Business

વહુ અને વરસાદને કદીય જશ ન મળે….!

આપણી એક ગુજરાતી કહેવત છે, ‘‘વહુને અને વરસાદને કદી જશ ન  મળે.’’ વહુ અને વરસાદ ગમે તેટલા સારા બને તો ય આપણી અપેક્ષાઓ  ઘણી ઊંચી હોવાને કારણે આપણે તેમને આવકારવાને બદલે તેમની સાથે  ઓરમાયું વર્તન કરીએ છીએ.દરરોજ છાપામાં વાંચવા મળે હજી ચોમાસું બરાબર જામ્યું નથી. વરસાદ  વરસે તે માટે ગામડાંની ગોરીઓ માથે મેહુલિયો લઈને ઘરે ઘરે નીકળી  ગીતો ગાય

  • ‘તારી ધરતી ધણિયાણી જુએ વાટ, મેહુલિયા
  • તમે વરહો રે વરહો રે આજ મેવલિયા
  • તારા ખેડુના હાળી જુએ વાટ, મેવલિયા
  • તમે વરહોને દુનિયાના દેવ મેવલિયા.’

ચોમાસું વહેવા માંડે છતાંય વરસાદ મન મૂકીને ન વરસે ત્યારે ગીતો ગાઈને મેહુલિયાને રીઝવવો પડે, ઉનાળાની કાળઝાળ ગરમી પછી  મેઘરાજની મહેર ધરતી પર ક્યારે ઊતરે તેની સૌ રાહ જોતા હોય છે.  વરસાદ મોડો પડે કે ઓછો પડે તો પાણીની તંગી સર્જાય, ગરમીથી  ઉકળાટ અનુભવાય, લોકો ત્રાસે અને ટીકા કરે. વરસાદ બિલકુલ ન આવે  તો દુષ્કાળ પડે તો પણ ઉપાધિ. મધ્યમ પ્રમાણમાં વરસાદ પડે તો પણ ઠેર  ઠેર ખાબોચિયાં છલકાય, જીવાત પેદા થાય, રોગચાળો ફાટે અને જો  વરસાદ વધારે પડે તો…. વચ્ચે વાવાઝોડાં સાથે કેટલો વરસાદ તૂટી પડ્યો-ઠેર  ઠેર પાણી ભરાયાં. ખાડીઓ ઉભરાઈ, ઠેર ઠેર ઝાડો તૂટી પડ્યાં. ઘણાંનાં  ઘરોનાં છાપરાં ઊડી ગયાં. ઢીલાંપોચાં મકાનો બેસી ગયાં, જનજીવન  ખોરવાયું, ટ્રેનો મોડી પડી. વિમાનસેવા ખોરવાઈ, પાવર બંધ રહ્યો. મેઘ તો  જાણે ખાંગા થઈને તૂટી પડ્યો. જાનમાલનું કેટલુંય નુકસાન થયું. એટલે  સૌ વરસાદની ટીકા કરતાં કહેવા લાગ્યા-કેવો ગાંડો વરસાદ પડ્યો. કેટલી  ઉપાધિ સર્જીને ગયો.

કવિઓ ભલે વર્ષાઋતુને બિરદાવતા હોય અને વરસાદને પ્રકૃતિનો પ્રસાદ  કહીને પોંખતા હોય પણ સામાન્ય પ્રજા તો વરસાદથી કંટાળી કોસતી હોય  છે. ભલે વરસાદની મીટ માંડીને રાહ જોતી હોય પણ તેને જશ આપવા તૈયાર નથી. જેવું વરસાદનું તેવું વહુનું. વહુ આખો દિવસ ઘરમાં દોડી દોડીને ગમે  એટલા ઢસરડા કરે તો ય એને કોઈ જશ આપતું નથી. જો વહુ ઝડપથી કામ આટોપે તો વડીલો કહેશે કે- ઉતાવળમાં બધું ઢોળ-ફોળ કરી નુકસાન કરે  છે. વહુ જો ધીમેથી કામ કરે તો કહેશે, સાવ ટાઢા પથરા જેવી છે, કોઈ  કામનો અંત જ નહીં.

વહુ રસોઈ ચટાકેદાર બનાવે તો બધાંને મોઢે એક જ વાત ‘‘બાપરે, આટલી  તીખી રસોઈ? જીભ તો આખી બળી ગઈ!’’ મોળી રસોઈ બનાવે તો કહેશે  માંદા માણસ ખાય તેવી સાવ ફિક્કી રસોઈ બનાવી. ગળી ચા બનાવે તો કહેશે બધાને ડાયાબિટિસ કરાવશે કે શું? મોળી ચા બનાવે તો કહેશે ચા તો સાવ થૂંક જેવી છે.

આડોશપાડોશ સૌની સાથે હળેમળે તો કહેશે કે ગામગપાટા મારવામાં  હોંશિયાર છે. બીજું આવડે છે પણ શું? અને જો વહુ કોઈની સાથે હળેમળે  નહીં તો કહેશે-સાવ ઘરકૂકડી અને એકલવાયી છે. જરાયે સ્માર્ટ નથી. વહુ નોકરી કરતી હશે તો કહેશે, નોકરી કરીને બે પૈસા કમાય છે એમાં  એનો રોફ તો જુઓ. જો નોકરી ન કરતી હોય તોય સંભળાવશે કે આજના  જમાનામાં તો મહિલાઓ કેટલી હોંશિયાર -ચબરાક અને પગભર હોય  છે પણ આ આળસુડીને તો કંઈ કરવું ગમતું જ નથી ને! આખો દિવસ  ટી.વી, કીટી પાર્ટી અને ઓટલા પરિષદ.

વહુ જો મંદિરે જતી હોય તો કહેશે-આવી મોટી ધરમની ઢીંગલી. ઘરનું કામ બાજુ પર ને બહેનબા મંદિરે ઊપડ્યાં! જો મંદિરે ન જતી હોય, ધાર્મિક ભાવના વાળી ન હશે તો કહેશે-પિયરમાં કોઈએ ધર્મના સંસ્કાર આપ્યા હોય તો ને? સાવ આવડતની અધૂરી છે. ખાવું-પીવું ને મોબાઈલમાં મચી રહેવું- એ સિવાય એને બીજું કંઈ આવડતું નથી. બસ હાલતાંચાલતાં બધાંને વહુની જ ભૂલ દેખાય. અરે, જો વહુ વડીલોની તમામ આજ્ઞાઓનું પાલન કરે તો તરત જ તેને મહેણું મારતાં કહેશે- પોતાની કોઈ બુધ્ધિ કે હૈયાસૂઝ છે જ નહીં-કહ્યું એટલું કરે, ડોબી છે ડોબી. અને વહુ જો એની હૈયાસૂઝથી, વડીલને પૂછ્યા વિના જો કોઈ વ્યવહાર કે કામ કરે તો તરત જ કહેશે-વડીલોને તો ગણકારતી જ નથી. માન-મર્યાદા, આમન્યાનું નામ જ નથી. પોતાનું ધારેલું-મનમાં આવે તેમ જ કરે છે. બધાને વશમાં કરી લીધાં છે.

શિવાંગીની વાત જોઈએ- તે ખૂબ જ હોંશિયાર, ભણેલીગણેલી ને રૂપાળી. તે એના પતિના દરેક કામમાં સતત મદદરૂપ થતી એટલે સ્વાભાવિક રીતે જ બંનેનો મનમેળ સારો. એનો પતિ પણ એનું ખૂબ ધ્યાન રાખે અને એને પૂરી સ્વતંત્રતા આપે. બન્યું એવું કે, ફેમિલીના વડીલોને આ વાત ડંખી, વહુને આટલી બધી સ્વતંત્રતા? તરત જ ગુસપુસ શરૂ થઈ, ઘરના બધા એના વિશે ગમે તેમ બોલવા લાગ્યા. અરે શિવાંગી તો જોઈ, ભારે ચાલાક છે. આપણા દીકરાને (એટલે કે એના પતિને) કેવો વશમાં કરી દીધો છે. આપણો દીકરો ય એવો છે ને જુએ જુએને એને જ જુએ છે. જો શિવાંગી એના પતિનું દિલ ન જીતી શકી હોત તો આ જ વડીલો હૈયાવરાળ ઠાલવતે કે જે સ્ત્રી એના ધણીની ન થઈ એ આપણી શી થવાની? બસ વહુને માટે-‘કરવત આવતી પણ વ્હેરે અને જતી પણ વ્હેરે…!’

એક ફેમિલીમાં દીકરાના મેરેજ થયા. ઘરમાં નવી વહુ અમીષીનું આગમન થયું. અમીષીને કોઈ કારણસર એના પિયરમાં મનમેળ નહોતો એટલે સાસરે આવીને ખુશ હતી. સાસરેથી એ કદી પિયરમાં ન કોઈને ફોન કરે ન કોઈને મળવા જાય! થોડો વખત ઘરના બધાએ તમાશો જોયો. તેની ખામી કાઢતાં કહેવા લાગ્યા-‘જેને પોતાનાં માવતર અને ભાઈભાભી પ્રત્યે જ કશી લાગણી ન હોય, એની પાસેથી અમારે તો શું અપેક્ષા રાખવાની? જે સગાં માવતરની ન થઈ એ સાસુ-સસરાની કેમ થશે? જો એ વહુ વારંવાર એના પિયરિયાં સાથે ફોન પર લાંબી લાંબી વાતો કરતે, થોડા થોડા દિવસે પિયર જતે તો બધાં એને એમ જ કહેતે કે હવે પિયરની માયા છોડો! સાસરામાં મન સ્થિર કરો…! હવે તો સમજાઈ ગયું ને કે વરસાદ અને વહુને બે બાજુનું દુ:ખ…!

તો વાચકમિત્રો! વહુ અને વરસાદને જશ નહીં. એ બંને વગર જીવન અધૂરું છે. છતાં એની હાજરી પણ માનવ સ્વભાવને કઠે છે. તો એનો ઉપાય શો? ઉપાય એક જ બંનેને એટલું જ મહત્ત્વ આપો, વગોવણી નહીં કરો. બસ બંનેને આનંદથી માણો. વહુ તો સાચેસાચ ગૃહલક્ષ્મી છે. એના માન સત્કારમાં જ સાચું સુખ છે, સમૃધ્ધિ છે. અને વર્ષા તો આપણી જીવાદોરી છે. કુદરતને મનભરીને માણવાની ઋતુ એટલે… વર્ષાઋતુ. તેને માણો-કોયલનો કલરવ, માટીની મીઠી સોડમ, મોસમનો ઉન્માદ, વરસતાં વરસાદમાં ભીંજાવાનો રોમાંચ, ગરમાગરમ ચટાકેદાર ભજિયાં ખાવાની લિજ્જત, જ્યાં હાથમાં હાથ મિલાવી, આંખોમાં આંખો પરોવી દુનિયા વીસરી ભીંજાવાની ક્ષણો, જેના કિસ્મતમાં છે એ ગાઈ ઊઠશે… ‘ ચાલ વરસાદની મૌસમ છે  વરસતાં જઈએ ઝાંઝવા હો કે દરિયાવ, તરસતા જઈએ.  – હરીન્દ્ર દવે

સુવર્ણરજ
થાયે છે થઈ થઈકાર
ધરા ને ગગનમાં,
થાયે છે થઈ થઈકાર
વાગે છે પાવા પવનકેરા ધીરા ધીરા
વાદળનો ઘેરો ઘમકાર
શ્યામલા સૂર કેરી, ધરતીને આવરી તને
ચાલી રહી છે વણઝાર!
-પ્રહલાદ પારેખ

Most Popular

To Top