Madhya Gujarat

નડિયાદમાં ટાઉનહોલના ઝાંપા પાસે ટીકીટ બારી ભાડે આપવાના મામલો સભામાં તોફાની બને તેવી શક્યતા

નડિયાદ : નડિયાદ પાલિકા હસ્તકના ટાઉન હોલમાં ટીકીટ બારીની ઓરડી ભાડે આપી ત્યાં ફુટવેરનો વેપલો શરૂ કરવામાં આવ્યો છે. આ સંદર્ભે 2019માં ઠરાવ મંજુર કરનારા તમામ કાઉન્સીલર સામે લેન્ડ ગ્રેબીંગ અંતર્ગત ગુનો નોંધવા કોંગ્રેસ તરફથી માગણી કરવામાં આવી છે. ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિએ રજુઆતમાં જણાવ્યું હતું કે, નડિયાદ પાલિકાની અસંખ્ય મિલકતો નષ્ટ પામી રહી છે. યોગ્ય કાળજી લેવામાં આવતી નથી. ગેરકાયદેસર તત્વોની ઘુસણકોરીને મુકસંમતિ આપીને અથવા તો ભાગ બટાઇ કરીને યા તો લાંચનો મોટો હિસ્સો લઇને નડિયાદની પ્રજાને વિશ્વાસઘાસ થઇ રહ્યો છે. જેમાં ચીફ ઓફિસર પણ સહકાર આપ્યો છે. નડિયાદ પાલિકા હસ્તકના ટાઉનહોલના ઝાંપા પાસે જ ટીકીટ બારી (ઓરડી) આવેલી છે. જે ભાડે મેળવવા માટે 30મી માર્ચ, 2016ના રોજ અરજી કરવામાં આવી હતી.

 આ અરજી કર્યા અગાઉ પણ કબજો અરજદાર પાસે હતો. આ અરજદારને ખોડીયાર ફુટવેરના માલીકના નામેથી શોપ એક્ટ લાયસન્સ આપવામાં આવ્યું છે. જે અરજી 3 વર્ષ પછી 6ઠ્ઠી ડિસેમ્બર, 2019ના રોજ હાથ પર લેવામાં આવી હતી અને એવો ઠરાવ કરવામાં આવ્યો કે, સરકારમાં દરખાસ્ત કરવામાં આવે અને તે મંજુરી આવ્યા બાદ ભાડેથી આપવા ઠરાવ કરવામાં આવ્યો છે. તે પહેલા ઓરડીનો આગોતરો કબજો આપી શકશે નહીં. તેવું સ્પષ્ટ કારોબારી તથા ચીફ ઓફિસરની સહીથી ઠરાવ થયેલો હોવા છતાંય છેલ્લા કેટલાય વર્ષોથી ગેરકાયદેસર રીતે કબજો ધારણ કરીને બેઠા છે. આથી, તત્કાલીન બોડી દ્વારા કલેક્ટરના આદેશનો અનાદર કરવામાં આવ્યો છે.

ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિએ વધુમાં જણાવ્યું હતું કે, આગામી 29મી જુલાઇ, 2021ની સામાન્ય સભાના એજન્ડા નં.22થી ફરીથી આ અરજી હાથ પર લેવાની વાતો કરી રહ્યા છો અને તેમ કરી પ્રજાને એવું બતાડવા માંગો છો કે તમે કાયદો ખિસ્સામાં લઇને ફરો છો. એક ગેરકાયદેસર કાર્યને પ્રોત્સાહન આપી રહ્યા છે અને નગરપાલિકાની માલીકીની મિલકતમાં તે મિલકત પડાવી લેવા સારુ ગેરકાયદેસર અને બોગસ દસ્તાવેજો ઉભા કરવા માટેની ફરી વખત કોશીષ કરી રહ્યા છો.

આથી ચીફ ઓફિસર તથા પ્રમુખ ધી ગુજરાત લેન્ડ ગ્રેબીંગ કાયદા અન્વયે કલમ -5 હેઠળ ગુનો કરવા પ્રોત્સાહન આપી રહ્યા છો. જેના માટે 29મી જુલાઇ, 21ના રોજની સભામાં હાજર રહેનારા તમામ સભ્યોની જવાબદારી આવી શકે છે. જેના માટે ઓછામાં ઓછી 10 વર્ષની કેદની સજા જે 14 વર્ષ સુધીની પણ થઈ શકે છે. આથી, આ જગ્યાનો તાત્કાલિક કબજો મેળવી લેવો. જ્યારથી ગેરકાયદેસર કબજો ધારણ કર્યો છે ત્યારથી દંડ સહિતનું ભાડું વસુલ કરી નગરપાલિકામાં જમા કરાવવું અને જવાબદારો સામે કાર્યવાહી કરવા માગણી કરી છે.

Most Popular

To Top