Business

ગંદા હે પર ધંધા હે યે..!

આજે બે જાતના હંગામાએ સોશ્યલ મીડિયાથી લઈને સામાન્ય પ્રજાજનનું ખાસ્સું ધ્યાન ખેંચ્યું છે. જોગાનુજોગ, બન્નેમાં બોલિવૂડની પરિચિત એવી મુન્દ્રા ફેમિલીની બે વ્યક્તિ સંડોવાઈ છે.  એક છે ફૂટડી અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને બીજી વ્યક્તિ એનો પતિ રાજ કુન્દ્રા.. શિલ્પાની હમણાં જ એક નવી ફિલ્મ OTT પ્લેટફોર્મ પર રજૂ થઈ. નામ એનું ‘હંગામા-ટુ’. આની સાથે જ એના પતિ રાજની ધરપકડ થઈ અશ્લીલ ફિલ્મોના ગેરકાયદે ધંધા માટે, જેને કારણે પણ બડો હંગામો સર્જાયો છે.

૧૪ વર્ષની ગેરહાજરી બાદ રૂપેરી પરદા પર પરત આવેલી શિલ્પા આમ તો એની બીજી અનેક પ્રવૃત્તિઓને લીધે સમાચારમાં રહે છે પણ એની તાજી ફિલ્મને માત્ર અડધો સ્ટાર આપીને સમીક્ષકોએ એને સુપરફલોપનો ચુકાદો આપ્યો છે, જયારે શિલ્પાની સરખામણીએ ભાગ્યે જ સખણા બેસતા એના પતિદેવ રાજના અશ્લીલ વીડિયોના ધંધાએ સેવન સ્ટાર હંગામો મચાવ્યો છે. વર્ષોથી અશ્લીલ પુસ્તકો-ફિલ્મો- વીડિયોનો ધંધો બહુ વખોડાયો છે. એમાં હવે OTT પ્લેટફૉર્મ પર ‘બૉલ્ડ દ્રશ્યો’ના નામે સુરુચિ ભંગ થાય એવી ફિલ્મો અને વેબ સીરિઝનો રાફડો ફાટ્યો છે.

આ પ્લેટફોર્મ પર હજુ સેન્સરના ઓછાયા પડયા નથી એટલે ‘ નયે ઝમાને કી સોચ’ના નામે પોર્નોગ્રાફીની ઝલક આપતી આવી ફિલ્મ-સીરિયલો ખુલ્લેઆમ ચાલે છે. એમને હજુ સુધી સત્તાવાળાની આંચ નથી આવી એટલે આવી ‘બોલ્ડ’ પ્રોડક્ટ્સ પ્રોડયુસરો વધુ બોલ્ડ થયા.એમની હિંમત ખૂલતાં એમણે ધંધાના વધુ ‘વિકાસ’ અર્થે ( ને કિશોર-યુવા પેઢીના ‘વિનાશ’ અર્થે ! ) અશ્લીલ વીડિયો ક્લિપ્સ-ફિલ્મો દર્શાવતી ઍપ – ઍપ્લિકેશન ખાનગી માર્કેટમાં મૂકવી શરૂ કરી અને પોલીસના કહેવા મુજબ આ બદનામ ધંધાના અગ્રણી ખેલાડી છે મૂળ લંડનના ઉદ્યોગપતિ એવા શિલ્પા-પતિ રાજ કુન્દ્રા …

રાજનો ભૂતકાળ ‘ભવ્ય’ છે. નામ એનું અનેક કરતૂતોને કારણે ખરડાયેલું છે. પોતાની પ્રથમ પત્નીથી છૂટા પડીને શિલ્પા જેવી નામી અભિનેત્રી સાથે પ્રેમલગ્ન કર્યા. પછી લંડનના આ કરોડપતિનો પ્રવેશ મુંબઈના બોલિવૂડ તેમ જ પેજ-થ્રીની હાઈ સોસાયટીમાં થયો. એની આવક્માં ધરખમ વધારો તો થયો પણ એની સાથે આ રાજના રાઝ એટલે કે એનાં રહસ્ય ધાર્યાં નહોતાં એથી વધુ ઝડપે ખૂલવાં લાગ્યાં.

એક મીડિયા રિપોર્ટ અનુસાર રાજ કુન્દ્રા બાંધકામ- ફેશન ફિલ્ડ -સ્ટિલ ઉદ્યોગ ઈત્યાદિના કારોબારમાં  ૨૦૦૦ કરોડ રૂપિયાથી વધુ નેટવર્થ ધરાવે છે. આમ છતાં , લોભને થોભ ન હોય તેમ રાજ વર્ચ્યુઅલ કરન્સી-બીટકૉઈન્સના ગેરકાયદે ધંધાથી માંડીને ક્રિકેટની IPL ગેમ્સમાં જુગાર-સોદાબાજીમાં પણ એવો બૂરી તરહ સંડોવાયેલો કે પોલીસની દિવસો સુધીની ઊલટતપાસ પછી એને IPL ગેમ્સમાંથી આજીવન માટે તગેડી મૂકવામાં આવ્યો અને હવે સાઈબર સ્પેસ પર અશ્લીલ સામગ્રી પૂરી પાડવા માટે પોલીસ કસ્ટડીમાં ધકેલાઈ ગયો છે.

આ આખા કેસનો પ્રથમ ફણગો ફૂટ્યો આજથી પાંચેક મહિના પહેલાં. ગત ફેબ્રુઆરીમાં જ્યારે આગોતરી બાતમી મુજબ મુંબઈના મલાડ પરાના એક બંગલા પર પોલીસે દરોડો પાડ્યો ત્યારે ત્યાં એક અશ્લીલ ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું હતું. શૂટિંગ કરનારી ટીમની ધરપકડ થઈ અને એક પછી એક કડી મળતી ગઈ.

પોલીસને જાણવા મળ્યું કે ફિલ્મ અને વેબ સીરિઝમાં કામ આપવાની લાલચ આપી અનેક યુવતીને ભોળવી ખાલી બંગલા- ફ્લેટ્- રિસોર્ટમાં લઈ આવીને પોર્ન ફિલ્મો-વિડિયો ક્લિપ્સ શૂટ કરવાનું કૌભાંડ ઘણા મહિનાથી ચાલતું હતુ. આવાં બિભત્સ ફૂટેજને પછી વિદેશની એજન્સીઓ દ્વારા સોશ્યલ મીડિયાની અમુક ઍપ્સ પરથી વહેતી કરવામાં આવતી. પોલીસ તપાસમાં આ પોર્ન પ્રકરણનું પગેરું નીકળ્યું. વેબ સિરીઝ ‘ગંદી બાત’ ફૅમ અભિનેત્રી ગહના વશિષ્ઠ તથા શર્લિન ચોપરા સુધી. વચ્ચે બહુ બોલકી સેકસી મૉડલ પૂનમ પાંડેનું પણ નામ એક યા બીજાં કારણોસર આમાં સંડોવાયું. જો કે, આખા કેસની પરાકાષ્ઠા આવી જ્યારે આ પોર્ન રૅકેટના ‘બૉસ’ તરીકે રાજ કુન્દ્રાની પોલીસે ધરપકડ કરી. પોલીસના કહેવા મુ઼જબ, રાજે અત્યાર સુધીમાં ૧૨૦ જેટલી આવી ઍડલ્ટ વીડિયો ફિલ્મ્સ વેચીને ૧૦ લાખ ડોલરથી વધુ રકમ રોકડી કરી છે.

રાજની ગણના જેમાં મગતરામાં થાય એવા પોર્નોગ્રાફીનો ધંધો આજે વ્યાપક રીતે પ્રસરેલો છે. આપણે ત્યાં આ ધંધો અસ્તવ્યસ્ત – આડેધડ ચાલતો હોવાથી એના ટર્ન ઓવરના કોઈ ચોક્કસ આંકડા મળતા નથી. આમ છતાં , આ બદનામ સામગ્રીના મુખ્ય ઉત્પાદક -વિક્રેતા બોલિવૂડના કારણે મુંબઈ તથા દક્ષિણ ભારતમાં ચેન્નઈ- બેંગ્લુરુ છે.

બીજી બાજુ, છેલ્લામાં છેલ્લા આંકડા અનુસાર, વિશ્વભરમાં આ બીભત્સ ફિલ્મ-વીડિયો ક્લિપ્સ વગેરેનું ટર્નઓવર ૩૭ બિલિયન ડોલર છે. (તમારી જાણ માટે ૧ બિલિયન ડોલર એટલે ૧૦૦ કરોડ રૂપિયા ! ) વાત અહીં પૂરી નથી થતી, અમેરિકાની ‘એબ્સલ્યુટ માર્કેટસ ઈનસાઈટ્સ’ નામની સર્વે એજન્સી અનુસાર છેલ્લાં દોઢેક વર્ષના આ મહામારી કાળમાં લોકો જે રીતે ઘરબંધી ભોગવી રહ્યા છે એના પરિણામે ઓનલાઈન પોર્નોગ્રાફીના ધંધામાં સરેરાશ ૧૬-૧૭ % નો વધારો થયો છે અને દિવસો જતાં હજુ વધશે..!

બીજી તરફ, આપણા એક જાણીતા અંગ્રેજી સાપ્તાહિકના સર્વે અનુસાર કોરોનાને લીધે થયેલા પ્રથમ લોકડાઉન દરમિયાન આપણે ત્યાં ઓનલાઈન અશ્લીલ સામગ્રીનાં ‘દર્શન’ માં અધધધ ૯૫ % વધારો નોંધાયો છે…થેંકસ ટુ સ્માર્ટ ફોન! આ જ રીતે, અશ્લીલ સામગ્રીમાં વિશ્વની સૌથી આગળ પડતી  સાઈટ ‘પોર્નહબ’ દ્વારા તાજેતરમાં જાહેર થયેલા આંકડા કહે છે કે ફ્રાન્સ-રશિયા- જર્મની-બ્રિટન- અમેરિકા- દક્ષિણ આફ્રિકા – કોરિયા સુધ્ધાંમાં લોકડાઉન દરમિયાન ૨૫ % થી લઈને ૭૮ % સુધી પોર્ન સાઈટ જોનારા વધ્યા છે. આપણે ત્યાં પણ આવા ‘દર્શનાર્થી’ માં વધારો નોંધાવાનું કારણ આપણા શિથિલ કાયદા છે. આપણે ત્યાં આવી ‘દ્રશ્ય -શ્રાવ્ય’ સામગ્રી નિહાળવી ગુનો નથી! હા, આવી ઉત્તેજક સામગ્રી- માલ બનાવીને આડકતરી રીતે વેચવી કે પ્રસારિત કરવી એ અપરાધ જરૂર છે.

તમારા મોબાઈલ ફોનમાં આવી અશ્લીલ વીડિયો કે ક્લિપ્સ હોય તો પણ પોલીસ કશું કરી ન શકે ( આમ છતાં, આની પૂરતી જાણ મોબાઈલવાળાને ન હોય તો ઘણી વાર કાયદાના રક્ષક એને ડરાવી-ધમકાવી વસૂલી કરે છે ખરા !) હા, તમે પોર્નસામગ્રી વર્તુળમાં વહેંચતા ફરો-ફોરવર્ડ કરો તો એના પ્રસારણના ગુના હેઠળ તમારી સામે કાયદો કાર્યવાહી જરૂર કરી શકે. આ ઉપરાંત બાળકોને લગતી અશ્લીલ ક્લ્પિસ તેમ જ સરકારે પ્રતિબંધ મૂક્યો છે એવી ૮૮૭ વેબ સાઈટસ જોવા પર પણ મનાઈ છે. શિલ્પાપતિ રાજ કુન્દ્રા પર આરોપ છે કે એ કામોત્તેજક વીડિયો ક્લિપ્સ તૈયાર કરાવી એની કંપનીની ઍપ ‘હૉટસ્પૉટ’ અને ‘હોટહિટ’ દ્વારા  ગ્રાહકોને પહોંચાડતો હતો. આવી અનેક એડ્લ્ટ વીડિયો તથા સર્વર પોલીસે એના ઘર -ઑફિસેથી જપ્ત કર્યા છે.

આ બધાં ગંદાં કરતૂત એના છે એવું પોલીસ સાબિત પણ કરી દે તો પણ આપણા અત્યારના નબળા કાયદાનુસાર એને બે વર્ષની જેલ અને રૂપિયા ૨૦૦૦નો જ દંડ થાય. બીજી વાર ભંગ માટે ઝડપાય તો પાંચ વર્ષનો કારાવાસ ને પાંચ હજારનો દંડ .બસ ! જો કે હવે આપણે ત્યાં સાઈબર પોર્નના કાયદાને વધુ કડક બનાવવાની વિચારણા ચાલે છે ખરી… જોઈએ!કાયદા ગમે તેટલા તગડા બને પણ માનવમાત્રની વિજાતીય પાત્ર તરફની આસક્તિ અને ક્લ્પના દ્વારા એને મેળવવાની ઈચ્છા- ફૅન્ટસી કે વિકૃત વૃત્તિ જયાં સુધી સાબૂત હશે ત્યાં સુધી આ અશ્લીલ કારોબાર અડીખમ જ રહેવાનો…!

Most Popular

To Top