રાજ્યમાં કોલેજો અને શાળાના ૯થી ૧૨ના વર્ગોમાં ઓફલાઈન શિક્ષણકાર્ય શરૂ કરાયું છે. જેમાં વિદ્યાર્થીઓની હાજરી મરજિયાત રાખવામાં આવી છે, પરંતુ સરકારી કાર્યક્રમોની ઉજવણીમાં વિદ્યાર્થીઓની હાજરી ફરજિયાત રાખવામાં આવે એવા પરિપત્રથી વિવાદ સર્જાયો છે.
પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા ડો. મનીષ દોશીએ જણાવ્યું હતું કે રાજ્યમાં કોરોનાના કારણે શિક્ષણ ઉપર સૌથી મોટી અસર થઇ છે. હાલમાં ૯થી ૧૨ના તેમજ કોલેજોમાં શૈક્ષણિક કાર્ય ઓફલાઇન શરૂ કરાયું છે. જેમાં વિદ્યાર્થીઓની હાજરી મરજીયાત રાખવામાં આવી છે, પરંતુ મુખ્યમંત્રી વિજય રૂપાણીના શાસનના પાંચ વરસ પૂર્ણ થતાં યોજાયેલા વિવિધ ઉજવણી કાર્યક્રમોમાં ૧લી ઓગસ્ટના રોજ જ્ઞાન શક્તિ દિવસની ઉજવણીનું આયોજન કરાયું છે.
આ ઉજવણીમાં તમામ સરકારી ઈજનેરી, ફાર્મસી અને પોલિટેક્નિક સંસ્થાનમાં આચાર્યો અને અધ્યાપકો અને વિદ્યાર્થીઓ હાજર રહે તે સુનિશ્ચિત કરી કાર્યક્રમમાં જોડાવવાનું રહેશે. આ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ૨જી ઓગસ્ટના રોજ કાર્યક્રમના ફોટોગ્રાફ્સ વડી કચેરીએ અહેવાલ સ્વરૂપે રજુ કરવાના રહેશે. ટેક્નિકલ શિક્ષણ કમિશ્નર દ્વારા આવો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. એનો મતલબ કે અભ્યાસમાં વિદ્યાર્થીઓની મરજી પરંતુ સરકારી કાર્યક્રમમાં વિદ્યાર્થીઓની હાજરી ફરજીયાત કરી પોતાની વાહવાહી કરવાની એ સ્પષ્ટ થાય છે.