ઘેજ: ચીખલી પોલીસે (Chikhli Police) ફરીયાદીને મોટર સાયકલ ચોરી થયાની 19 તારીખથી વારંવાર ધક્કા ખવડાવી બે યુવાનોના પોલીસ મથકમાં (Police Station) શંકાસ્પદ મોતના બે દિવસ બાદ ઠેઠ 23મીએ સાંજે બોલાવી ચોરીની ફરિયાદ પર સીધી સહી કરાવી દીધી હોવાની હકીકત બહાર આવી છે. પોલીસ મથકમાં બે આદિવાસી યુવાનના મોતના (Death) બનાવની શરૂઆતથી જ પોલીસ પોતાની બેદરકારી પર ઢાંકપિછોડો કરવા ધમપછાડા કરી રહી છે. જવાબદાર પોલીસ અધિકારીઓ સામે ગુનો નોંધવાના સ્થાને બંને યુવાનોને મોતના બે દિવસ બાદ ચોરીના આરોપીઓ (Accused of theft) બનાવતા આદિવાસી સમાજમાં આક્રોશ વધી રહ્યો છે.
પોલીસ મથકમાં 21 જુલાઇના રોજ વહેલી સવારમાં વઘઇના રવિ જાદવ અને સુનિલ પવારની શંકાસ્પદ રીતે એક જ પંખા ઉપર ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા. બે યુવાનોના મોતને પગલે ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. આ દરમ્યાન પોલીસ યુવાનોના મોતના બે દિવસ બાદ તેઓ સામે મોટર સાયકલ ચોરીનો ગુનો નોંધ્યો હતો.
ચોરીની ફરિયાદ આપનાર ફરિયાદી ચીખલી ધોબીવાડના નરેશભાઇ રાજપૂતની 19-7-21ના રોજ ઘરના આંગણામાં મુકેલી સુઝુકી બાઇક જી.જે. 21 સી 2349 જોવા નહીં મળતા તેઓ એ જ દિવસે એટલે કે 19મીના રોજ જ પોલીસ મથકે જતા પીએસઓએ માત્ર વિગત લીધી હતી, ત્યારબાદ બપોરે 12.30 વાગ્યાની આસપાસ પોલીસે ફોન કરી નરેશભાઇને તેમની બાઇક જોવા પોલીસે બોલાવ્યો હતો. બાદમાં પીઆઇ નથી આવ્યા એટલે તું ઘરે જા સાહેબ આવે એટલે બોલાવીશું., ફરી બીજા દિવસે 20મીએ પણ બોલાવ્યો હતો, ત્યારે સાહેબ તરત આવીને જતા રહ્યા છે. એટલે ફરી ફોન કરીએ ત્યારે આવજે. તેમ કહી રવાના કરી દીધો હતો. બાદમાં 23મીએ ફરીવાર બોલાવી વિગત લખાવી લીધા બાદ સાંજે ફરિયાદ ઉપર સહી કરાવી લીધી હોવાની હકીકત ફરિયાદી નરેશભાઇ પાસેથી જાણવા મળી છે.
પોલીસ માત્ર ને માત્ર પોતાની ચામડી બચાવવાની ફિરાકમાં!
સમગ્ર બનાવમાં પોલીસ માત્ર ને માત્ર પોતાની ચામડી બચાવવાની ફિરાકમાં જ હોય તેમ સ્પષ્ટ જણાય છે. બાઇક ચોરી થયાના દિવસે જ ફરિયાદીને બાઇક જોવા બોલાવ્યો અને ફરિયાદીની બાઇક હોવાનું નક્કી પણ થયું તો 19મીના રોજ જ કેમ બાઇક ચોરીની ફરિયાદ નોંધવામાં આવી નહીં ? અને યુવાનોના શંકાસ્પદ મોતના બે દિવસ બાદ 23મીએ ચોરીનો ગુનો નોંધવાની પોલીસને શું જરૂરિયાત ઉભી થઇ? 19મી એ વઘઇના યુવાનને બાઇક સાથે ઝડપી પાડ્યો હતો. તો 21મી સુધી સ્ટેશન ડાયરીમાં એન્ટ્રી વિના પોલીસ ચોપડે ચઢાવ્યા વિના પોલીસ મથકમાં કેમ ગોંધી રાખવામાં આવ્યો? તેવા અનેક સવાલો ઉભા થયા છે.
પોલીસે બોલાવ્યો પણ સાહેબ નથી, એટલે ફોન કરે ત્યારે આવજે કહી ફરી 20મીએ બોલાવ્યો
ફરિયાદી નરેશ રાજપૂતે જણાવ્યું હતુ કે 19મીના રોજ મારી બાઇક ઘરે જોવા નહીં મળતા પોલીસ મથકે જતા માત્ર વિગત લખ્યા બાદ તેજ દિવસે બપોરે ફોન કરી બાઇક જોવા બોલાવી સાહેબ નથી, એટલે ફોન કરે ત્યારે આવજે તેમ કહી ફરી 20મીએ બોલાવ્યો હતો. બાદમાં 23મીએ બોલાવતા મેં માત્ર મારું નામઠામ અને બાઇકની વિગત લખાવી હતી. આરોપીઓના નામ પણ જાણતો નથી અને ઓળખતો પણ નથી. મે તો માત્ર વિગત જ લખાવી હતી. કોઇના નામ આપ્યા ન હતા. મારી પાસે 23મીના સાંજે પોલીસે ફરિયાદ ઉપર સહી કરાવી હતી.
ચીખલી પોલીસ સ્ટેશનમાં બે યુવાનોના મોતથી આદિવાસી સમાજમાં ઉકળતો ચરૂં
ખેરગામ : ચીખલી પોલીસ સ્ટેશનમાં બે આદિવાસી યુવાનના મોતથી દક્ષિણ ગુજરાત સહિત સમગ્ર આદિવાસી સમાજના સંગઠનોમાં ઉકળતો ચરુ જોવા મળી રહ્યો છે. ખેરગામ તાલુકા ભારતીય ટ્રાયબલ ટાઇગર સેના દ્વારા સંપૂર્ણ મામલાની તટસ્થ તપાસ કરી બન્ને યુવાનોના પરિવારને એક એક કરોડનું વળતર આપવા અને આદિવાસી સમાજને ખોટા ગુનામાં સંડોવણી બંધ કરવા, અત્યાચાર રોકવા તેમજ ગેરકાયદે અટકાયત અંગે તપાસ કરાવી જવાબદાર પોલીસ અધિકારીઓને ડિસમિસ કરવાની માંગ સાથે મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જો દિન ત્રણમાં માંગણી સ્વીકારવામાં નહીં આવે તો ગુજરાત હાઇકોર્ટમાં રીટ પિટિશન દાખલ કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી. જેમાં બિટીટીએસના પ્રમુખ જીગ્નેશ પટેલ, મિતેશ પટેલ, પંકજ પટેલ, ભૂમિક પટેલ સહિત કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.