સાપુતારા: (Saputara) ડાંગ જિલ્લાનાં સાપુતારાથી વઘઇને સાંકળતા બારીપાડા ગામ નજીકનાં વળાંકમાં સામેથી આવતી ટ્રકને બચાવવા જતા પ્રવાસીઓથી ભરેલી લકઝરી બસ (Bus) માર્ગની સાઈડમાં ઉતરી જતા અકસ્માતની સાથે મોટી દુર્ઘટના ટળી હતી. લકઝરી બસ માર્ગની સાઈડમાં ઉતરી જતા બસમાં સવાર પ્રવાસી મુસાફરો (Tourist) જીવ બચાવવા માટે બારીમાંથી કૂદતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર રવિવારે વાગરા ભરૂચથી સાપુતારા ખાતે ફરવા આવેલા પ્રવાસીઓથી ભરેલી અક્ષર ટ્રાવેલ્સની લકઝરી જીજે 14 ઝેડ 915 જે સાપુતારાથી વઘઇને સાંકળતા આંતર રાજ્ય ધોરીમાર્ગનાં (Road) બારીપાડા ગામ નજીકનાં વળાંકમાં સામેથી આવી રહેલી ટ્રકને બચાવવા જતા લકઝરી બસનાં ચાલકે કાબુ ગુમાવી દેતા માર્ગની સાઈડમાં ઉતરી જતા અકસ્માત સર્જાયો હતો. અહીં મોડી સાંજે લકઝરી બસ માર્ગની સાઈડમાં ઉતરી જતા તેમાં બેસેલા પ્રવાસી મુસાફરો ભયનાં ઓથાર હેઠળ બસની બારીમાંથી કુદી પડ્યા હતા. સ્થળ ઉપર વરસાદી માહોલની વચ્ચે અફરા તફરીનો માહોલ સર્જાયો હતો.
આ અકસ્માતનાં બનાવની જાણ 108 એમ્બ્યુલન્સને થતા જિલ્લાની બે એમ્બ્યુલન્સ ઘટના સ્થળે દોડી ગઈ હતી. આ બનાવમાં માત્ર ક્લીનરને નાની મોટી ઈજાઓ પહોચતા તેને તાત્કાલિક સારવારનાં અર્થે નજીકની શામગહાન સી.એચ.સીમાં ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. જ્યારે લકઝરી બસમાં સવાર તમામ પ્રવાસી મુસાફરોનો ચમત્કારિક બચાવ થયો હતો. આ બનાવ સંદર્ભે સાપુતારા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હોવાની વિગતો સાંપડી છે.
જન્મદિવસની ઉજવણી કરવા પત્ની સાથે સાપુતારા ફરવા ગયેલા પતિનું મોત
સાપુતારા : જન્મદિવસની ખુશી મનાવવા ચીખલીનાં ચિતાલીથી બાઈક પર સવાર થઈ સાપુતારા સહેલગાહે આવેલા દંપતીને ડાંગના વઘઇ પાસે ટવેરા ચાલકે બાઈકને અડફેટે લેતા ઘટના સ્થળે પતિનું મૃત્યુ થયુ હતુ.આ બનાવમાં પત્નીને ગંભીર ઇજાઓ થતા સારવાર માટે વલસાડની સિવિલ હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ ચીખલી તાલુકાનાં ચિતાલી ગામનાં હવેલી ફળિયામાં રહેતા કુંજલ હેમંતભાઇ પટેલ (ઉ. 26)નો આજે જન્મદિવસ હોવાથી તેઓ તેમની પત્ની સોનાલી સાથે તેમની બાઇક ન. જીજે 2 બીએન 2576 પર સવાર થઈ જન્મદિવસ મનાવવા માટે ડાંગનાં સાપુતારા ખાતે આવવા માટે નીકળ્યા હતા. તે દરમિયાન બપોરે 14.15 કલાકે વઘઇ નજીકનાં બોટાનિકલ ગાર્ડન પાસે રોંગ સાઇડે પુરપાટ ઝડપે આવી રહેલી ટવેરા નં. એમએચ 39 જે 7650નાં ચાલકે દંપતીની બાઈકને અડફેટે લેતા બાઈક ચાલક કુંજલનાં શરીરનાં તેમજ માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા તેમનું મૃત્યુ થયુ હતુ. જ્યારે પત્ની સોનાલીનાં પગનાં ભાગે ફેક્ચર તેમજ શરીરે ગંભીર ઇજાઓ થતા તેમને પ્રાથમિક સારવારનાં અર્થે નજીકની વઘઇ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે વલસાડની સિવિલ હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. ટવેરા ચાલક અકસ્માત સર્જી ઘાયલોને કણસતા મૂકી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. આ બનાવની જાણ વઘઇ પોલીસને થતાં વઘઇ પોલીસની ટીમ ઘટનાસ્થળે ધસી ગઈ હતી અને તપાસ હાથ ધરી હતી. આ બનાવ અંગે મૃતકના પિતા હેમંતભાઈ નિશાભાઈ પટેલએ ટવેરા ચાલક વિરુદ્ધ ગુનો નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.