Vadodara

અરજી કરનાર વિદ્યાર્થીઓને જ ડીગ્રી અને સર્ટિફિકેટ અપાયાં

વડોદરા: કોરોના મહામારીને પગલે એમ.એસ.યુનિ. દ્વારા ગત વર્ષ ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓને કોન્વોકેશન ઓનલાઈન યોજવામાં આવ્યું હતું. ત્યારબાદ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર દ્વારા ગોલ્ડમેડલ વિજેતા વિદ્યાર્થીઓને વાલી સાથે બોલાવીને યુનિ. કચેરીમાં આપવાનું જાહેર કરવામાં આવ્યુ હતું ત્યારે જે વિદ્યાર્થીઓને વિવિધ અભ્યાસ માટે વિદેશ જવુ હોય તેવા વિદ્યાર્થીઓએ અરજી કરી હતી. તેમને ગુરૂવારે ડીગ્રી સર્ટીફીકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. યુનિ. હેડ ઓફિસ ખાતે સર્ટિફિકેટ લેવા આવતા  વિદ્યાર્થીઓની કતારો જોવા મળી હતી.

યુનિવર્સિટીમાં ગત વર્ષ ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓને ડીગ્રી સર્ટીફીકેટ હજી સુધી કોરોના સંક્રમણને પગલે આપવામાં આવ્યા નથી. તેથી વિદેશ અભ્યાસ માટે જવા ઈચ્છતા 175 જેટલા વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીને અરજી કરીને ડીગ્રી સર્ટીફીકેટ મેળવવા અરજી કરી હતી. ત્યારે સત્તાધિશો દ્વારા તમામને ડીગ્રી સર્ટીફીકેટ લેવા માટે બોલાવવામાં આવ્યા હતા. છોકરાઓ તેમજ છોકરીઓને અલગ અલગ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. કુલ 175 વિદ્યાર્થીઓને ડીગ્રી સર્ટીફીકેટ આપવામાં આવ્યા હતા.

યુનિ.ના પીઆરઓ લકુલિશ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, કોરોના સંક્રમણને પગલે યુનિવર્સિટી દ્વારા ડીગ્રી સર્ટીફીકેટ આપવાની જવાબદારી દરેક ફેકલ્ટીને અને કોલેજોને સોંપવામાં આવી છે. તેમજ આગામી દિવસોમાં જે તે ફેકલ્ટી દ્વારા આ અંગેની જાણ વિદ્યાર્થીઓને કરવામાં આવશે તેની વિદ્યાર્થીઓએ યુનિ. કચેરી ખાતે ડીગ્રી સર્ટીફીકેટ લેવા માટે આવવું નહીં. દરેક ફેકલ્ટી દ્વારા ડીગ્રીધારક વિદ્યાર્થીઓને સમય અને તારીખની જાણ કરાશે તે મુજબ જ વિદ્યાર્થીઓએ ડીગ્રી સર્ટીફીકેટ આવીને મેળવી લેવા.

Most Popular

To Top