ઘેજ: ચીખલી પોલીસ મથકમાં (Chikhli Police Station) બે આદિવાસી યુવાનોના શંકાસ્પદ મોતના બનાવમાં આખરે પી.આઇ. એ.આર. વાળાને સસ્પેન્ડ (Suspend) કરી દેવામાં આવ્યા છે. જોકે બંને યુવાનોને ઢોર માર મારતા મોત (Death) નીપજતા એક જ પંખા પર લટકાવી દેવાયા હોવાની પણ ચર્ચા ઊઠી છે. ત્યારે પીઆઇ સહિતના જવાબદારો સામે ફરજ મોકુફીથી સંતોષ માનવાના સ્થાને હત્યાનો ગુનો નોંધવામાં આવે તેવી માંગ ઊઠી છે.
ચીખલી પોલીસ મથકમાં ૨૧મીના બુધવારના રોજ મોટર સાયકલ ચોરીના શંકમંદો તરીકે લાવેલા સુનિલ સુરેશભાઇ પવાર (ઉ.૧૯ રહે. દોડીપાડા, વઘઇ) તથા રવિ સુરેશભાઇ જાદવ (ઉ.૧૯ રહે, વઘઇ, નાકા ફળિયા) કોમ્પ્યુટર રૂમમાં ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા. ગંભીર બનાવમાં શરૂઆતથી જ પોલીસે ચામડી બચાવવા ધમપછાડા કર્યા હતા અને બનાવના ચોવીસ કલાક કરતા વધુ સમય વીત્યા બાદ એક પીએસઆઇ, બે કોન્સ્ટેબલ સહિત ત્રણને ફરજ મોકુફ કરાયા હતા અને મુખ્ય જવાબદાર પીઆઇ વાળા સામે કોઇ કાર્યવાહી નહી કરી પીઆઇને બચાવવાના ફિરાકમાં પોલીસ અધિકારી હોય તેમ જણાતું હતું.
બીજી તરફ વાળા સામે કાર્યવાહી નહીં થતા લોકોમાં રોષ વધી રહ્યો હતો. આ દરમ્યાન સાંસદ અને પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ, ધારાસભ્ય નરેશ પટેલ સહિતનાનું ધ્યાન દોરવામાં આવતા સી.આર. પાટીલની દરમ્યાનગીરી અને અખબારી અહેવાલમાં પણ પોલીસની કામગીરી સામે માછલા ધોવાતા આખરે પીઆઇ વાળાની પહેલા બદલી અને બાદમાં ફરજ મોકુફનો જિલ્લા પોલીસ વડા દ્વારા હુકમ કરવામાં આવ્યો છે. પી.આઇ. વાળાને સસ્પેન્ડ કરાતા પોલીસ બેડામાં પણ ખુશી ફેલાઇ જવા પામી હતી.
યુવાનને ત્રણ-ત્રણ દિવસ સુધી ગોંધી રાખી પોલીસ ચોપડે બતાવ્યો નહીં
જોકે મરનાર યુવાન પૈકી રવિ જાદવને તો ૧૮ જુલાઇના રોજ જ પોલીસે ચીખલીમાંથી શંકમંદ તરીકે અટક કરી હતી. ત્યારબાદ પીઆઇની સૂચનાથી પીએસઆઇ કોંકણી સહિતના સ્ટાફે સુનિલ પવારની વઘઇથી ધરપકડ કરી હતી. એકની તો ત્રણ દિવસ પહેલા ધરપકડ કરી હતી તો પોલીસ ચોપડે ન ચઢાવી ત્રણ-ત્રણ દિવસ સુધી ગોંધી રાખવા પાછળનું કારણ શું? સ્ટેશન ડાયરીમાં પણ ચેડા કરાયા હોવાનું કહેવાય છે. અને બંને યુવાનોને ઢોર માર મારતા મોત નીપજ્યા બાદ એક જ પંખા સાથે લટકાવી દેવાયા હોવાની પણ ચર્ચા ઊઠી છે. ત્યારે સમગ્ર બનાવમાં નિષ્પક્ષ તપાસ થાય અને દોષિત પોલીસ અધિકારીઓ સામે હત્યાનો ગુનો નોંધવામાં આવે તેવી માંગ ઊઠી છે.
જવાબદાર પોલીસ અધિકારીઓ સામે માનવ હત્યાનો ગુનો દાખલ કરવામાં આવે : ધારાસભ્ય અનંત પટેલ
ચીખલી પોલીસ મથકમાં બે યુવાનોના શંકાસ્પદ મોતના મામલે ધારાસભ્ય અનંત પટેલ, રાજ્યસભાના માજી સાંસદ કાનજીભાઇ પટેલ, તાલુકા કોંગ્રેસના પ્રમુખ શૈલેષ પટેલ, ડો. અનિલ પટેલ, ભીખુ ગરાસિયા સહિતનાઓ દ્વારા જિલ્લા પોલીસ વડા અને જિલ્લા કલેક્ટરની મુલાકાત લઇ રજૂઆત કરી હતી. ધારાસભ્ય અનંત પટેલે જણાવ્યું હતું કે વઘઇના બે યુવાનોના ચીખલી પોલીસ મથકમાં અપમૃત્યુના કારણે આદિવાસી સમાજમાં આક્રોશ છે. પોલીસના જવાબદાર અધિકારીઓ સામે માનવ હત્યાનો ગુનો દાખલ કરવામાં આવે અને એટ્રોસિટી એક્ટ લગાવીને પગલા લેવામાં આવે. અને આ મુદ્દે જો ભીનું સંકેલવામાં આવશે તો આંદોલન કરતા પણ અચકાઇશું નહિ તેવી પણ ચીમકી ઉચ્ચારી હતી.
કોઇ કેસ કે ફરિયાદ વિના બે-ત્રણ દિવસ ટોર્ચર કરી માર મારી ભુખ્યા રાખી માનવ અધિકારનો ભંગ કરાયો : બી.ટી.ટી.એસ.
ભારતીય ટ્રાયબલ ટાયગર સેનાના પ્રદેશ મહામંત્રી પંકજ પટેલ, જિલ્લાના પ્રમુખ પંકજ સી. પટેલ, તાલુકાના પ્રકાશ પટેલ સહિતનાઓએ મામલતદાર પ્રિયંકા પટેલને પાઠવેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે વઘઇના બંને યુવાનોની ધરપકડ કરી કોઇ પણ કેસ કે ફરિયાદ વિના બે-ત્રણ દિવસ ટોર્ચર કરી માર મારી ભુખ્યા રાખી માનવ અધિકારનો ભંગ કરાયો છે. જેથી અમને શંકા છે કે આ બંને યુવાનોને ગેરકાયદે અટકાયત કરી પોલીસ કસ્ટડીમાં ગેરકાયદે રાખી બુધવારે એક જ પંખા ઉપર લટકાવી દઇ શંકાસ્પદ હત્યા કરવામાં આવી છે. જે અંગે કોઇ ફરિયાદ નોંધાઇ નથી. બંને યુવાનોના પરિવારને એક કરોડનું વળતર આપવાની માગ 3 દિવસમાં નહીં સંતોષાઇ તો ગુજરાત હાઇકોર્ટમાં રીટ પીટીશન દાખલ કરવાની પણ ચીમકી ઉચ્ચારાઇ છે.
બનાવની રાત્રે વીજળી ડૂલ થતા પોલીસની ગતિવિધિ કેમેરામાં કેદ થઇ નથી
ચીખલી પોલીસ મથકના સીસી ટીવી કેમેરાનું ડીવીઆર સહિતનો સામાન કબજે લેવાયો છે. જોકે બનાવની રાત્રે બે વાગ્યાથી સવારે આઠ વાગ્યા સુધી વીજળી ડૂલ હતી, ત્યારે પોલીસની કોઇ ગતિવિધિ કેમેરામાં કેદ થઇ હોય તેમ લાગતુ નથી. પરંતુ ખરેખર શંકમંદ યુવાનોને કયા દિવસે કયા પોલીસ કર્મી દ્વારા લાવવામાં આવ્યા તે કેદ થયું હોવાની શક્યતા છે.
તપાસ ચીખલી કોર્ટના ન્યાયધીશને સોંપવામાં આવી
ચીખલી પોલીસ મથકમાં બે આદિવાસી યુવાનોના શંકાસ્પદ મોતને મામલે જિલ્લાના મુખ્ય ન્યાયાધીશ દ્વારા ચીખલીની મુખ્ય કોર્ટના ન્યાયધીશને તપાસ સોંપવામાં આવી છે. ઉપરોક્ત કસ્ટડીયલ ડેથના મામલે કયા કારણોસર મોત થયું તે સહિતની તપાસ કરી બંધ કવરમાં અહેવાલ સુપ્રત કરવા જણાવાયું છે.