Dakshin Gujarat

ભરૂચ-અંકલેશ્વરમાં વરસાદની તોફાની બેટીંગથી વાતાવરણમાં ઠંડક પ્રસરી

ભરૂચ, અંકલેશ્વર: (Bharuch, Ankleshwar) ભરૂચ જીલ્લામાં એક મહિના બાદ આજે મેઘરાજાની (Rain) એન્ટ્રીથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. ભરૂચ જીલ્લામાં આખો દિવસ ઘેરાયેલા વાદળો વચ્ચે ઠેકઠેકાણે વરસાદ પડ્યો હતો. જેમાં ભરૂચ જીલ્લામાં વાગરા તાલુકાને છોડતા રવિવારે સવારે 6થી 4 વાગ્યા સુધીના 10 કલાકમાં સૌથી વધુ અંકલેશ્વર તાલુકામાં 64 મીલીમીટર, આમોદમાં 5 મીમી, ભરૂચ તાલુકામાં 9 મીમી, હાંસોટમાં ૩ મીમી, જંબુસરમાં 9 મીમી, ઇકો પોઈન્ટ નેત્રમાં 57 મીમી, વાલિયામાં 35 મીમી અને ઝઘડીયામાં 11 મીમી વરસાદ પડ્યો હતો. મેઘરાજાનાં આગમનથી વાતાવરણ ઠંડુ બની ગયું હતું. જ્યારે અંકલેશ્વરના ઔદ્યોગિક વિસ્તારમાં (Industrial Area) ધુમાડાને કારણે વીઝીબિલિટી ઓછી થતાં વાહનચાલકોને હેરાન થવું પડ્યું હતું.

અંકલેશ્વરમાં રવિવારની સવારથી દિવસ દરમિયાન વરસાદ વરસ્યો હતો જેના કારણે વાતાવરણમાં ઠંડક (Cold) પ્રસરી ગઈ હતી. વાદળ છાયા વાતાવરણની સાથે મેઘરાજાએ તોફાની બેટીંગ કરી હતી. અંકલેશ્વર પંથકમાં વરસાદી માહોલ જામ્યો હતો, અને રવિવાર સવારે ૧૧ કલાકથી વરસાદે તોફાની મિજાજ બતાવ્યો હતો. પૂર નિયંત્રણ કક્ષમાંથી જાણવા મળ્યા મુજબ રવિવાર સવારના ૧૦ કલાકથી બપોરના ૨ કલાક સુધીમાં ૬૪ એમએમ એટલે અઢી ઇંચ કરતા પણ વધુ વરસાદ ખાબક્યો હતો.

અંકલેશ્વર શહેરનાં નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણીએ જમાવટ કરી હતી, રાહદારીઓ તેમજ વાહન ચાલકોને માર્ગ પરથી પસાર થવું મુશ્કેલ રૂપ બન્યુ હતુ. જ્યારે જીઆઇડીસીના મુખ્ય માર્ગ પર પણ વરસાદી પાણીએ જમાવટ કરી હતી. રવિવારે વહેલી સવારે કાળા ડીબાંગ વાદળો વચ્ચે 10 કલાકમાં ઔધોગિક વસાહત અંકલેશ્વરમાં સૌથી વધારે અઢી ઇંચ વરસાદ મન મુકીને ખાબક્યો હતો. એક મહિના બાદ ભરૂચ જીલ્લામાં માત્ર વાગરાને છોડતા આઠ તાલુકામાં મેઘા એ મહેર કરતા ધરતીપુત્રોને આશા અમર થી હોય એવો અહેસાસ થયો છે.

વિઝીબિલીટી ઓછી થતાં વાહનચાલકોએ લાઈટ ચાલુ કરવી પડી
અંકલેશ્વરમાં વરસાદની ભારે બેટિંગને કારણે પંથકમાં વાહનચાલકોને વિઝીબિલીટી ઓછી થતાં લાઈટ ચાલુ કરવી પડી હતી. માત્ર અંકલેશ્વરમાં વરસાદના છાંટા પડતા હોય અને સામે વાહનચાલકોએ પોતાના વાહનોની લાઈટ ચાલુ રાખીને જવાનો વારો આવ્યો હતો. વરસાદના સમયે માત્ર અંકલેશ્વરમાં ઝીરો વિઝીબિલીટી જેવું દ્રશ્ય જોવા મળતાં ક્યાંક કેટલાક એર પોલ્યુટેડ ઉધોગોએ ધુમાડાના ગોટેગોટા કાઢતા વાદળો છવાઈ ગયા હોય તેમ ક્યાંક ધુમાડો જમીન તરફ પ્રસર્યો હોવાનો અહેસાસ થતો હતો.

Most Popular

To Top