રિવરફ્રન્ટની કામગીરી ઝડપી બનાવા આઉટર રિંગ રોડ પર ટી.પી.સ્કીમો ઝડપી અમલમાં મુકો: પૂર્ણેશ મોદી – Gujaratmitra Daily Newspaper

SURAT

રિવરફ્રન્ટની કામગીરી ઝડપી બનાવા આઉટર રિંગ રોડ પર ટી.પી.સ્કીમો ઝડપી અમલમાં મુકો: પૂર્ણેશ મોદી

સુરત: સુરત જિલ્લા કલેકટરાલય (Surat district collector office)માં આજે યોજાયેલી સંકલન બેઠક (Coordination meeting)માં જિલ્લા કલેકટર આયુષ ઓકે (Ayush oak)એ જનપ્રતિનિધિઓ દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રશ્નોનું ટાઈમ લિમિટમાં નિરાકરણ આવે તે રીતે કામ કરવા ફરમાન કર્યુ છે. જહાંગીરપુરા પાસે આવેલા પીસાદ ગામની સનદની નકલો પ્લોટ હોલ્ડર્સને મળે તે માટે ધારાસભ્ય પૂર્ણેશ મોદી (Purnesh modi)ની રજૂઆત સંદર્ભે જિલ્લા કલેકટરે સિંચાઈ તથા મામલતદારને જોઈન્ટ વિઝિટ કરી પ્રશ્નનું ઝડપી નિરાકરણ લાવવા જણાવ્યું હતું.

આ ઉપરાંત તેમણે ૩૦૦ ફુટના આઉટર રિંગ રોડ (Outer ring road) પર નવી ટી.પી.સ્કીમો ઝડપી અમલમાં મુકવામાં આવે, જેના કારણે તાપી રિવરફ્રન્ટ (Tapi riverfront)ની કામગીરી ઝડપી થાય તે બાબતની રજૂઆત કરી હતી. અશાંતધારા બાબતે નવા કાયદાનું ચૂસ્ત અમલીકરણ કરવા અને પશ્વિમઝોન વિસ્તારના મિલકતદારોને સિટી સર્વેના પ્રોપર્ટી કાર્ડ ઝડપથી મળી તે બાબતે રજૂઆતો કરી હતી. ધારાસભ્ય વિવેક પટેલે વીજ અકસ્માતોને ધ્યાને લઈ ઉધના-પાંડેસરા વિસ્તારમાં ટ્રાન્સફોર્મર સેન્ટરનું એલાઇમેન્ટ કરવા, નમી ગયેલા જોખમી વીજ થાંભલાને સીધા કરવા, નડતરૂપ થાંભલાઓ ખસેડવાની રજૂઆતો સંદર્ભે વીજ કંપનીના અધિકારીએ કામગીરી પ્રગતિ હેઠળ હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત વિવેક પટેલે રાજય નાગરિક પુરવઠા નિગમના ગોડાઉનોની કેપેસિટી વધારવા માટે પણ માગણી કરી હતી.

ઓલપાડ ધારાસભ્ય મુકેશ પટેલે કીમ ઓવરબ્રિજ તેમજ વરસાદી પાણીના નિકાલના મામલે રજૂઆતો કરી

ધારાસભ્ય મુકેશ પટેલે કીમ ઓવરબ્રિજની કામગીરી ઝડપી પૂર્ણ કરવાની રજૂઆત કરી હતી. જે સંદર્ભે કાર્યપાલક ઈજનેરે તા.૩૧/૧૨/૨૦૨૧ સુધીમાં કામગીરી પૂર્ણ કરવામાં આવશે તેવી વિગતો આપી હતી. તેમણે રજૂઆત કરી હતી કે, સમગ્ર જિલ્લાનું વરસાદી પાણી ઓલપાડ તાલુકામાં આવતું હોવાથી તેના કારણે અનેક સ્થળોએ પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે. જે સંદર્ભે ડ્રેનેજની કામગીરી વ્યવસ્થિત કરવામાં આવે. રાંદેર પુરવઠા ઝોનમાં સમાવિષ્ટ સસ્તા અનાજના દુકાનદારોને નવ કિ.મી. જેટલું વધારે અંતર હોવાથી અમરોલી ઝોનમાં સમાવવા બાબતેની રજૂઆત સંદર્ભે મામલતદારે દુકાનદારો દ્વારા રજૂઆત કરવામાં આવશે તો ટ્રાન્સફર અંગે મંજૂરી માટે રાજય સરકારમાં દરખાસ્ત મોકલવાની કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. આ ઉપરાંત તેમણે વિધવા સહાય માટે આવતી અરજીઓને ટોપ પ્રાયોરિટી આપવાની રજૂઆત કરી હતી.

મહુવા તાલુકામાં પડતર જમીનો નહીં હોવાને કારણે કામો થઈ શકતા નથી: મહુવાના ધારાસભ્ય મોહન ઢોડિયા

મહુવાના ધારાસભ્ય મોહન ઢોડિયાએ જણાવ્યું કે, મહુવા તાલુકામાં એકલવ્ય રેસિડેન્સિયલ સ્કુલ, ૬૬ કે.વી., આદિજાતિ ભવન જેવા અનેક વિકાસકામો મંજૂર થયા છે પરંતુ તાલુકામાં સરકારી પડતર જમીનો નહીં હોવાના કારણે આ કામો થઈ શકતા નથી. જે સંદર્ભે જિલ્લા કલેકટરએ ગૌચરની જમીનો હેતુફેર કરવા અથવા તો શકય હોય તો અન્ય હેતુઓ માટે આપેલી જમીનો બિન વપરાશી હોય તો મેળવવાની કાર્યવાહી કરવા જણાવ્યું હતું. આ ઉપરાંત તેમણે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના લોકોની આરોગ્યની સેવાઓ મળી રહે તે માટે સિવિલ હોસ્પિટલ જેવી હોસ્પિટલ ગ્રામ્યકક્ષાએ ઉભી કરવાની રજૂઆત કરી હતી.

આધારકાર્ડની કિટ બહાર ફેરવનારા સામે પગલા ભરાશે, જરૂર પડયે અધિકારોઓને સસ્પેન્ડેડ કરાશે: કલેકટર

સુરત શહેરમાં લંકા ઓવારા પર થયેલા દબાણો દૂર કરવા, જાતિના દાખલાઓ મેળવવા માટે હંગામી સેન્ટરો શરૂ કરવા તથા આધારકાર્ડની કામગીરી માટે બેંક-પોસ્ટ ઓફિસને ફાળવવામાં આવેલી કિટ્સ બહાર લઈ જવાતી હોવાની ધારાસભ્ય પ્રવિણભાઈની રજૂઆત સંદર્ભે જિલ્લા કલેકટરે સરપ્રાઈઝ ચેકિંગ કરીને કિટો ઓફિસ બહાર લઈ જવાતી હોય તો તેવું કરનારને સસ્પેન્ડ કરવા સંબંધિત અધિકારીઓને જણાવ્યું હતું.

Most Popular

To Top