ગત તા. ૦૯ જૂન, ૨૦૨૧ ના રોજ ઝયૂરિચ યુનિવર્સિટીના જાહેર થયેલા એક રિપોર્ટ મુજબ, વિશ્વભરના ઔષધીય છોડો પર ટૂંક સમયમાં લુપ્ત થઇ જવાનું જોખમ તોળાઇ રહ્યું છે, જેના કારણે સદીઓ જૂના કેટલાય ઉપચારોનું જ્ઞાન સંકટમાં છે. કારણ કે, વિશ્વના વિભિન્ન વિભાગોમાં સ્થાનિક બોલીઓ લુપ્ત થઇ જવાના આરે છે. પરિણામે વન, ઉપવન, નદી, સરોવર, રણ, પહાડ, કોતરો, ભેખડો, ખીણો અને સરિયામ રસ્તાઓની બન્ને ધારોમાં કુદરતી રીતે સ્વયંભૂ ઊગતા અને સંવર્ધન પામતા ઘણા ઓષધીય છોડોની મહત્ત્વની માહિતી સ્થાનિક બોલીઓ બોલતાં લોકો પાસે હોવાથી, તે કયારેય મળી નહીં શકે તેવી સ્થિતિ જન્મી છે.
ભાષાકીય અને જૈવિક છોડોની વિવિધતાના આધારે ૨૩૦ સ્થાનિક બોલીઓ સાથે જોડાયેલા ૧૨ હજાર ઔષધીય છોડોના અભ્યાસ અન્વયે તૈયાર થયેલા પ્રસ્તુત સંશોધન મુજબ એવું તારણ મળ્યું છે કે, ઉત્તર અમેરિકામાં ૭૩%, વાયવ્ય અમેઝોનિયામાં ૯૧% અને ન્યૂ ગિનીમાં ૮૪% ઔષધીય છોડોનું જ્ઞાન માત્ર સ્થાનિક ક્ષેત્રે બોલાતી ૦૧ ભાષામાં જ જોવા મળે છે. સામાન્યત: સ્થાનિક બોલીઓમાં પ્રકૃતિ નીચે ઊછરતાં ઔષધીય છોડનું જ્ઞાન મહદંશે સમાયેલું હોય છે. તેથી સ્થાનિક બોલીઓ લુપ્ત થતાં ઔષધીય છોડોનાં નામ અને ઓળખ તેમ જ તેની આરોગ્યવર્ધક અને રોગનિવારક વિશેષતા શું છે તેની પરંપરાગત માહિતી આપનાર લોકો કયાંયથી પણ નહીં મળી શકે.
સંયુકત રાષ્ટ્ર સંઘના એક અભ્યાસ મુજબ, હાલ વિશ્વમાં ૧.૯૦૦ સ્થાનિક બોલીઓ અસ્તિત્વ ધરાવે છે. પરંતુ આ બોલીઓ બોલતાં લોકોની સંખ્યા ફકત ૧૦ હજાર જ છે. આ લોકોમાં અજ્ઞાત ઔષધીઓનું અપાર અને મૂલ્યવાન જ્ઞાન સંગ્રહાયેલું છે. હવે જો આ દેશી બોલીઓ એક વાર લુપ્ત થઇ જાય, તો તે કયારેય પાછી મળવાની શકયતા નથી. તેથી જ યુનેસ્કોના એક અભ્યાસ મુજબ, ૧૨,૫૦૦ ઔષધીય છોડો અને તેના સદીઓ જૂના ઔષધીય ઉપચારો ગાયબ થઇ જવાનું જોખમ વધી ગયું છે તેમજ વિશ્વની કુલ ૭,૪૦૦ ભાષામાંથી અંદાજિત ૩૦% ભાષા આ સદીના અંત સુધીમાં લુપ્ત થઇ જવાની આશંકા પણ વ્યકત થઇ છે.
આ કારણે જ ગત ૨૮ ફેબ્રુઆરીના રોજ તેણે વર્ષ ૨૦૨૨ થી ૩૨ સ્વદેશી બોલીઓનો આંતરરાષ્ટ્રીય દાયકો જાહેર કર્યો છે અને છેલ્લે, ભારત દેશની આ વિષયે સ્થિતિ તપાસીએ તો, ૧૯૬૧ ની વસતિ ગણતરી અહેવાલ મુજબ દેશમાં બોલાતી ૧,૬૫૧ ભાષા પૈકી ૧,૫૪૪ ભાષા કયાંક ખોવાઇ જઇને, ૧૯૬૧ ની વસતિ ગણતરી અહેવાલ મુજબ ૧૦૮ જ હયાત રહી છે. પરિણામે ખોવાઇ ગયેલી ભાષા બોલનારા પાસે રહેલું ઔષધીય છોડ અને તેના બીજ, મૂળ, ડાળ, પાન અને ફૂલોમાંથી બનતી જડીબુટ્ટીઓનું પ્રાચીન પરંપરાગત જ્ઞાન કયારનું ય વિસરાઇ ગયું છે. સુરત -પ્રા. જે.આર. વઘાશિયા- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.