Charchapatra

વધી રહેલા કોવિડ-૧૯ ના કેસો છતાં ટોકિયો ઓલિમ્પિક્સ કેમ રદ કરવામાં નથી આવતી?

ભારતમાં રમાનારી આઇપીએલ કોરોનાના ડરથી રદ થઈ ગઈ અને ઉત્તર ભારતમાં યોજાનારી કાવડયાત્રા પણ રદ થઈ ગઈ; તો પણ ટોકિયોમાં શુક્રવારથી શરૂ થયેલી ઓલિમ્પિક્સ રદ કરવામાં આવી નથી. આ રમતોમાં ભાગ લેનારા તમામ ખેલાડીઓ માટે વેક્સિન ફરજીયાત બનાવવામાં આવી છે. તો પણ અત્યાર સુધી ૭૫ ખેલાડીઓ કોરોના પોઝિટિવ જાહેર થઈ ચૂક્યા છે. એક ઓનલાઇન પિટીશનમાં આશરે ૪.૫૮ લાખ લોકોએ ઓલિમ્પિક્સ કેન્સલ કરવાની માગણી કરી હતી. ટોકિયો મેડિકલ પ્રેક્ટિશનર્સ એસોસિયેશનના આશરે ૬,૦૦૦ ડોક્ટરોએ જપાન સરકાર પર પત્ર લખીને રમતો રદ કરવાની માગણી કરી હતી. જપાનના અસાહી શિમ્બુન નામના મોટા ગજાના અખબારે જનમત લીધો તેમાં ૬૨ ટકા લોકોએ રમતો રદ કરવાની માગણી કરી હતી. તો પણ ઇન્ટરનેશનલ ઓલિમ્પિક્સ કમિટિ (IOC) રમતો રદ કરવા તૈયાર નથી; કારણ કે જો ઓલિમ્પક્સ રદ કરવામાં આવે તો ૧૫.૪ અબજ ડોલરનું નુકસાન જાય તેમ છે. જો રમતો રદ કરવામાં આવે તો IOC ને ચાર અબજ ડોલરનું રિફન્ડ આપવું પડે છે. માટે રમતો રદ કરવામાં આવતી નથી.

ટોકિયોની રમતો મૂળભૂત રીતે ૨૦૨૦ ના જુલાઈમાં યોજાવાની હતી; પણ કોવિડ-૧૯ ને કારણે મોકૂફ રાખવામાં આવી હતી. જો હવે રમતો યોજવામાં ન આવે તો તેને કાયમ માટે કેન્સલ કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. ટોકિયોની રમતો ખાલી સ્ટેડિયમોમાં રમાવાની છે. દર્શકો માત્ર તેનું લાઈવ ટેલિકાસ્ટ જ જોઈ શકવાના છે. જો કે તેમાં ૧૧,૫૦૦ રમતવીરો અને બીજા ૭૯,૦૦૦ લોકો અન્ય દેશોમાંથી આવવાના છે.  તેમાં રમતગમત ખાતાંના અધિકારીઓ, અન્ય કર્મચારીઓ અને પત્રકારોનો સમાવેશ થાય છે. તેઓ કોરોના ફેલાવે તેવું જોખમ રહેલું છે. ભારતમાં કોરોનાના પ્રારંભકાળમાં તબલિગી જમાત દ્વારા દિલ્હીમાં મેળાવડો રાખવામાં આવ્યો તેના આયોજકો પર કેસો કરવામાં આવ્યા હતા; પણ ટોકિયો ઓલિમ્પિક્સ ચાલુ જ રહેશે.

ટોકિયોની રમતગમતોને ઇતિહાસની સૌથી ખર્ચાળ ગણવામાં આવે છે. તેને એક વર્ષ માટે મુલતવી રાખવાને કારણે પણ તેનું બજેટ વધી ગયું છે. આયોજકોના જણાવ્યા પ્રમાણે તેમણે ઓલિમ્પિક્સ પાછળ અત્યાર સુધીમાં ૧૫.૪ અબજ ડોલરનો ખર્ચો કર્યો છે. જો રમતો કેન્સલ કરવામાં આવે તો આ બધા ડોલર પાણીમાં જાય તેમ છે. IOC એ ગેમના સ્પોન્સરો પાસેથી મોટી રકમ એડવાન્સ તરીકે લઈ લીધી છે. વળી તેના ટી.વી.ના અધિકારો પણ વેચવામાં આવ્યા છે. જો રમતગમતો રદ થાય તો તેના પેટે લીધેલા ચાર અબજ ડોલરનું રિફન્ડ આપવું પડે તેમ છે. જો રમતોમાં પ્રેક્ષકોને છૂટ આપવામાં આવી હોત તો આશરે એક અબજ ડોલરની કમાણી ટિકિટોના વેચાણમાંથી થઈ હોત. તે કમાણી તો જતી કરવાનો નિર્ણય લઈ લેવામાં આવ્યો હતો.

જપાનના બહુમતી લોકો અને ડોક્ટરો રમતો મોકૂફ રાખવાની કે કેન્સલ કરવાની તરફેણમાં છે, પણ જપાનના વડા પ્રધાન યોશીહિડે સુગાએ તેને પ્રતિષ્ઠાનો મુદ્દો બનાવી દીધો છે. જો તેઓ સફળતાથી રમતોનું આયોજન કરી શકે તો તેમની ખ્યાતિ આંતરરાષ્ટ્રીય સ્તરે વધી જાય તેમ છે. જપાનમાં સપ્ટેમ્બર મહિનામાં ચૂંટણી આવી રહી છે. જો યોશીહિડે રમતો યોજવામાં નિષ્ફળ જાય તો તેમની છાપ નબળા નેતા તરીકે પડે તેમ છે. આ કારણે તેઓ જપાનમાં વધી રહેલા કોરોનાના કેસોની ઉપેક્ષા કરીને પણ ઓલિમ્પિક્સ રમતો યોજવા તત્પર બન્યા છે. જપાને રમતોમાં મકાનોનાં બાંધકામ પાછળ અબજો ડોલરનું આંધણ કર્યું છે. જો રમતો કેન્સલ થાય તો તે નકામું જાય તેમ છે.

જપાન સરકાર ઓલિમ્પિક્સ યોજવા આટલી બધી આતુર છે તેનું કારણ તેની ચીન સાથેની હરીફાઈ પણ છે. દર ચાર વર્ષે સમર ઓલિમ્પિક્સ રમાતી હોય છે, જેના બે વર્ષ પછી વિન્ટર ઓલિમ્પિક્સ રમાતી હોય છે. સમર ઓલિમ્પિક્સ ૨૦૨૦ માં જપાનમાં યોજાવાની હતી તે મુજબ ૨૦૨૨ માં ચીનમાં વિન્ટર ઓલિમ્પિક્સ યોજાવાની છે. જપાને ૨૦૨૦ ની રમતો મોકૂફ રાખી; પણ ચીન ૨૦૨૨ ની રમતો મોકૂફ રાખવા તૈયાર નથી.

ચીને ૨૦૨૨ ની વિન્ટર રમતો યોજવાની તમામ તૈયારી કરી રાખી છે. જો જપાન રમતો મોકૂફ રાખવા માગતું હોય તો પણ રાખી શકે તેમ નથી; કારણ કે ૨૦૨૨ માં ચીનમાં શિયાળુ રમતો યોજાવાની છે. જો જપાન રમતો યોજવામાં નિષ્ફળ જાય અને ચીન સફળતાપૂર્વક રમતો યોજી જાય તો પણ જપાનની બદનામી થાય તેમ છે. આ કારણે દુનિયાભરમાં કોરોનાનો ફેલાવો થવાનો ખતરો ઉપાડીને પણ જપાન રમતો યોજવા તૈયાર થયું છે. નવાઇની વાત એ છે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા તેને રોકવામાં આવ્યું નથી.

જે ખેલાડીઓ અને બીજા લોકો ઓલિમ્પિક્સમાં ભાગ લેવા જપાન જાય છે તેમની સાથે ભારે કડકાઈ દેખાડવામાં આવે છે. તેઓ પોતાના દેશમાંથી રવાના થાય તે પહેલાં તેમણે વેક્સિન લેવાની હોય છે. વળી રવાના થતાં પહેલાં તેમણે સતત સાત દિવસ સુધી કોરોનાનું પરીક્ષણ જપાન સરકારે માન્ય કરેલાં કેન્દ્રોમાં કરાવવાનું હોય છે. જો તેઓ સતત નેગેટિવ આવે તો જ તેમને જપાન જવાની મંજૂરી આપવામાં આવે છે. તેઓ ફ્લાઇટમાંથી ઊતરે કે તરત જ તેમને ૧૪ દિવસના ફરજિયાત ક્વોરન્ટાઇનમાં લઈ જવામાં આવે છે. ત્યાં તેમનું પ્રતિદિન ચેકિંગ કરવામાં આવે છે. જો તેઓ પોઝિટિવ આવે તો તેમને આઇસોલેશનમાં નાખી દેવામાં આવે છે. આટલી તકેદારી રાખ્યા પછી પણ ઓલિમ્પિક્સમાં ભાગ લેવા આવેલા ૭૫ સભ્યો પોઝિટિવ આવ્યા છે. તેનો અર્થ એટલો જ કરી શકાય કે વેક્સિનના બે ડોઝ પણ કોરોના સામે રક્ષણ આપવામાં નિષ્ફળ જાય છે.

ટોકિયોની રમતો દરેક દેશનાં રમતગમત સંગઠનો માટે જરૂરી છે. આ સંગઠનોને રમતોની તૈયારી કરવા માટે IOC તરફથી આશરે ૫૪.૯ કરોડ ડોલર આપવામાં આવ્યા છે. આ રકમનો ઉપયોગ ખેલાડીઓને તાલીમ આપવા માટે કરવામાં આવ્યો હતો. વળી જો સફળતાપૂર્વક રમતોનું આયોજન કરવામાં આવે તો દરેક દેશનાં રમતગમત સંગઠનોને ઇનામો અને પ્રોત્સાહનોના રૂપમાં કરોડો ડોલરનો ફાયદો થાય છે.

કોરોનાને કારણે મરવા પડેલાં સંગઠનો માટે આ રકમ સંજીવનીની ગરજ સારે તેવી છે. જો રમતો રદ કરવામાં આવે તો તેમને આર્થિક નુકસાન જાય તેમ છે. જપાનની સરકાર રમતો યોજવા કટિબદ્ધ છે, પણ તેવા સંયોગોમાં રમતો બંધ રાખવાની તૈયારી પણ તેણે રાખી છે. જો રમતો બંધ રાખવાની હોય તો તેનો નિર્ણય IOC જ લઈ શકે છે. જો જપાન સરકાર રમતો બંધ રાખવાનો નિર્ણય કરે તો તેણે IOC ને જંગી રકમ ચૂકવવાની તૈયારી રાખવી પડશે.

ઓલિમ્પિક્સની રમતો કોવિડ-૧૯ બાબતમાં આપણી સરકારના અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનનાં બેવડાં ધોરણોની સાક્ષી પૂરે છે. ભારતમાં જો કોઈ પણ લગ્નસમારંભ ક્રિકેટના મેદાનમાં પણ યોજવો હોય તો ૨૦૦ મહેમાનોથી વધુની છૂટ આપવામાં આવતી નથી. ધાર્મિક કાર્યક્રમમાં પણ ગમે તેટલો મોટો મંડપ હોય તો પણ ૨૦૦ થી વધુ લોકોને ભાગ લેવાની છૂટ આપવામાં આવતી નથી. પરંતુ ઓલિમ્પિક્સની રમતોમાં દેશવિદેશનાં ૯૦,૦૦૦ થી વધુ લોકો ભેગાં થશે અને હળશે-મળશે તો પણ કોઈને ચેપ લાગવાનો ખતરો નથી કે તે ખતરાની ચિંતા નથી. કોરોના વાયરસ સમજદાર છે કે ઓલિમ્પિક્સમાં ભાગ લેનારને હેરાન નથી કરવાનો? -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top