હરિપ્રસાદ સ્વામીજી અક્ષરધામ નિવાસી થતાં મોદી સહિત અનેક રાજનેતાઓએ વાગોળ્યો આત્મીયતાનો સંબંધ – Gujaratmitra Daily Newspaper

Gujarat

હરિપ્રસાદ સ્વામીજી અક્ષરધામ નિવાસી થતાં મોદી સહિત અનેક રાજનેતાઓએ વાગોળ્યો આત્મીયતાનો સંબંધ

પ્રધાનમંત્રી મોદી (PM Modi) સાથે પણ હરિપ્રસાદ સ્વામીજી (Hariprasad swamiji)ને ખુબ જ આત્મીયતાનો સંબંધ હતો. ત્યારે વડોદરા (Vadodara) જિલ્લાના સોખડા હરિધામ (Sokhda haridham)ના હરિપ્રસાદ સ્વામીજી અક્ષરધામ નિવાસી થતાં રાજનેતાઓએ ટ્વીટ કરીને દુ:ખ વ્યક્ત કર્યું હતું.

ગુજરાતના સીએમ રૂપાણી (CM Rupani), ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, કેન્દ્રીય મંત્રી પરસોતમ રૂપાલા, ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડાએ ટ્વીટ કરીને સ્વામીજીને શ્રદ્ધા સુમન અર્પણ કર્યાં હતા. યોગી ડિવાઇન સોસાયટી (Yogi divine society)ના સાધુ પ્રેમસ્વરૂપદાસ, સાધુ સંતવલ્લભદાસ, સાધુ ત્યાગ વલ્લભદાસ, વિઠ્ઠલદાસ પટેલ અને સેક્રેટરી અશોકભાઇના સંયુક્ત નિવેદનમાં જણાવ્યા મુજબ, યોગી ડિવાઇન સોસાયટીના પરમાધ્યક્ષ અને આત્મીય સમાજના પ્રાણધાર પ્રગટ ગુરુહરિ પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી મહારાજ આ પૃથ્વીની તેમની દિવ્ય યાત્રા પૂર્ણ કરીને 26 જુલાઇ રાત્રે 11 કલાકે સ્વતંત્ર થતાં અક્ષરધામમાં બિરાજી ગયા છે. સંત હરિપ્રસાદ સ્વામીજી અક્ષરનિવાસી થયા બાદ આવતીકાલે 28 જુલાઇથી 31 જુલાઇ સુધી તેમના દેહને અંતિમ દર્શન માટે મૂકવામાં આવશે અને 1 ઓગસ્ટે બપોરે 2:30 વાગ્યે તેમના અંતિમસંસ્કારની વિધિ કરવામાં આવશે. જોકે અંતિમ દર્શન કરવા માટે આવનારા હરિભક્તોને માસ્ક પહેરવાનું ફરજિયાત છે, માસ્ક પહેર્યું નહીં હોય તો દર્શન કરવા દેવામાં આવશે નહીં.

ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી મોદી સાથે પણ હરિપ્રસાદ સ્વામીજીને ખુબ જ આત્મીયતાનો સંબંધ હતો. નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા તે સમયે તેઓ અવાર-નવાર સોખડા હરિધામના કાર્યક્રમોમાં હાજરી આપવા અચૂક જતાં. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ હોય કે, ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી.નડ્ડા દરેક રાજનેતા સાથે પણ સ્વામીજીને ખુબ જ આત્મીયતા ભર્યા સંબંધો રહ્યાં છે. વડોદરના સાંસદ રંજનબેન ભટ્ટે ટ્વિટ કરીને, સ્વામીજીને શ્રદ્ધાંજલિ આપતા કહ્યું કે, દાસના દાસનું અનંતની સફરે પ્રયાણ..

હરિપ્રસાદ સ્વામીજીનો જન્મ 23 મે 1934ના રોજ થયો હતો. તેઓ બીએપીએસ સંપ્રદાયના સંત પ્રમુખસ્વામી મહારાજના ગુરુભાઈ હતા. ગત 23 મેના રોજ હરિપ્રસાદ સ્વામીજીનો 88મો પ્રાગટય દિન ભક્તોએ ઉજવ્યો હતો. હરિપ્રસાદ સ્વામીજી વડોદરા શહેર-જિલ્લા ઉપરાંત દેશ-વિદેશમાં પણ બહોળી સંખ્યામાં અનુયાયીઓ ધરાવતાં હતાં. યોગી ડીવાઈન સોસાયટીના પ્રણેતા તથા યોગીજી મહારાજના શિષ્ય પરમ પુજ્ય હરિપ્રસાદ સ્વામીજીના નિર્વાણના સમાચાર જાણી દુ:ખી છું. સ્વામીજી આપણા સૌના હ્યદયસ્થ રહી આપણને ધર્મનો માર્ગ બતાવતા રહે એજ એમની પાસે પ્રાર્થના.

Most Popular

To Top