Comments

હળહળતાં જૂઠાણાં બોલતા વડાપ્રધાનને નૈતિકતા જેવું છે કે નહિં?

ભારતી પ્રવીણ પવાર નામનાં કોઈ બહેન કેન્દ્રનાં રાજ્યકક્ષાનાં પ્રધાન છે અને તેમણે રાજ્યસભામાં એક પ્રશ્નના ઉત્તરમાં કહ્યું હતું કે કોવીડ સંક્રમણના બીજા આક્રમણ દરમ્યાન ઓક્સીજનના અભાવમાં દેશમાં એક પણ દર્દીનું મૃત્યુ થયું નહોતું. બોલો. આને કહેવાય હિંમત. સાચું બોલવામાં તો હિંમત જોઈએ એવો આપણો અનુભવ છે, પણ એક હદથી વધારે ખોટું બોલવા માટે પણ હિંમત જોઈએ. કાચાપોચાનું કામ નથી. કોઈ વળી કહેશે કે આને નિર્લજ્જતા કહેવાય તો નિર્લજ્જ બનવા માટે પણ હિંમત જોઈએ. કોઈ શું કહેશે અને કોઈ આપણને કેમ મુલવશે એની ચિંતા ન હોય એ લોકો જ આવું ઉઘાડું અસત્ય બોલી શકે અને આ હિંમતનું કામ છે. ગાંધીજી ખરેખર નમાલા હતા.

ગયા વર્ષે વડા પ્રધાને કેમેરા સામે આખું જગત સાંભળે અને જુએ એમ કહ્યું હતું કે ચીને ભારતમાં પ્રવેશ કર્યો જ નથી અને ભારતની એક ઇંચ જમીન ઉપર કબજો કર્યો નથી. બીજા દિવસે જગતભરનાં મીડિયાઓએ સેટેલાઈટ તસ્વીરો છાપી અને બતાવી હતી જેમાં ચીનાઓ લડાખમાં ભારતની ભૂમિમાં ક્યાં સુધી પ્રવેશ્યા છે અને કઈ રીતનું લશ્કરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવ્યું છે એ જોવા મળતું હતું. એ સિવાય વડા પ્રધાનના જુઠાણાને પડકારતા અનેક સવાલો ઉપસ્થિત કરવામાં આવ્યા હતા. કોવીડના ઉપદ્રવ છતાં લોકોની જિંદગીને જોખમમાં નાખીને, જે માણસના અમદાવાદ બોલાવીને ઓવારણા લીધા હતા એ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના પરમ મિત્ર ડોનાલ્ડ ટ્રમ્પે વડા પ્રધાનની આબરૂના કાંકરા કરતું જાહેર નિવેદન કર્યું હતું કે ચીની લશ્કરે ભારતની ભૂમિ ઉપર કબજો કર્યો છે એ વાતે ભારતના વડા પ્રધાન દુઃખી અને ઉદાસ છે.

આવું સફેદ જુઠ બોલીને શું ફાયદો થયો? આબરૂના કાંકરા થયા કે આબરૂમાં વધારો થયો? વળી આવું વારંવાર કરવામાં આવે છે. ધરાર! સરકારે પેગેસસ સ્પાઈવેર દ્વારા ભારતમાં કોઈની જાસુસી કરી જ નથી એમ બેધડક કહેવામાં આવ્યું હતું, પણ પ્રમાણો તેનાથી ઉલટું કહે છે. પેગેસસ સ્પાઈવેર બનાવનારી ઇઝરાયેલની એનએસઓ કંપની કહે છે કે અમે માત્ર જે તે દેશોની સરકારોને તેનાં રાષ્ટ્રીય સુરક્ષાના હેતુ માટે સ્પાઈવેર વેચીએ છીએ અને તેની જાણ અમારા દેશ  (ઇઝરાયેલ)ની સરકારને કરીએ છીએ. ઇઝરાયેલ સરકારે હજુ સુધી કહ્યું નથી કે પેગેસસ સ્પાઈવેર ભારત સરકારને વેચવામાં આવ્યો છે એની અમને જાણ નથી.

તો લાખ રૂપિયાનો સવાલ એ છે કે શા માટે વડા પ્રધાન પોતે અને ભારત સરકાર વખતોવખત હળહળતાં જૂઠાણાં બોલે છે? અહીં માત્ર તાજેતરનાં સમયનાં ત્રણ ઉદાહરણ આપ્યાં છે, બાકી આવાં દસ-વીસ ઉદાહરણ સહેજે મળી આવશે. વડા પ્રધાનના મુખારવિંદથી બોલાયેલાં જુઠાણાંના ઉદાહરણ હાથવગાં છે. વળી સંસદમાં, સરકારી સત્તાવાર બેઠકોમાં, અદાલતમાં જુઠ બોલવું એ બંધારણીય ગુનો છે અને એનાથી વિશેષ નૈતિક ગુનો છે. રાજકીય રેલીઓમાં અને ચૂંટણીસભાઓમાં જે જુઠ બોલવામાં આવે છે એને રાજકીય જરૂરિયાત સમજીને ચલાવી લેવામાં આવે છે. હકીકતમાં એ પણ નૈતિક ગુનો છે. તો શા માટે આવાં હળહળતાં જુઠાણાં બોલવામાં આવે છે? આ તેમની રાજકીય શૈલી છે કે પછી જુઠ બોલતા પોતાની જાતને રોકી ન શકાય એવી માનસશાસ્ત્રીય સમસ્યા છે?

એ વાત સાચી કે કઢીચટ્ટાઓ જુઠને સ્વીકારી લે છે અને કેટલાક જો તેને સ્વીકારતા નથી તો પડકારતા પણ નથી. ના, તેઓ બેવકૂફ નથી, તેઓ કઢીને વફાદાર હોય છે. જે કઢી ચટાડે તેને વેચાવા તેઓ તૈયાર રહે છે. કઢીચટ્ટાઓ બે પ્રકારના છે. એક એ જેઓ જુઠને સત્ય તરીકે પીરસે અને એ પણ બુલંદ અવાજ અને આત્મવિશ્વાસ સાથે. એમાં વડા પ્રધાનને પણ ટપી જાય. ઉપરથી બચાવ પણ કરે અને કોઈ શંકા કરે તો તેને બોલવા જ ન દે. બીજા એ જેઓ બુલંદ રણકારનો ઉમેરો કર્યા વિના જુઠને એમને એમ પીરસે, પણ શંકા ન કરે.

પડકારવાનો તો સવાલ જ નથી. જુઠ બોલનારાઓને ખબર છે કે જુઠ ગમે તેવું હોય, આ કઢીચટ્ટાઓ તેને સવાલ કર્યા વિના પીરસવાના છે અને ઉપરથી બચાવ પણ કરવાના છે. કોને પીરસશે? બે પ્રકારના નાગરિકોને. એક એ જેઓ હિંદુ કોમવાદી છે અને બીજા એ જેઓ બેવકૂફ છે અને  આ બન્ને મળીને ચૂંટણી જીતાડી આપશે. હિંદુ કોમવાદીઓમાં મુસ્લિમવિરોધી ઝેર એટલું ઠાંસીઠાંસીને ભર્યું છે કે જો મુસ્લિમનું બૂરું થતું હોય તો પોતાની સાત પેઢીને તે બરબાદ કરવા તૈયાર છે. બીજો વર્ગ બેવકૂફોનો છે જેને વિચારતા આવડતું જ નથી. જે વિચારે નહીં એ શંકા ન કરે ત્યાં સવાલ તો બહુ દૂરની વાત છે. સ્વાભાવિકપણે તેઓ વફાદાર અને સંગઠિત છે. 

પણ એ પછી પણ પ્રશ્ન તો બચે જ છે કે આખું જગત હસે એવું હળહળતું જુઠાણું બોલવાનો ખોટનો સોદો તેઓ શા માટે કરતા હશે? સિફતપૂર્વકના અસત્ય અને અર્ધસત્યથી કામ ચાલી જતું હોય ત્યાં આવું સાહસપૂર્વકનું જુઠ શા માટે  બોલે છે? જગત આખામાં જવાબદાર માણસોને સિફતપૂર્વક જુઠ બોલતા આપણે જોયા છે, કારણ કે જવાબદાર માણસો જવાબદાર છે માટે હળહળતું જુઠાણું નથી બોલી શકતા. તેમને તેમના દરજ્જાનું ભાન હોય છે. અહીં આપણને ઉલટું જોવા મળી રહ્યું છે. જો તેઓ સિફતપૂર્વક જુઠ બોલતા હોત અને હળહળતું જુઠાણું બોલવાનું ટાળતા હોત તો બિચારા ભક્તોને પણ સુવાણ રહેત. રોજેરોજ અક્કલની પરીક્ષા આપવી પડે છે તેનાથી બચી શકાત. તેમની વફાદારી તો સિફતપૂર્વકના જુઠ બોલવામાં આવે તો પણ કાયમ રહેવાની છે.

તો પછી શા માટે તેઓ ગળે ન ઉતરે એવું જુઠ બોલે છે? શું આ માનસિક સમસ્યા છે? ના એવું નથી. તેઓ સમર્થકો ક્યાં સુધી જુઠ પચાવી શકે છે અને સાથ આપે છે એનું પાણી માપે છે. એ સમર્થનની રાજકીય કીમત છે અને એને વટાવી શકાય છે. લાગતાવળગતાને સંદેશ મળી જાય છે કે સાહેબો તેમના સમર્થકો ઉપર હજુ પણ મજબૂત પકડ ધરાવે છે અને રાજકીય હવા કઈ દિશામાં વહે છે. -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top