સવાર થાય છે અને પશુ પક્ષીઓ ફરતાં દેખાય છે. મોટે ભાગે તેઓ ખોરાકની વ્યવસ્થા માટે જ ફરતાં કે ઉડતા જોવા મળે છે. એ છતાં પશુપક્ષીઓ સદાયના આનંદમાં જીવતાં જોવા મળે છે. માણસે બુધ્ધિ વાપરીને આહારની બારમાસની વ્યવસ્થા કરી દીધી છે તેથી બારમાસ ચાલે તેટલી ખાદ્ય સામગ્રી ઘરમાં ભરી દીધી છે. નાની નાની ખાદ્ય સામગ્રીમાં ઉપયોગી થતી વસ્તુઓ પણ ઘરમાં ભરી દીધી છે. એ છતાં મનુષ્ય રોદણાં રડતો જોવા મળે છે. છાતી પર હાથ મૂકીને હું સુખી છું એવું તે કહી શકતો નથી. જયારે પશુ પક્ષીઓને ભાગ્યે જ રીબાતા આપણે જોઇએ છીએ. તે સર્વે આનંદથી જીવન વ્યતીત કરે છે. મનુષ્ય પાસે બધું છે છતાં ખાલી છે અને પશુપક્ષીઓ પાસે કંઇ નથી છતાં ભરેલો છે.
તેથી જીવનના આનંદને આપણી પાસે શું છે તેની સાથે નિસ્બત નથી પરંતુ હૃદયમાં શું છે તેની સાથે વધુ નિસ્બત છે. આ સ્થિતિ હોવાથી બધાંથી ભરેલો આજનો માણસ અંદરથી ખાલી છે અને જે અંદરથી ખાલી છે તેને હૃદયમાંથી પ્રગટતા આનંદની ખબર જ નથી. મોટે ભાગના લોકોનું જીવન દોડાદોડીમાં જ વ્યતીત થઇ જાય છે. તેના ઘરે તેના પૌત્રને રમાડવાનો તેની પાસે સમય નથી. તેના હાસ્યમાં પ્રભુનું હાસ્ય રહેલું છે તે સમજવાની શકિત જ નથી. પશુપક્ષીઓથી માણસ બુધ્ધિને કારણે જુદો પડે છે પરંતું જીવન જીવવામાં માત્ર ઉપર છલ્લી બુધ્ધિ કામ નથી આવતી. એ સાથે હૃદયને જોડવું પડે છે. આ સમજ ઉગી નથી તેથી ઘરમાં બાર માસ ચાલે તેટલું અનાજ છે.
બેંકમાં જીવનભર ચાલે તેટલા પૈસા પણ છે એ છતાં આજનો માણસ બેચેન છે. આજે ખાવાનું મળ્યું અને કાલે મળશે કે કેમ તે પ્રશ્ન પશુ પક્ષીઓ પાસે છે છતાં તેઓ આનંદ જીવન વ્યતીત કરે છે. મનુષ્ય પાસે બુધ્ધિ છે પરંતુ તે હજુ જીવન આનંદથી પસાર થાય તેવી વ્યવસ્થા ઉભી કરી શકયો નથી. આજનો માણસ આનંદને ટી.વી., સિનેમા કે હોટેલોના માધ્યમોમાં ખોળવા પ્રયત્ન કરે છે કે જે આનંદ તેની પાસે જ છે. પરંતુ આનંદને ખોળવાની ચાવીનો ઉપયોગ કરવાનું તે જાણતો નથી. ઋષિ વિચાર કહે કે ‘આનંદો બૈ બ્રહમ અંદરથી પ્રગટ થતો આનંદ પોતે જ બ્રહ્મ સ્વરૂપ છે’. જરાક અટકીને માણસ કઇ દિશામાં દોડી રહયો છે તેનું પણ જો અવલોકન કરશે તો આજે નહીં તો કાલે યોગ્ય રસ્તા પર તે જઇ શકશે.