Gujarat

પાંચ વર્ષ પૂરા થતાં સરકાર પોતે કરેલા જનહિતના કામો લોકો સમક્ષ રજૂ કરશે

રાજ્ય સરકારના પાંચ વર્ષ પૂર્ણ થવા અવસરે “પાંચ વર્ષ આપણી સરકારના, સૌના સાથ સૌના વિકાસના” હેઠળ જનકલ્યાણ અને લોકહિતના અનેકવિધ કાર્યક્રમો સમગ્ર રાજ્યમાં યોજાશે. પાંચ વર્ષ પૂર્ણ થવાની ઉજવણી નહિ પરંતુ પાંચ વર્ષના આ સુશાસનમાં લોકહિતના થયેલા અનેકવિધ વિકાસકામો લોકાર્પણો, લાભ સહાય વિતરણ અને બહુવિધ જનહિત કામોને આવા કાર્યક્રમો દ્વારા જન-જન સુધી ઊજાગર કરાશે.

તા. ૧ ઓગસ્ટ જ્ઞાનશક્તિ દિવસ, ૨ ઓગસ્ટ સંવેદના દિવસ, ૩ ઓગસ્ટ અન્નોત્સવ દિવસ, ૪ ઓગસ્ટ નારી ગૌરવ દિવસ, ૫ ઓગસ્ટ કિસાન સન્માન દિવસ, ૬ ઓગસ્ટ રોજગાર દિવસ, ૭ ઓગસ્ટ વિકાસ દિવસ, ૮ ઓગસ્ટ શહેરી જનસુખાકારી દિવસ અને ૯ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ ઉજવાશે. ૩ જી ઓગષ્ટના રોજ “સર્વને અન્ન, સર્વને પોષણ” અંતર્ગત ‘અન્નોત્સવ દિવસ’ અન્વયે યોજાનારા કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ ઉપસ્થિત રહેશે. વડાપ્રધાન રાજ્યની ૧૭ હજારથી વધુ સરકાર માન્ય સસ્તા અનાજની વાજબી ભાવની દુકાનો પરથી સવા ચાર લાખ જેટલા ગરીબ, અંત્યોદય લાભાર્થીઓને લાભાર્થી દિઠ પ કિલો અનાજની કિટનું વિતરણ કરશે.

આણંદ ખાતેના રાજ્યકક્ષાના કાર્યક્રમમાં મુખ્યમંત્રી અને અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી પ્રધાનમંત્રી પાંચ જિલ્લાઓના પાંચ વાજબી ભાવોની દુકાનો પર લાભાર્થીઓ સાથે સીધો સંવાદ કરશે. આ ઉપરાંત NFSA અંતર્ગત અંદાજિત ૭૨ લાખ પરિવારોને (૩.૫ કરોડની વસ્તી) વ્યક્તિદીઠ પાંચ કિલો અનાજ અને બેગ આપવાનો શુભારંભ કરાશે. સમગ્ર કાર્યક્રમમાં અંદાજિત ૮ લાખ ૫૦ હજાર લોકો સહભાગી થશે.

૧ ઓગસ્ટના રોજ વિજય રૂપાણીની અધ્યક્ષતા હેઠળ અને શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની ઉપસ્થિતિમાં મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે ‘જ્ઞાન શક્તિ દિવસ’ની અન્વયે વિવિધ કાર્યક્રમો યોજાશે. તેવી જ રીતે તા. ૨ જી ઓગષ્ટના રોજ ‘સંવેદના દિવસ’ અન્વયે રાજકોટમાં મુખ્યમંત્રી અને સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ઈશ્વર પરમાર ઉપસ્થિતિમાં તાલુકા, નગરપાલિકા અને મહાનગર પાલિકાઓમાં ૪૩૩ જેટલા સેવા સેતુ કાર્યક્રમોનુ આયોજન છે. રાજ્યના ૨૪૮ તાલુકા અને ૧૫૬ નગરપાલિકા તેમજ મહાનગરપાલિકા કક્ષાએ ઝોન દીઠ એક વોર્ડમાં ૨૯ સેવા સેતુ કાર્યક્રમો યોજાશે.

મુખ્યમંત્રી તેમજ રાજ્યકક્ષાના મહિલા અને બાળ કલ્યાણ મંત્રી તા. ૪થી ઓગષ્ટે ‘નારી ગૌરવ દિવસ’ નિમિત્તે રાજ્યની મહિલાઓના સન્માન તથા ઉત્કર્ષના હેતુસર મહિલાઓ સાથે સંકળાયેલા મહિલાલક્ષી વિવિધ કાર્યક્રમોનું વડોદરાથી શુભારંભ કરાવશે. તા. ૭મી ઓગસ્ટ, ૨૦૨૧ શનિવાર ‘વિકાસ દિવસ’ અંતર્ગત ભારતના ગૃહમંત્રી અમિત શાહ વર્ચ્યુઅલ ઉપસ્થિત રહી મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલની ઉપસ્થિતિમાં મહાત્મા મંદિર, ગાંધીનગરથી વિવિધ વિકાસ કામોના લોકાર્પણ, ભૂમિપૂજન અને શુભારંભ કરાવશે.

તા. ૯મી ઓગસ્ટ, ૨૦૨૧ – સોમવારના રોજ ગુજરાતભરમાં ‘વિશ્વ આદિવાસી દિવસ’ અંતર્ગત ૫૩ આદિવાસી તાલુકામાં વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે. મુખ્યમંત્રી અને વનમંત્રી ગણપતસિંહ વસાવા રાજપીપળા(નર્મદા) થી કાર્યક્રમનો શુભારંભ કરાવશે. વિશ્વ આદિવાસી દિવસે પ લાખ વિદ્યાર્થીઓને પ્રીમેટ્રીક શિષ્યવૃત્તિ હેઠળ રૂ. ૮૦ કરોડની ચુકવણી થશે. બીરસા મુંડા આદિવાસી વિશ્વ વિદ્યાલયનું ખાતમુહૂર્ત કરાશે

Most Popular

To Top