Charchapatra

કાયમી સમસ્યા

તા.૧૭ જુલાઇ ૨૦૨૧ ના ‘ગુજરાતમિત્ર’ના છેલ્લે પાને ‘ ચોમાસું બેસતાં જ સુરતના રસ્તા ચંદ્ર જેવા થઈ ગયા ‘ તેવું લખાણ ફોટા સાથે પ્રકાશિત થયું છે. શહેરની સમસ્યાઓને ‘ગુજરાતમિત્ર’ અવારનવાર વાચા આપતું રહે છે. જ્યાં સુધી ખાબડખુબડ રસ્તાઓને લાગેવળગે છે ત્યાં સુધી આ કાયમની સમસ્યા છે. જે કોન્ટ્રેક્ટરે રસ્તો બનાવ્યો હોય તેની સામે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોઈ પણ પ્રકારનાં પગલાં લેવાયાં કે કેમ તે જાણવામાં આવતું નથી.

આજે રસ્તો બને અને બીજે દિવસે તે રસ્તા પર ખાડા પડી જાય તેવું ઘણા કિસ્સાઓમાં બને છે. તો આ તો પ્રજાના પૈસાનો નર્યો બગાડ છે. પ્રજા જે ટેક્ષની રકમ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનને ચૂકવે છે તેમાંથી જ આ ખર્ચ કરવામાં આવે છે. કોન્ટ્રેક્ટર એવું તે કેવું તકલાદી કામ કરાવે કે બનાવેલો રસ્તો બીજે જ દિવસે કે થોડા દિવસમાં જ તૂટી જાય અને પ્રજાએ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે? નહીં વિચારવું હોય તો ય એવા વિચાર આવી જાય કે બધું મિલીભગતથી ચાલે છે.

જ્યાં સુધી આવી બેદરકારી દાખવનાર કોન્ટ્રેક્ટરો સામે સખતમાં સખત કાર્યવાહી કરવામાં ન આવે ત્યાં સુધી આવું જ ચાલ્યા કરશે અને પ્રજાએ કાયમી ધોરણે હેરાનગતિઓનો સામનો કર્યા જ કરવો પડશે એવું નથી લાગતું? આશા રાખીએ કે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના લાગતાવળગતા અધિકારીઓનું ધ્યાન આ અને આવી પ્રજાને અસર કરતી ગંભીર સમસ્યાઓ તરફ જાય અને ભવિષ્યમાં આવી બાબતોનું પુનરાવર્તન ન થાય તે માટે કાળજી લેવાશે અને તેમ થશે તો આ શહેરની પ્રજાની બહુ મોટી સેવા કરેલી ગણાશે તેમાં બેમત ન હોઈ શકે. સુરત     – સુરેન્દ્ર દલાલ -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top