એક સંતની કીર્તિ ચોતરફ ફેલાયેલી હતી. તે દેશના મહારાજાએ સંતના દર્શને પોતાના કાફલા સાથે પહોંચ્યા. એ રાજાને પોતાના વિશાળ સામ્રાજયનો ભારે ગર્વ હતો. તેની પાસે સંપત્તિ પણ અપાર હતી અને હજુ બીજા પ્રદેશો જીતી તે સંપત્તિ અને રાજયનો વિસ્તાર કર્યે જતો હતો. સંત પાસે આવેલા રાજાનું સ્વાગત કરાયું. સંતે એક આસન આપી રાજાને બેસાડયો. રાજાનો અહંકાર સંત પામી ગયા હતા. એટલે રાજાને પૂછયું; રાજન, ધારો કે તમે પ્રવાસ દરમિયાન કોઇ રણ વચ્ચે અટવાઇ જાવ, ભૂલા પડી જાવ અને પાણીની તરસથી તમે મરવા લાગો, અને એવામાં કોઇ તમને પાણીના એક પ્યાલાના બદલામાં અડધું રાજ માગે તો તમે શું કરો?’
રાજાએ કહ્યું: ‘હું મારું અડધું રાજ આપી દઉં અને પાણી મેળવી જીવ બચાવું.’ સંતે ફરી આગળ પૂછયું; મહારાજ, તેમ છતાંય ધારો કે તમારો જીવ જવાની તૈયારીમાં હોય અને કોઇ વૈદ્યરાજ આવે અને તમારો જીવ બચાવવાની દવાના બદલામી તમારું બાકીનું અડધું રાજ માગી લે તો?’ રાજા કહે; એ પણ આપી દઉં, રાજ ન રહે તો કંઇ નહીં, મારો જીવ બચવો જોઇએ.’
સંતે કહ્યું, ‘રાજન, તો તમારા રાજનું મૂલ્ય કેટલું?’ રાજાએ કહ્યું: ‘ઋષીવર્ય, તમે આજે મારી આંખ ઉઘાડી છે, મારા જીવનથી અધિક મૂલ્યવાન કશું જ નથી પછી શા માટે હું રોજ દોડધામ કરી બીજા પ્રદેશો જીતી સંપત્તિ એકઠી કર્યે જાઉં છું?!’રાજા સંતના ચરણોમાં ઝૂકી પડયો. રાજાનું અભિમાન આજે ઉતરી ગયું હતું રાજાને જીવનનો મર્મ સમજાઇ ગયો હતો. સામ્રાજય વધારવાની લાલસા એનો મોહ હતો. માયિક પદાર્થો જડ છે છતાં એ મનુષ્યને કેવી રીતે પકડી રાખે છે? માયાનો મોહ અતિ ખતરનાક છે.
એ વાતનું બીજું એક ઉદાહરણ જોઇએ. નદી કિનારે કેટલાક માણસો ઊભા છે. પ્રવાહ ખૂબ તેજ વહી રહ્યો છે. લોકો પ્રાકૃતિક સૌંદર્ય માણી રહ્યા છે. તેવામાં દૂર પાણીમાં કોઇ કાળા રંગની વસ્તુ તરતી આવતી દેખાઇ. આ લોકોમાં એક યુવાન તરવૈયો પાણીમાં કૂદી પડયો, એને લાગ્યું કોઇ કિંમતી વસ્તુ તણાતી આવી રહી છે. એ પાણીમાં પડયો, અને લોકો બૂમાબૂમ કરવા લાગ્યા. પેલો તરીને પેલી વસ્તુ પાસે પહોંચી ગયો, એ કાળી વસ્તુ રીંછ હતું, રીંછ માણસને વળગી ગયું, એને જીવ બચાવવો હતો.
પેલો માણસ બચાવો, બચાવો બૂમો પાડતો રહ્યો, અને તણાવા લાગ્યો. રીંછની પકડ એ છોડાવી ન શકયો, અને તણાવા લાગ્યો. રીંછની પકડ એ છોડાવી ન શકયો, અને પાણીમાં તણાઇ ગયો. આમ માયાની પકડ રીંછની પકડ જેવી હોય છે એની પકડમાંથી છૂટવું મુશ્કેલ હોય છે. પણ અશકય નહીં. સમયસર જો આંખો ઉઘડી જાય તો મોહ અને માયાના બંધનોમાંથી છૂટી શકાય. સંતની શિક્ષા મુજબ જીવનથી અધિક મૂલ્યવાન કશું જ નથી. માટે સારું સત્વશીલ જીવન જ માણસને તારી શકે છે. આખી જિંદગી દોડધામ કર્યા પછી પણ ગંતવ્ય સ્થાને માણસ પહોંચી ન શકે એ જિંદગી શું કામની?