સમાચારપત્રોની જમાતમાં દોઢસો વર્ષથી વધુ એવા, યુવાપેઠે અડગ, નિષ્પક્ષ, નિડર, નિખાલસ અને ‘કસાયેલી કલમો’ના અનેરા સંગ્રહસ્થાન સમા ‘ગુજરાતમિત્ર’ એ કંઇક કેટલાંય વર્ષોથી પોતાના કહેવાય એવા ‘તંત્રીપાને’થી ‘કોલમ જેટલી મહત્ત્વની જગ્યા લોકકલ્યાણ માટે ફાળવીને એક, સદાજાગ્રત પ્રહરીની ભૂમિકા નિભાવી છે. ગત રોજના તારીખ ૧૧ (અગિયાર) માર્ચ-૨૦૨૧ ના ‘ચર્ચાપત્ર’ કોલમ ચર્ચાપત્રી બાલકૃષ્ણ વડનેરેએ સાચું લખ્યું છે કે, ‘ચર્ચાપત્રો’ એ સમાજનું સટિક પ્રતિબિંબ રજૂ કરતો અરીસો છે. વિધવિધ વિષયો ઉપર સંખ્યાબંધ ચર્ચાપત્રો અવિરત પ્રગટ થઇ રહ્યાં છે. જેમાં લોકફરિયાદ સ્વરૂપે વહીવટીતંત્રોના સત્તાધીશોની આંખો અને કાન સુધી રોજબરોજ ‘ગુજરાતમિત્ર’ની આ કોલમના માધ્યમે અત્રેથી રજૂ થયેલ કનડગતો, ફરિયાદો, સૂચનો અને અંગુલિનિર્દેશોને યોગ્ય તે રજૂઆત થયાના ફળસ્વરૂપે પરિણામો પ્રાપ્ત થયાનો અનુભવ થઇ ચૂકયો છે.
ચર્ચાપત્રીઓ દ્વારા ઉઠાવેલા ‘અવાજ’ને સત્તાધીશો સુધી પહોંચાડવા ‘ગુજરાતમિત્ર’ કટિબધ્ધ છે. એની સાથે જ સુરત સ્થિત દક્ષિણ ગુજરાત ચર્ચાપત્રી સંઘ’ છેલ્લાં ઘણાં વર્ષોથી જે તે કેલેન્ડર વર્ષ દરમ્યાન ‘ચર્ચાપત્રો’નું સંકલન – આકલન કરીને પ્રાપ્ત ભંડોળની, સૌજન્યભાવે પ્રાપ્ત સ્મૃતિભેટ કે, મોમેન્ટો (એવોર્ડ) તથા લેખિત પ્રમાણપત્ર દ્વારા (‘પુરુષ વિભાગ’ અને ‘સ્ત્રી વિભાગ’ એવા બેઉ વિભાગોમાંથી) ચર્ચાપત્રીઓને પારિતોષિક એનાયત (વિતરણ)નો કાર્યક્રમ ગોઠવે છે. જે ખરેખર પ્રશંસનીય છે. સુરત – પંકજ શાંતિલાલ મહેતા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.