સુરત મહાનગરપાલિકાની વેબસાઈઠ પર હવે ડેશબોર્ડ મુકાયું છે. જેમાં શહેરના તમામ કોરોના કેસની માહિતી અપડેટ થશે. કોરોના પોઝીટીવ દર્દીના એરિયા વગેરેની માહિતી પણ તેમાં હશે. સાથે જ મનપા દ્વારા વેબસાઈટ પર મેપીંગ પણ ટુંક સમયમાં ખુલ્લુ મુકો જેમાં ખરેખર કયા વિસ્તારોમાં પોઝીટીવ કેસનું ક્લસ્ટર બની રહ્યું છે તેની જાણકારી મુકાશે.
વધુ માહિતી આપતા મનપા કમિશનરે જણાવ્યું હતું કે, હોમ કોરેન્ટાઈનનો ભંગ કરનાર આજે લિંબાયતના એક વ્યક્તિ સામે એફ.આઈ.આર દાખલ કરવામાં આવી હતી. અત્યારસુધી કુલ 11 લોકો સામે એફ.આઈ.આર દાખલ કરાઈ છે. તેમજ કુલ 23 લોકોએ છેલ્લા 3 દિવસમાં કોવિડ ટ્રેકરના અનુસંધાને હેલ્થ રીપોર્ટીંગ ન કરતા તેઓને રૂા. 5000 નો દંડ ફટકારતી નોટિસ આપવામાં આવી હતી. તેમજ મનપાએ રીજનલ પાસપોર્ટ ઓફિસમાંથી વિદેશ પ્રવાસ કરનારાઓની માહિતી મેળવી હતી. 22 માર્ચ બાદ કુલ 130 જેટલા વ્યકિતઓ વિદેશથી આવ્યા હોવાની વિગત મેળવી હતી. તેઓને હોમ કોરેન્ટાઈન માટેની સલાહ આપવામાં આવી હતી. અને કોવિડ ટ્રેકર ડાઉનલોડ કરવા જણાવાયું હતું. તેમજ મનપાએ ડોર-ટુ-ડોર સર્વેમાં 7454 એ.આર.આઈ કેસ જાણ્યા હતા જેઓનું એનાલીસીસ કરાશે. મનપાએ આજે 2553 સ્થળોએ ડિસઈન્ફેક્શન કર્યુ હતું. તેમજ મનપાને અત્યારસુધીમાં 1,36,414 કિલો ખાદ્યસામગ્રી મળી હતી. તેમજ સ્લમ વિસ્તારો અને ઔદ્યોગિક વસાહતોમાં સાડા ત્રણ લાખથી વધારે ફુડપેકેટનું વિતરણ કરાયું હતું.