વડોદરા: ભારતીય સંસ્કૃતિમાં ચાતુર્માસનો આગવો મહિમા છે અને ચાતુર્માસ દરમિયાન ભગવાન નિજગૃહમાં આરામ ફરમાવે છે. તેમજ કોઈને દર્શન આપતા નથી તેથી દેવપોઢી એકાદશી કહેવામાં આવે છે. દેવપોઢી એકાદશીને દિવસે ભગવાન વિઠ્ઠલનાથજીની શોભાયાત્રા નીકળે છે. નિજગૃહમાં આરામ ફરમાવતા પહેલા ભકતોને અંતિમ દર્શન આપવા માટે નીકળે છે વર્ષોથી આ પરંપરા ચાલતી આવી છે.
દેવસ્થાન ટ્રસ્ટ સંચાલિત વિઠ્ઠલનાથજી સવારી વાજતે ગાજતે નીકળે છે. આ વર્ષ 212 મી રથયાત્રા નીકળશે. જે મંિદરના પરિસરમાં જ ફરશે. ત્યારબાદ વિઠ્ઠલનાથજી નિજગૃહમાં ચાર માસ માટે આરામ ફરમાવશે. વડોદરાના રાજવી પરિવાર સંચાલિત દેવસ્થાન ટ્રસ્ટના વિઠ્ઠલનાથજી મંદિરમાં દર વર્ષ પરંપરાગતરીતે શ્રીહરિ અર્થાત ભગવાન વિઠ્ઠલનાથજીની શોભાયાત્રા નીકળે છે. આ વર્ષ કોરોના સંક્રમણને પગલે શ્રી વિઠ્ઠલનાથજીની શોભાયાત્રા નહીં કાઢવાનો સંચાલકો દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે ત્યારે સોમવારે મુખ્ય પૂજારીએ ભગવાન જે રથમાં િબરાજે છે તે ચાંદીના રથની સાફસફાઈ કરીને મંિદરના પરિસરમાં જ રથયાત્રા કાઢવા માટેની તૈયારીઓનો આરંભ કર્યો હતો.
ભગવાનનો ચાંદીનો રથ તેમજ પાલખીની સાફસફાઈ કરવામાં આવી હતી. ઉપરાંત ચાંદીના રથ અને પાલખીને સાજ શણગાર સુશોભન કરીને સજાવવામાં આવ્યા હતા. દેવપોઢી એકાદશીને દિવસે ઢોલનારા શરણાઈના સૂરોની સાથે રાજવી પરિવાર દ્વારા પૂજા અર્ચના કરવામાં આવ્યા બાદ મંદિરના પરિસરમાં જ ભગવાન વિઠ્ઠલનાથજીની શોભાયાત્રા નીકળશે. જેમાં કોવિડ ગાઈડલાઈન પાલન કરાવવામાં આવશે. આમંત્રિતો અને મંિદરના પૂજારી સિવાય કોઈને પણ પ્રવેશ આપવામાં નહીં આવે. હાલ કોરોનાનું સંક્રમણ ઘટી રહયું છે. પરંતુ તે વધે નહીં તે માટે મંદિરના મુખ્ય પૂજારી દ્વારા મંિદરના પરિસરમાં જ શોભાયાત્રા નીકળશે તેમ જણાવાયું છે.