કેમ છો? વરસાદે જોરદાર બેટીંગ ફટકારી અને તન-મનમાં ઠંડક વ્યાપી ગઇ. એકાદશીની સાથે ચાતુર્માસનાં પણ પગરણ થઇ ગયાં…. ભારતીય સંસ્કૃતિમાં આ દિવસનું ખૂબ મહત્ત્વ છે. ઇશ્વરની આરાધનાની સાથે દાન-સેવા જેવાં માનવીય કાર્યોનો પણ એમાં સમાવેશ છે પરંતુ ધર્મની આખી પ્રક્રિયાને આપણે દંભ – દેખાદેખી – પ્રતિષ્ઠા અને પૈસા સાથે જોડી દીધી છે… ધર્મની સીધીસાદી વ્યાખ્યા આજના સમયમાં મનની – અંત:કરણની શુદ્ધિ જ હોય શકે. જેમનું મન શુદ્ધ છે તેઓ છળકપટ – પ્રપંચ, અતિશય ક્રોધ, કાવાદાવા કરતાં નથી. ધન-વૈભવ કે પદ-પ્રતિષ્ઠા માટે પોતાના આત્માને વેચતાં નથી… એમનાં મનમાં માનવ માત્ર પ્રત્યે કરુણા વહે છે… મનની આવી શુદ્ધિ હોય તો મંદિર – મસ્જિદ જવાની જરૂર પડે ખરી?
સન્નારીઓ, આપણે એવું જ માનીએ છીએ કે આ બધી વાતો છે. વાસ્તવિક જીવનમાં શુદ્ધિ અને સચ્ચાઇનો કોઇ અર્થ નથી. અહીં તો ‘જો જીતા વો હી સિકંદર’ જેવો ઘાટ છે. જીત આગળ પાપ-પુણ્યની ભેદરેખા ભૂંસાઇ જાય છે પરંતુ આપણી અહીં જ ભૂલ છે. સચ્ચાઇની, પારદર્શક હૃદયની અને મૂલ્યોની એક અનોખી તાકાત છે પણ એ કેળવવા માટે મોટી હિંમત જોઇએ…. આજે માત્ર હરિનો જ નહીં માનવતાનો રસ્તો પણ શૂરા માટે જ છે. આ ચાતુર્માસમાં ઉપવાસ – વાર – વ્રત – પૂજા જે કરવું હોય તે કરીએ પરંતુ મનશુદ્ધિના રસ્તે જવાનું એક કદમ જરૂર ઉઠાવીએ. મનના કચરાને સાફ કરવાનું બીડું ઝડપીએ… મનની લડાઇ જીતીશું તો બહારની લડાઇ હારવાનો ડર નહીં રહે.
બીજું, આજે ગુરુપૂર્ણિમા છે. ગુરુ એટલે અંધકારમાંથી પ્રકાશ તરફ લઇ જનાર વ્યકિત…. ગુરુપૂર્ણિમા એ ગુરુ પ્રત્યેનું ઋણ વ્યકત કરવાનો અવસર… અને આ ગુરુ એટલે ધર્મ કે સંપ્રદાયની કંઠી બાંધનાર ધાર્મિક ગુરુ જ નહીં પરંતુ તમારા જીવનમાં, વ્યકિતત્વમાં કે સ્વભાવમાં કશુંક સારું ઉમેરનાર વ્યકિત… જેમના દ્વારા તમારા જીવનમાં કશોક ઝબકાર થાય છે, લાગણીનું કે સત્યનું રીઅલાઇઝેશન થાય છે કે પછી તમે એના દ્વારા વ્યવહારની કે અન્ય કોઇ જીવનની બાબત શીખો છો. શીખવું એ વ્યકિતની જીવંત હોવાની નિશાની છે અને આપણને માત્ર આપણાં અનુભવો કે પુસ્તકનું જ્ઞાન જ કશું શીખવતાં નથી પરંતુ તમારી આજુબાજુનાં નાનાં – મોટાં લોકો પણ કંઇક શીખવે છે. એ ઘરનું બાળક પણ હોઈ શકે કે આપણા ઘરે કામ કરતી કોઇ બાઇ પણ હોઈ શકે. ખૂબ જ વિકટ સ્થિતિ હોવા છતાં મળેલા પૈસા પાછા આપનાર વ્યકિત પણ ગુરુના સ્થાને બિરાજી શકે. સ્કૂલમાં એક ફૂટ મારીને જીવનના મહત્ત્વના પાઠ સમજાવનાર શિક્ષકનું સ્થાન કોઇ આધ્યાત્મિક શિક્ષકથી ઓછું ન હોઈ શકે.
પરંતુ આપણી કરુણતા એ છે કે વેશધારી, સંસાર છોડીને ભગવાનને શોધનાર કે પ્રવચનકાર વ્યકિતને જ ગુરુ ગણીએ છીએ… આવી વ્યકિતનાં જીવનમાં ગમે તેટલાં છીંડાં હોય તો એને નજરઅંદાજ કરવાનું આપણને ફાવે છે. ગુરુ પ્રત્યેનો પ્રેમ અને અહોભાવ કયારે આંધળી ભકિતમાં પરિવર્તિત થાય એની આપણને ખબર પડતી નથી. તેથી જ અનેક લોકો ગુરુના વેશની આડમાં પોતાની પાપલીલા આચરતા રહે છે. એમની સામે મૌન રહેવું એ પણ એક જાતનો અપરાધ છે અને આવા ગુરુઓ આપણાં ધર્મ અને સંસ્કૃતિને બદનામ કરતાં રહે છે. એનાથી બચતાં રહેવું, એમને ઉઘાડા પાડી ધર્મને બચાવવો એ પણ આપણી ફરજ છે.
જો કે નવી પેઢી જ્ઞાન માટે આવા ગુરુઓની ઓશિયાળી નથી. એક વર્ગ તો પોતાનાં દિલનો દીવો ખુદ થવા ઇચ્છે છે. એમને ગુરુની આંગળી પકડીને ચાલવા કરતાં ઠોકર ખાઇને શીખવામાં વધુ રસ છે, બીજો એક વર્ગ જેને જ્ઞાનમાં રસ છે તે વાંચન દ્વારા પોતાને જોઇતો અર્ક મેળવી લે છે અને ત્રીજો વર્ગ ગુગલબાબાને ગુરુ માની પોતાના દરેક સોલ્યુશનનો ઉકેલ મેળવે છે. ડિપ્રેશન – રીલેશન, ફેશન કે રીસેશન એ તમામનાં ઉકેલ ગુરુ ગુગલ પાસે મેળવે છે. છતાં આપણે ત્યાં ગુરુ પરંપરાનો અનોખો મહિમા છે અને દરેક પાસે પોતાનો રસ્તો જાતે શોધવાની ત્રેવડ નથી. અનેક લોકોને આવા ગુરુનાં ઉપદેશ, પ્રવચન જીવનમાં શાંતિ આપે છે. જો કોઈકને એક સાચા અને જેન્યુઈન ગુરુ મળી જાય તો એ સાચો રસ્તો બતાવી તમારો જીવનરાહ સરળ પણ બનાવે છે. સો, લાંબી કડાકૂટમાં પડયા વિના, ઝાઝું પિષ્ટપેષણ કર્યા વિના જે લોકોએ જીવનમાં આપણને કશુંક આપ્યું છે, શીખવ્યું છે, સાચો રસ્તો બતાવ્યો છે એનો દિલથી આભાર માનીએ. હેપ્પી ગુરુપૂર્ણિમા… – સંપાદક