Columns

આસામ અને મિઝોરમ વચ્ચેના ઝઘડાનાં મૂળ ૧૪૮ વર્ષ જૂનાં છે

ભારતનાં બે રાજ્યો એકબીજાની પોલીસની મદદથી યુદ્ધે ચડે તો કેવું લાગે? ભારત એક અખંડ દેશ છે કે જુદા જુદા દેશોનો સમૂહ છે,જેમણે પોતાની અલગ ઓળખ છોડી નથી? સોમવારે ઉત્તર-પૂર્વમાં આસામના અને મિઝોરમના પોલીસો વચ્ચે જે ધિંગાણું થયું તે જોઈને લાગ્યા વિના રહેતું નથી કે ભારતે અને ભારતની પ્રજાને હજુ એક દેશ તરીકેની ઓળખ મેળવવા માટે ઘણું અંતર કાપવું પડશે.

ભારતનાં ઘણાં રાજ્યોમાં સરહદના વિવાદો ચાલી રહ્યા છે. ૧૯૬૦ પહેલાં મુંબઈના કબજા માટે ગુજરાતીઓ અને મરાઠીઓ વચ્ચે લડાઇ ફાટી નીકળી હતી, જેમાં સંખ્યાબંધ લોકો શહીદ થઈ ગયાં હતાં. મહારાષ્ટ્ર અને કર્ણાટક વચ્ચેનો સીમાવિવાદ હજુ હલ થઈ શક્યો નથી. કર્ણાટકના બેલગામ શહેર સહિતના મરાઠીભાષી વિસ્તારો પર મહારાષ્ટ્રનો દાવો છે. તેને કારણે સરહદ પર વારંવાર હિંસક રમખાણો થાય છે, પણ ભારતના એક રાજ્યની પોલીસ દ્વારા બીજા રાજ્યની પોલીસ પર હુમલો કરીને લાશો ઢાળી દેવામાં આવી હોય, તેવું દેશમાં પહેલી વખત બન્યું છે.

આસામ અને મિઝોરમ વચ્ચે સરહદનો જે ઝઘડો ચાલી રહ્યો છે તેનાં મૂળ બ્રિટીશ કાળમાં ઘડવામાં આવેલા કાયદામાં પડ્યાં છે. ભારતને આઝાદી મળી ત્યારે પૂર્વોત્તર ભારતમાં આસામનું એક જ રાજ્ય હતું. તે સિવાય મણિપુર અને ત્રિપુરાનાં રજવાડાંઓ હતાં. આજે જેને આપણે અરુણાચલ પ્રદેશ તરીકે ઓળખીએ છીએ તે વિસ્તાર ૧૯૭૨ સુધી (નોર્થ ઇસ્ટ ફ્રન્ટિયર એરિયા) નેફા તરીકે ઓળખાતો હતો.

૧૯૬૩ અને ૧૯૮૭ વચ્ચે આસામમાંથી મિઝોરમ, નાગાલેન્ડ, મેઘાલય વગેરે રાજ્યો કોતરી કાઢવામાં આવ્યાં. નેફાને ૧૯૭૨ માં અરુણાચલ નામ આપીને કેન્દ્રશાસિત પ્રદેશનો દરજ્જો આપવામાં આવ્યો. ૧૯૮૭ માં તેને અરુણાચલ પ્રદેશ રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો. આ સાત રાજ્યોની સરહદો તે તે પ્રદેશમાં રહેતાં લોકોની સંસ્કૃતિના આધારે અને તેમના રાજકીય ઇતિહાસના આધારે નક્કી કરવામાં આવી પણ તેમાં મતભેદો રહી ગયા હતા.

૧૯૮૭ માં આસામમાંથી મિઝોરમ નામનું નાનકડું રાજ્ય કોતરી કાઢવામાં આવ્યું હતું. આસામ અને મિઝોરમ વચ્ચેની સરહદ આશરે ૧૬૫ કિલોમીટર લાંબી છે. મિઝોરમની સરહદે ત્રણ જિલ્લાઓ આવેલા છે અને આસામની સરહદે પણ ત્રણ જિલ્લાઓ આવેલા છે. ભારતમાં જ્યારે બ્રિટીશ રાજ હતું ત્યારે મિઝોરમનો વિસ્તાર લુશાઈ હિલ્સ તરીકે જાણીતો હતો. ૧૮૭૩ માં બ્રિટીશ સરકારે એક જાહેરનામું બહાર પાડીને લુશાઈ હિલ્સ અને આસામની કાચર હિલ્સ વચ્ચેની સરહદો નક્કી કરી હતી. બ્રિટીશ કાળમાં તેને ઇનર લાઇન પરમિટ કહેવામાં આવતી હતી. તે મુજબ પર્વતમાં રહેતાં લોકો મેદાની પ્રદેશમાં રહેવા આવે તો તેમણે પરમિટ લઈને આવવું પડતું હતું.

૧૯૩૩ માં બ્રિટીશ સરકારે એક બીજું જાહેરનામું બહાર પાડ્યું, જેમાં લુશાઈ હિલ્સ અને મણિપુર વચ્ચેની સરહદ નક્કી કરવામાં આવી હતી. ૧૮૭૩ ના અને ૧૯૩૩ ના જાહેરનામાં વચ્ચે એ ફરક હતો કે ૧૯૩૩ ના જાહેરનામામાં લુશાઈ હિલ્સનાં કેટલાંક ગામોને આસામમાં બતાડવામાં આવ્યાં હતાં. તે બાબતમાં મિઝોના લોકોનો અભિપ્રાય લેવામાં આવ્યો નહોતો. ૧૯૮૭ માં મિઝોરમનું અલગ રાજ્ય બનાવવામાં આવ્યું ત્યારે તેની આસામ સાથેની સરહદ ૧૯૩૩ ના જાહેરનામાને આધારે આંકવામાં આવી હતી. મિઝોરમના લોકોએ તેનો વિરોધ કર્યો હતો. તેઓ તો ૧૮૭૩ ના જાહેરનામા મુજબની સરહદ જ માનતા હતા. આસામે ૧૮૭૩ નું જાહેરનામું રદ કર્યું હતું; પણ મિઝોરમ અને નાગાલેન્ડ તેને વળગી રહ્યા હતા, કારણ કે તેમને તેમાં લાભ હતો. મિઝોરમે તો ૧૯૯૩ માં નવું નોટિફિકેશન બહાર પાડીને ૧૮૭૩ ના કાયદાનું સમર્થન કર્યું હતું.

મિઝોરમ ૧૮૭૩ ના જાહેરનામાને આધારે આસામમાં આવેલા આશરે ૧,૩૧૮ ચોરસ કિલોમીટર અનામત જંગલ વિસ્તાર પર પોતાનો દાવો કરે છે. આસામ ૧૯૩૩ ના જાહેરનામાને આધારે આ ૧,૩૧૮ ચોરસ કિલોમીટર વિસ્તાર પોતાની માલિકીનો ગણે છે. મિઝોરમના ૧૯૯૩ ના નોટિફિકેશન પછી બે રાજ્યો વચ્ચેનો સરહદી ઝઘડો ઉકેલવા માટે અનેક પ્રયાસો થયા હતા. આ મામલો સુપ્રિમ કોર્ટ સુધી પણ પહોંચ્યો હતો. સુપ્રિમ કોર્ટે ઝઘડો ઉકેલવા બાઉન્ડરી કમિશનની રચના કરવાનું સૂચન કર્યું હતું. મિઝોરમ સરકારે બાઉન્ડરી કમિશનની રચના કરીને કેન્દ્ર સરકારને તેની જાણ કરી દીધી છે, પણ આસામને બાઉન્ડરી કમિશનની રચના કરવામાં રસ નથી. તેને ડર છે કે બાઉન્ડરી કમિશનનો ચુકાદો જો તેની વિરુદ્ધમાં આવશે તો તેણે ૧,૩૧૮ ચોરસ કિલોમીટર જમીન ગુમાવવી પડશે. મજાની વાત એ છે કે બંને રાજ્યોમાં ભાજપના મોરચાની સરકાર છે.

મિઝોરમ અને આસામ વચ્ચે સોમવારે જે ધિંગાણું થયું તેનો પ્રારંભ ૩૦ મી જૂને થયો હતો. ત્યારે મિઝોરમે આક્ષેપ કર્યો હતો કે આસામે સરહદના કોલાસિબ જિલ્લામાં આવેલી તેની કેટલીક જમીનો પર અતિક્રમણ કર્યું છે. આસામે મિઝોરમ પર વળતો આક્ષેપ કર્યો હતો કે મિઝોરમે આસામના હૈલાકાંડી નામના જિલ્લામાં દસ કિલોમીટર ઘૂસીને ગેરકાયદે બાંધકામ કર્યું છે અને તેના કિસાનો તેમાં નાગરવેલની ખેતી કરી રહ્યા છે. વળતા હુમલાના રૂપમાં આસામે મિઝોરમના ઐતલાંગ હનાર નામના વિસ્તાર પર કબજો કરી લીધો હતો, જે મિઝોરમની સરહદમાં પાંચ કિલોમીટર અંદર આવેલું છે. મિઝોરમના લોકોએ તેમને ત્યાંથી કાઢી મૂક્યા હતા.

હકીકતમાં ૧૯૭૩ ના જાહેરનામા મુજબ જે જમીન પર મિઝોરમનો અધિકાર હતો તેમાં તેના કિસાનો ખેતી કરી રહ્યા હતા. ૧૯૩૩ ના જાહેરનામા મુજબ આ જમીન આસામમાં હતી. આ જમીન અનામત જંગલ વિસ્તાર હોવાથી મિઝોરમના જંગલ ખાતાએ તેમાં  એક ઝૂંપડી પણ બાંધી હતી. ૩૦ મી જૂને આસામના પોલીસોએ ત્યાં જઈને ઝૂંપડી તોડીને નાગરવેલનાં વૃક્ષો ઉખાડી કાઢયાં હતાં. પછી ૨૫ જુલાઇના રોજ સમાચાર આવ્યા હતા કે આસામ પોલીસે ત્યાં ફરીથી તોડકામ કર્યું છે.

આ વખતે તેણે મિઝોરમના કિસાનોનાં આઠ ઝૂપડાં તોડી પાડ્યાં હતાં. આ વખતે મિઝોરમના કિસાનો ગ્રેનેડથી સજ્જ થઈને આવ્યા હતા. કિસાનો આસામના સરકારી કર્મચારીઓ અને પોલીસો પર તૂટી પડ્યા હતા. તેમને મિઝોરમની પોલીસનો પણ સાથ મળ્યો હતો. સામસામે ગોળીબારો થયા હતા, જેમાં આસામના પાંચ પોલીસો માર્યા ગયા હતા અને ૫૦ લોકો ઘાયલ થયા હતા. આ યુદ્ધ પછી આસામના અને મિઝોરમના મુખ્ય પ્રધાનો વચ્ચે ટ્વિટર પર યુદ્ધ ફાટી નીકળ્યું હતું.

આસામને જે રીતે મિઝોરમ સાથે સરહદનો ઝઘડો ચાલી રહ્યો છે, તેવો જ ઝઘડો તેને અરુણાચલ પ્રદેશ અને મેઘાલય વચ્ચે પણ ચાલી રહ્યો છે, પણ તેનો શાંતિપૂર્ણ ઉકેલ લાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે. હજુ બે દિવસ પહેલાં કેન્દ્રના ગૃહ પ્રધાન અમિત શાહે પૂર્વોત્તરનાં રાજ્યોના મુખ્ય પ્રધાનો વચ્ચે બેઠક કરી હતી, જેમાં સરહદી વિવાદનો સમજણપૂર્વક ઉકેલ શોધવાની હિમાયત કરવામાં આવી હતી.

અમિત શાહની શિખામણ ઝાંપા સુધી પહોંચે તે પહેલાં ભડકો થયો હતો. વર્તમાન વિવાદની વિગતો તપાસતાં મિઝોરમની સરકાર કરતાં આસામની સરકાર વધુ જવાબદાર જણાય છે. જો મિઝોરમની સરકાર મંત્રણા કરવા તૈયાર હતી તો તેણે જમીન ખાલી કરાવવા બળનું પ્રદર્શન કરવાની શું જરૂર હતી? મિઝોરમની પોલીસે પણ સંયમ રાખવાની જરૂર હતી.– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top