તરીકે ચૂંટાયા હતા. છેલ્લાં ૧ર વર્ષથી કાર્યરત પાંડેસરા વિવર્સ કો–ઓપ. સોસાયટીના તેઓ પ્રમુખ છે. તેમની આગેવાનીમાં યાર્ન બેંકની સ્થાપના સુરતમાં કરવામાં આવી હતી.
‘ટફ’ સબસિડી, જીએસટી, મેગા પાવરલૂમ ક્લસ્ટર, આઈટીસી રીફંડ, એન્ટિ ડમ્પિંગ ડયૂટી, ‘નેશનલ ટેકસટાઈલ પોલિસી ડ્રાફટ’, ‘ટેકસટાઈલ એકસલન્સ સેન્ટર’, ટેકનીકલ ટેકસટાઈલથી લઈને ઉદ્યોગનાં અનેક નાનાં મોટા પ્રશ્નોનાં નિરાકરણ માટે વિવિધ સરકારી વિભાગો, ગુજરાત સરકાર, ટેકસટાઈલ કમિશ્નર, હાઈકોર્ટ તથા કેન્દ્ર સરકારનાં મંત્રાલયો સુધી અસરકારક રજૂઆતો કરીને ઉકેલ્યા હતા. તેઓ ઈંગ્લેડ, યુરોપ, સ્વિત્ઝર્લેન્ડ, ચાઈના, ટર્કી, મલેશિયા અને સિંગાપોરની મુલાકાત પણ લઈ ચૂકયા છે.
વર્ષ ર૦ર૧–રરના ઉપ–પ્રમુખ હિમાંશુ બોડાવાલા કોણ છે?
પારંપારિક ટેકસટાઇલ વ્યવસાયી પરિવારમાંથી આવતા હિમાંશુ બોડાવાલાએ ટેકસટાઈલ ટેકનોલોજીનું વિધિવત શિક્ષણ સુરતની જાણીતી ટેકસટાઇલ રીસર્ચ ઈન્સ્ટીટયુટ ‘મંત્રા’ ખાતે મેળવ્યું હતું . ટેકસટાઈલ ઉદ્યોગના શિક્ષણ સાથે દીર્ધ અનુભવનું ભાથું પ્રાપ્ત કરી તેઓ વર્ષ ૧૯૯૧માં ચેમ્બર સાથે જોડાયા હતાં.વર્ષ ર૦૦૯માં તેઓ ચેમ્બરની મેનેજિંગ કમિટીમાં જોડાયા હતાં. તેઓ ચેમ્બરપની વિવિંગ કમિટિના ચેરમેન રહી ચૂક્યા છે.ગત વર્ષ દરમ્યાન તેઓ ગ્લોબલ ફેબ્રિક રીસોર્સ એન્ડ રીસર્ચ સેન્ટર (જીએફઆરઆરસી)ના કો–ચેરમેન રહી ચૂક્યા છે. તે ઉપરાંત સીટેક્સ એક્ઝિબિનશનના ચેરમેન પણ રહ્યાં છે. સુરતની સૌથી જૂની અને મોટી તેમજ વિશ્વસનિયતાની પારાશીશી સમી ધી સુરત પીપલ્સ કો–ઓપરેટીવ બેંક લિ.ના બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્ય તરીકે હાલમાં જ તેમની નિમણૂંક થઈ છે.
ટેક્ષ્ટાઈલ ઉદ્યોગના સ્વપ્નદ્રષ્ટાઓએ સ્થાપેલ ધી સુરત આર્ટ સિલ્ક કલોથ મેન્યુફેકચરર્સ એસોસીએશન– ‘સાસ્કમા’ના મંત્રી તરીકે તેઓ હાલમાં કાર્યરત છે. દર વર્ષે રકતદાન શિબિરોનું આયોજન કરી માનવતાનું મહાન કાર્ય કરતી સંસ્થા સી.એન. બોડાવાલા ચેરિટેબલ ટ્રસ્ટના તેઓ પ્રમુખ છે. ‘મંત્રા’ના તેઓ કાઉન્સિલ મેમ્બર છે.