Madhya Gujarat

દાહોદમાં એક જ દિવસના વરસાદમાં 6 ડેમના જળસ્તર વધ્યા

દાહોદ: દાહોદ જિલ્લામાં મેઘરાજાની મહેરથી ખેડૂતોના મોઢે ખુશાલી છે. રવિવારના ધોધમાર વરસાદ બાદ સોમવારે નીકળેલો ઉઘાડ ખેતી માટે લાભકારક મનાઇ રહ્યો છે. છેલ્લા 20 વર્ષ દરમિયાન જિલ્લાના નવે તાલુકાઓમાં પડેલા વરસાદની સરેરાશ સામે ગત વર્ષની 26 જુલાઇની સરખામણીએ આ વર્ષે 7 તાલુકામાં સંતોષકારક વરસાદ છે જ્યારે બે તાલુકામાં વરસાદની ઘટ જોવા મળી રહી છે. આ સાથે એક જ દિવસના વરસાદમાં 8માંથી 6 ડેમમાં પાણીની આવક નોંધાઇ છે.

દાહોદ જિલ્લામાં ચોમાસુ બેસ્યા બાદ આકાશમાં ગોરંભાયેલા વાદળો હાથતાળી આપી જતાં હતા. જેથી પ્રારંભિક વરસાદમાં વાવણી કરી દેનારા ખેડૂતોમાં ચિંતા પ્રસરી ગઇ હતી. જોકે, અનેક મનામણા બાદ રવિવારની રાતથી શરૂ થયેલા વરસાદે ધરાને તૃપ્ત કરી દીધી હતી. વર્ષ 2020ની 26 જુલાઇની સરખામણીએ આમ તો તમામ તાલુકામાં વરસાદની ટકાવારીમાં વધારો જોવા મળી રહ્યો છે. પરંતુ દાહોદ તેમજ વનરાજીથી ભરપુર ધાનપુરમાં આ વખતે વરસાદની ટકાવારી ઘટી છે. રવિવારે પડેલા વરસાદમાં જિ.ના 8માંથી 6 ડેમની સપાટીમાં 0.5થી 3.55 મી. સુધીનો વધારો થયો હતો. જોકે જિ.ના પાટાડુંગરી અને કબૂતરી ડેમમાં પાણીની કોઇ આવક ન હતી. ધાનપુરમાં 36 અને ગરબાડામાં 27 મિમી વરસાદ

રાજ્યના હવામાન વિભાગ દ્વારા દાહોદ સહિત ગુજરાતના અનેક પ્રાંતોમાં ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી બાદ દાહોદ જિલ્લામાં રવિવારે આગાહી મુજબ વરસાદ નોંધાયો હતો. તો વાદળછાયા વાતાવરણ સાથે જિલ્લાના તાલુકાઓમાં સોમવારે પણ ઝરમર વરસાદ નોંધાયો હતો. જેને લઈને ગત સપ્તાહના અસહ્ય ગરમીસભર વાતાવરણમાંથી જિલ્લામાં ખાસ કરીને રાતના સમયે મહદ અંશે ઠંડક વ્યાપી છે.

દાહોદમાં સોમવારે 95% ભેજ સાથે મહત્તમ 28 સે.ગ્રે.ડિગ્રી તાપમાન નોંધાયું હતું. તા.26.7.’21 ને સોમવારે દિવસભર વાદળછાયા વાતાવરણ સાથે વારંવાર ઝરમર વરસાદ વરસ્યો હતો. જિલ્લામાં સોમવારે સવારે 6થી બપોરના 4 દરમ્યાન ધાનપુર 36, ગરબાડા 27, દેવગઢ બારિયા 18, સીંગવડ 12, ઝાલોદ 6, દાહોદ અને સંજેલી 5-5 અને ફતેપુરા, લીમખેડામાં 2 -2 મિ.મી વરસાદ નોંધાયો હતો. ખેતીલાયક વરસાદ થતાં ખેડૂતોમાં આનંદ વ્યાપ્યો છે.

દાહોદ જિલ્લામાં વરસાદથી 1.83 લાખ હેક્ટરમાં થયેલા વાવેતરને હાલ પુરતું જીવતદાન મળ્યુ

દાહોદ જિલ્લામાં ચારેકોર મેઘમહેર થતાં ધરતીપુત્રોમાં ખુશીની લહેર દોડી ગઇ છે.જિલ્લામાં ખરે ટાંકણે જ વરસાદ આવતા 1,83,117 હેક્ટરમાં કરેલા વાવેતરને જીવતદાન મળ્યુ છે.બીજી તરફ જિલ્લાના જળાશયોમાં નવા નીરની આવક તો થઇ છે પરંતુ હજી એક પણ ડેમમાં પાણી પૂર્ણ સપાટીએ પહોંચ્યુ નથી.જિલ્લામાં ગઇ કાલે સાર્વત્રિક વરસાદ બાદ આજે ઉઘાડ વચ્ચે કેટલાક તાાલુકાઓમાં વરસાદ વરસતો રહ્યો છે.દાહોદ જિલ્લામાં આ વખતે ચોમાસુ મોડુ શરુ થયુ હતુ.જેથી વાવેતર પણ વિલંબથી કરવામાં આવ્યુ હતુ.તેવા સમયે વરસાદ ખેંચાતા જિલ્લામાં કરેલા 1,83,117 હેક્ટરમાં કરેલા વાવેતર પર જોખમ ઝળુંબતુ હતુ ત્યારે થયેલી મેઘ મહેરને કારણે ખેડૂતોને હાશકારો થયો છે.જિલ્લામાં ખેડૂતોએ મકાઇનું મહત્તમ વાવેતર 1,19639 હેક્ટરમાં કરવામાં આવ્યુ છે.ત્યાર બાદ 46,711 હેક્ટરમાં ડાંગર અને 23,290 હેક્ટરમાં સોયાબીનની વાવણી કરાઇ છે.

Most Popular

To Top