Gujarat

સરકારની સિદ્ધિની ઉજવણી સામે પ્રદેશ કોંગ્રેસ રાજ્ય સરકારની નિષ્ફળતાઓના ગણાવતા કાર્યક્રમ યોજશે

ગુજરાત સરકાર દ્વારા પાંચ વર્ષની સિદ્ધિઓની ઉજવણીના કાર્યક્રમોની સામે પ્રદેશ કોંગ્રેસ આગામી 1થી 9 સપ્ટેમ્બર દરમિયાન સરકારની નિષ્ફળતાઓના મુદ્દાઓને લઇ જનસંપર્ક અભિયાન કાર્યક્રમ યોજશે. રાજ્ય સરકારની સફળતાના દાવાઓ સામે કોંગ્રેસ શિક્ષણ, આરોગ્ય, અન્ન અધિકાર, મહિલા સુરક્ષા, ખેડૂતોના પ્રશ્નો, આદિવાસી સમાજના પ્રશ્નો તથા અન્ય પ્રશ્નોને લઇ રાજ્ય સરકારને ખુલ્લી પાડશે.

કોગ્રેસના જન સંપર્ક અભિયાનમાં તા. 1લી ઓગસ્ટના રોજ શિક્ષણ બચાવો અભિયાન, 2જી ઓગસ્ટના રોજ આરોગ્ય બચાવો અભિયાન, 3જી ઓગસ્ટના રોજ અન્ન અધિકાર અભિયાન, 4થી ઓગસ્ટના રોજ મહિલા સુરક્ષા અભિયાન, 5મી ઓગસ્ટના રોજ, ખેડૂત- ખેતી બચાવો અભિયાન, 6ઠ્ઠી ઓગસ્ટના રોજ બેરોજગારી હટાવો અભિયાન, 7મી ઓગસ્ટના રોજ વિકાસ કોનો ? વિકાસ ખોજ અભિયાન, 8મી ઓગસ્ટના રોજ જન અધિકાર અભિયાન અને 9મી ઓગસ્ટના રોજ સામાજિક ક્રાંતિ અભિયાન કાર્યક્રમ જિલ્લા અને તાલુકા સ્તરે તેમજ મહાનગરપાલિકાઓમાં યોજવામાં આવશે.

પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં છેલ્લા 25 વર્ષથી ભાજપ સરકારનું શાસન ચાલી રહ્યું છે. ભાજપના શાસનકાળમાં લોકોની આઝાદી ખતમ થઈ ગઈ છે. સંવિધાન ખતરામાં છે. આદિવાસીઓના જળ, જંગલ અને જમીન અધિકારો છીનવી લેવામાં આવી રહ્યાં છે, અને સરકારના માનીતા લોકોને આદિવાસીઓની જમીન પધરાવવામાં આવી રહી છે. ભાજપ સરકાર આદિવાસીઓની ધરોહર- ઓળખને ખતમ કરવાના પ્રયાસો કરી રહ્યા છે. કેવડિયા અને સોનગઢમાં આદિવાસીઓનો વિરોધ હોવા છતાં તેમની જમીન હડપ કરવામાં આવી રહી છે.

પોતાના રાજકીય કાર્યક્રમો યોજવા માટે સરકાર કોરોના ગાઈડ લાઈનનો દુરુપયોગ કરે છે : કોગ્રેસ
સામાજિક કાર્યક્રમોમાં મહત્તમ 400 લોકો અને લગ્ન પ્રસંગમાં માત્ર 150 લોકોની હાજરીનું જાહેરનામું સરકાર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. આ અંગે વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે રાજ્યની ભાજપ સરકાર કમલમમાંથી નક્કી કરવામાં આવ્યા મુજબના ફતવાઓ બહાર પાડી રહી છે. પોતાના કાર્યક્રમોની ઉજવણી માટે સરકાર કોરોનાની ગાઇડ લાઇનનો ઉલ્લંઘન કરે છે.
પરેશ ધાણાનીએ વધુમાં કહ્યું હતું કે રીમોટ કંટ્રોલથી ચાલતી રાજ્ય સરકાર વિપક્ષનો અને પ્રજાનો અવાજ દબાવવા માટે ખોટા ફતવો બહાર પાડી રહી છે. સરકાર ખોટા અને ભ્રામક પ્રચાર માટે કોરોના પ્રોટોકોલનો દુરુપયોગ કરી રહી છે. સરકાર એકને ગોળ અને બીજાને ખોળ આપી રહી છે. લગ્ન સમારંભમાં પણ સામાજિક કાર્યક્રમની જેમ છુટછાટ આપવી જોઈએ.

Most Popular

To Top