Business

કહાની બકરી ઈદ કી

આ અઠવાડિયે, તારીખ ૨૧ જુલાઈના રોજ, મુસ્લિમ આલમ બકરી ઈદનું પર્વ મનાવશે. ઈશ્વર પરની અનન્ય દ્ર્ઢ શ્રધ્ધા અને બલિદાની યાદમાં આ પર્વ ઉજવવામાં આવે છે. આ પ્રસંગે આ પર્વના પ્રારંભની કહાની અત્રે પ્રસ્તુત છે. વર્ષો પુરાણી, પ્રાચીનકાળની આ કહાની છે. તે વખતના બાબીલ અને હાલના ઈરાક દેશના ઉર નામ શહેરમાં તેરા નામના ઈસમને ત્યાં તેની સીત્તેર વર્ષની ઉંમરે એક પુત્રનો જન્મ થયો. એનું નામ પાડ્યું ઈબ્રાહિમ. બાઈબલમાં એને અબ્રાહામ તરીકે ઓળખવામાં આવે છે.

અત્રે સ્પષ્ટતા કરી લઉં કે એ જમાનામાં ઈરાક, ઈઝરાયલ જેવા દેશોમાં કોઈ ધર્મ હતો નહીં પણ લોકોમાં ઈશ્વર પ્રત્યેની અપાર શ્રદ્ધા હતી. પેઢીઓની પેઢીઓ સુધી લોકો સંયુક્ત કુટુંબમાં રહેતા એટલે કે એક પરિવારના અગણિત સભ્યો એક જ સંયુક્ત પરિવારમાં રહેતા અને પરિવારના સર્વોચ્ચ પુરુષ તેની માન્યતા મુજબ ધાર્મિક વિધિઓ, બલિદાનો, ઉપાસના વગેરે કરાવતા. પાછળથી પયગંબર મોઝીસે ઈશ્વરની પ્રેરણાથી સંગઠિત ઘર્મ બનાવ્યો, તે એકેશ્વરવાદી હતો. મોઝીસે દશ આજ્ઞાઓ આપી જે તેને ઈશ્વરે રુબરુમાં આપી હતી. આ દશ આજ્ઞાને કેન્દ્રમાં રાખીને ધાર્મિક વિધિ-વિધાનો અને સામાજિક આચાર સંહિતા બનાવી તેનો યહુદી ધર્મ કહેવાયો.

ધીમે ધીમે તેમાં દુષણો પ્રવેશ્યાં અને હજારો વર્ષો બાદ ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો. એમણે ધર્મ સુધારણાનું બીડું ઝડપ્યું અને શહાદત વહોરી. એમના શિક્ષણને અનુસરનાર એક મોટો વર્ગ ઉભો થયો અને ખ્રિસ્તી ધર્મ અસ્તિત્વમાં આવ્યો. આ ધર્મએ યહુદી ધર્મના નીતિ નિયમોનો સંપૂર્ણ નાશ કર્યો નહીં પણ સુયોગ્ય નિયમો યથાવત રાખ્યા અને અગાઉના પયગંબરો અને મહાપુરુષોનું આદરમાન ચાલું રાખ્યું.  માત્ર ધર્મમાં વ્યાપેલ સડો દૂર કરવા પર ખાસ લક્ષ આપવામાં આવ્યું. ત્યાર બાદ લગભગ પંદરસો વર્ષ બાદ તેમાં ફાંટા પડ્યા અને ઈસ્લામ ધર્મ અસ્તિત્વમાં આવ્યો.

આ ધર્મએ પણ અગાઉના પયગંબરો અને મહાપુરુષોનું આદરમાન ચાલું રાખ્યું તેમજ તેમના આદર્શોનું અનુકરણ કરવાનું ચાલું રાખ્યું. આ પૈકીના  અબ્રાહમ આ ત્રણે ધર્મો અસ્તિત્વમાં આવ્યા તે પહેલાંના પયગંબરો પૈકીના એક છે. અને આ ત્રણેય ધર્મોના આદરણીય પયગંબર છે. તેમને આદ્યપિતા પણ કહેવામાં આવે છે. તે ઈશ્વર/આલ્લા સાથે ખુબ નિકટનો સંબંધ ધરાવતા હતા અને ઈશ્વર સાથે સીધો સંવાદ કરતા હતા. આટલી ભૂમિકા પછી હવે મૂળ વાત પર આવીએ.

ઈબ્રાહિમ ઉર્ફે અબ્રહામને ઈશ્વરે તેની જન્મભુમિ, સગાંવહાલાં, ઘરબાર વગેરે છોડીને તે બતાવે તે ભૂમિમાં ચાલ્યા જવા આહ્વાન કર્યું અને વચન આપ્યું કે, ‘તારામાંથી એક મહાન પ્રજા ઉત્પન્ન કરીશ અને તારાં કારણે ધરતી ઉપરની બધી પ્રજાઓ આશિર્વાદ પામશે’. એટલે ઈબ્રહિમ તેના અને તેના ભત્રીજા લોટના  કુટુંબ- કબીલા અને વિશાળ સંખ્યામાં પશુધન સાથે આ ભૂમિમાં પહોંચી ગયો. આ ભૂમિ એટલે કનાનની ભૂમી, હાલનું ઈઝરાયલ. જો કે ઈબ્રાહિમ બધી રીતે સંપન્ન અને સંતુષ્ટ હતો પણ તેને પોતીકું સંતાન ન હતું.

વારસદારની ખોટની તેને ઊંડી વેદના હતી, પણ પછી એને એક દિવ્યદર્શનમા પ્રભુની વાણી સંભળાઈ, ‘ડરીશ નહિ, ઈબ્રાહિમ, હું તારું રક્ષણ કરીશ’. તને ઘણો મોટો બદલો મળનાર છે.” ત્યારે ઈબ્રહિમ બોલ્યો, ‘હે પ્રભુ, તું મને શું આપશે? હું તો વાંઝિયામહેણાં સાથે જાઉં છું. તેં મને કોઈ સંતાન આપ્યું નથી. એટલે મારા ઘરમાં જ્ન્મેલો કોઈ ગુલામ મારો વારસ થશે’.  પણ પ્રભુએ કહ્યું, ‘નહીં, તારો પોતાનો છોકરો જ તારો વારસ થશે.’ પ્રભુએ તેનું વચન પાળ્યું. તેની પત્ની સારા થકી એને એક પુત્ર આપ્યો. આ પુત્રના જન્મ વખતે ઈબ્રાહિમની ઉંમર સો વર્ષની હતી અને તેની પત્નીની ઉંમર નેવું વર્ષની હતી. ઈબ્રાહિમની ઈશ્વર ઉપર અપાર શ્રદ્ધા હતી; તેનાં શાસ્ત્રોમાં કેટલાંયે ઉદાહરણો છે જે સ્થળ સંકોચને કારણે અત્રે વર્ણવી શકાય તેમ નથી.

છોકરો મોટો થયો એટલે ઈશ્વરે ઈબ્રાહિમની કસોટી કરવા ઈબ્રાહિમને કહ્યું, ‘તારા એકના એક, વ્હાલા દીકરાને લઈને તું મોરિયા પ્રદેશમાં જા અને ત્યાં હું કહું તે ડુંગર ઉપર તેની આહુતિ આપ.’ આથી સવારમાં વહેલા ઊઠી ઈબ્રાહિમે ગધેડા ઉપર જીન નાખ્યું અને બે નોકરો અને પોતાના દિકરાને સાથે લીધા. સાથે યજ્ઞ માટે લાકડાં અને બલિદાન માટેનાં સાધનો લઈને ઈશ્વરે કહ્યું હતું તે જગ્યાએ જવા નીકળ્યો. ત્રીજા દિવસે દૂર ઈશ્વરે કહી હતી એ જગ્યા દેખાઈ એટલે બન્ને નોકરોને કહ્યું, ગધેડા સાથે તમે અહીં રહો. હું અને છોકરો ત્યાં પૂજા કરીને આવીએ છીએ. છોકરાના માથા ઉપર લાકડાં ચઢાવી, પોતે અગ્નિ, યજ્ઞ માટેનાં સાધનો અને છરો લઈને બન્ને સાથે ચાલતાં ઈશ્વરે બતાવેલ જગ્યાએ જવા નીકળ્યા.

છોકરાએ ઈબ્રાહિમને પૂછ્યું, ‘બાપુજી આપણી પાસે અગ્નિ અને લાકડાં તો છે પણ બલિ માટે બકરું ક્યાં છે?’ ઈબ્રાહિમે કહ્યું, ‘બેટા, બલિ માટેનું બકરું તો ઇશ્વર જાતે જ પૂરું પાડશે.’ જ્યારે તેઓ ઈશ્વરે કહેલ જગ્યાએ આવી પહોંચ્યા ત્યારે ઈબ્રાહિમે યજ્ઞ માટે વેદી તૈયાર કરી, તેના ઉપર લાકડાં ગોઠવ્યાં અને પોતાના દિકરાને બાંધીને તેના ઉપર ચડાવી દીધો અને હાથ લંબાવી પોતાના પુત્રનો વધ કરવા છરો ઉગામ્યો; તેજ ક્ષણે તેને ઈશ્વરના દૂત દ્વારા ઈશ્વરી વાણી સંભળાઈ, ‘ઈબ્રાહિમ, છોકરાને ઈજા કરીશ નહીં. હવે મને ખાતરી થઈ છે કે તું ઈશ્વરથી ડરે છે’. આ વખતે ઈબ્રાહિમની નજર ઝાડીમાં શિંગડાં ભરાઈ જવાથી એક ઘેંટું ફસાઈ ગયું હતો તેના પર પડી. ઈબ્રાહિમ એ ઘેટાને લઈ આવ્યો અને પોતાના દિકરાને બદલે તેને બલિ તરીકે ચઢાવ્યો. આ પ્રસંગનું યાદમાં મુસ્લિમ આલમ દર વર્ષે બકરી ઈદનુ પર્વ મનાવે છે.

Most Popular

To Top