સુરતીઓને તો બસ સેલિબ્રેશનનો એક મોકો જ જોઈએ!!!… રંગીલા મોજીલા સુરતીઓ એટલે કારણ વગરની મોજમાં માનનારા.. સુરતના લોકો સેલિબ્રેશનનો કોઈ જ મોકો જવા દેવા માંગતા નથી, ચાહે વાર તહેવાર હોય કે બર્થ ડે. તમે અત્યાર સુધી બર્થ ડે સેલિબ્રેશન વિષે તો સાંભળ્યુ જ હશે પણ શું ક્યારેય હાફ બર્થ ડે સેલિબ્રેશન વિષે સાંભળ્યુ છે ? જી હા આજકાલ સુરતીઓમાં હાફ બર્થ ડે સેલિબ્રેશનનો ક્રેઝ વધતો જોવા મળી રહ્યાો છે, એટલે કે બાળક છ મહિનાનું થાય એટલે તેની કેક કાપીને બર્થ ડેની ઉજવણી કરાય છે. ના માત્ર છ મહિનાના બાળકની બર્થ ડે ઉજવાય છે પણ હવે તો 3 મહિનાના બાળકની પણ બર્થ ડે ઉજવાય છે
- હાફ બર્થ ડે સેલિબ્રેશન
બાળકની પહેલી બર્થ ડે પર પેરેન્ટ્સનો હરખ જ જુદો હોય છે. મોટાભાગના લોકો પહેલી બર્થ ડેને ખૂબ જ ધામધૂમથી ઉજ્વવાનું પસંદ કરતાં હોય છે. પણ હવે તો લોકો બાળકની હાફ બર્થ ડે એટલે બાળક છ મહિનાનું થાય ત્યારે પણ કેક કાપી બર્થ ડે ઉજવી રહ્યા છે, જેના માટે ખાસ હાફ થીમ બેઝડ કેક ઓર્ડર કરે છે. આવી હાફ થીમ બેઝ કેક તરફ ખાસ લોકોનું આકર્ષણ વધ્યું છે.
- સુરતીઓનો મોજીલો મિજાજ
સુરતીઓ આમ તો ખાણીપીણીમાં પાછી પાની કરે એવા નથી પણ હવે તો સેલિબ્રેશનમાં પણ અનોખો આઇડિયા ભળ્યો છે. મોજીલા સુરતીના મિજાજમાં જ મોજ અને મસ્તી ભરેલી હોય છે. કોરોનામાં ભલે બહાર નીકળી ના શકાય પણ ઘરે રહીને પણ મોજ મસ્તીના બહાના તો શોધી જ લેતા હોય છે. ભલે બહાર ના જઈ શકાય પણ ઘરે આનંદ લેતા કોણ રોકી શકે?
- સ્પેશ્યલ હાફ થીમ બેઝડ કેકનો ઓર્ડર આપી દીકરાની બર્થ ડે ઉજવી : મમતા ધોળકિયા
મમતા ધોળકિયા જણાવે છે કે, ‘’આજકાલ લોકો બાળકોની હાફ બર્થ ડે પણ ઉજવે છે, બાળકોની હાફ બર્થ ડેની સ્પેશ્યલ થીમ બેઝડ કેક મેં એકવાર શોપ પર જોઈ હતી, તે કેક મને એટલી ગમી ગઈ કે મેં ત્યારે જ નક્કી કર્યું કે મારે મારા દીકરાની હાફ બર્થ ડે પણ ઉજવવી છે અને એના માટે સ્પેશ્યલ હાફ થીમ બેઝડ કેકનો ઓર્ડર આપવો છે. જ્યારે મારો દીકરો 6 મહિનાનો થયો અમે તેની બર્થ ડે ઉજવી. તેના ફોટા સોશ્યલ મીડિયામાં અપલોડ કર્યા, એના ફોટો જોઈ કેટલાય ફ્રેન્ડ્સે એમના બાળકોની પણ હાફ બર્થ ડે ઉજવી હતી અને ફેસબુક અને ઇનસ્ટા પર લોકોના ખૂબ જ લાઈક અને કમેન્ટ પણ મળી.’’
- 3 મહિનાનો થયો ત્યારે પણ કેક કાપીને સેલિબ્રેશન કર્યું : સોહની રાવ
સોહની રાવ જણાવે છે કે, ‘’કોરોનાને લીધે આમ તો કશે બહાર જઈ શકતા નથી અને નાના બાળકોને તો કોરોના સંક્રમણને લીધે બહાર કાઢી પણ ના શકાય. આથી ઘરે જ રહેવું પડે. હું મારી ડીલિવરી બાદ મારા પિયર હતી. મારો દીકરો અદ્વૈત દેસાઇ 6 મહિનાનો થયો તો આમ પણ એક માઈલ સ્ટોન કહેવાય કે હવે 6 મહિના બાકી આથી મારા મમ્મીએ મને કહ્યું ચાલો તેની હાફ બર્થ ડે ઘરે જ સેલિબ્રેટ કરીએ. જેના માટે અમે હાફ કેકનો ઓર્ડર આપીને બનાવડાવી. એ બહાને બાળકને પણ મજા આવે અને ઘરે પણ થોડો સેલિબ્રેશનનો માહોલ જામે. કોરોનાને લીધે મહેમાનોને બોલાવેલા નહીં હતા. અમે ઘરના જ લોકોએ મળીને ઘરે જ તેની બર્થ ડે ઉજવી. ઇવન અમે તો તે 3 મહિનાનો થયો ત્યારે પણ કેક કાપીને સેલિબ્રેશન કર્યું હતું.’