હેડિંગ વાંચીને ઘણાંને થાય કે સ્પોર્ટસમાં કારકિર્દી બનાવવી હોય તો સ્પોર્ટસમેન જ બનવું પડે અને આપણા ભારતીયોમાં તો ક્રિકેટનો ક્રેઝ અમાપ્ય. કેટલા સચિન તેન્ડુલકર બની શકે? આમ સામાન્ય લોકોમાં માન્યતા પ્રર્વતે કે સ્પોર્ટસમાં આપણું ગજું નહિ. મિત્રો, ૨૦૧૦ થી એટલે કે છેલ્લા એક દાયકાથી સ્પોર્ટસના ક્ષેત્રે રમતવીર બન્યા વગર પણ તમે વિવિધ કારકિર્દી બનાવી શકો છો. વિશ્વની જેમ ભારતમાં પણ સ્પોર્ટસ ઇન્ડસ્ટ્રી વિકસી રહેલી છે. એક અંદાજ પ્રમાણે 700 મિલિયનનો અવકાશ છે. પહેલાં આવડત પ્રમાણે રમતવીર જ કર્તાહર્તા બનીને રમતની ઇવેન્ટને પાર પાડતા. હવે તો આ ક્ષેત્રે વિવિધ પ્રોફેશનલની માંગ ઊભી થાય છે માટે ઊંચા પગારે કારકિર્દી વિકસાવવાની અગણિત તકો છે.
થોડાં વર્ષો પહેલાં સ્પોર્ટસની ઇવેન્ટમાં ભાગ લેવો તે શાળાકીય વર્ષ દરમ્યાન પૂરતું રહેતું. બાળક ૧૦-૧૨ માં ભણે તો માત્ર ભણવાનું અને કોલેજમાં આવે એટલે સ્પોર્ટસનો ખાસ કોઇ અવકાશ ન રહેતો. આજના યુગમાં રમત પ્રદર્શનને સર્વોચ્ચ સ્તરે લઇ જવા માટે રમત – ગમત સાથે સંકળાયેલા દરેક ક્ષેત્રને પાયાથી મજબૂત અને સમૃધ્ધ કરવા રમત વિજ્ઞાન સાથે સંલગ્ન ક્ષેત્ર માટે વિવિધ અભ્યાસક્રમો તૈયાર કરવામાં આવ્યા છે. જેનો અમલ વિવિધ શિક્ષણસંસ્થાઓ તથા વિશ્વ વિદ્યાલયો દ્વારા કરવામાં આવે છે.
રમતનાં ક્ષેત્રે ઉપલબ્ધ વિવિધ અભ્યાસક્રમો: * સ્નાતક, અનુસ્નાતક, પી.જી. ડિપ્લોમા, તથા સર્ટિફિકેટ અભ્યાસક્રમો રેગ્યુલર તથા Online mode માં ઉપલબ્ધ છે. ખાસ કરીને દિલ્હી, મુંબઇ, બેંગલોર, કોલકત્તા, હૈદ્રાબાદ તથા આપણા રાજયમાં ગાંધીનગર ખાતે સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટસ યુનિવર્સિટી જે UGC માન્ય છે.
* રમતગમત ક્ષેત્રે વિવિધ સંભાવનાનાં ક્ષેત્રો જેમાં માનવ સંસાધનોનું ઘડતર કરવાની જરૂર છે અને આ ક્ષેત્રે વિવિધ અભ્યાસક્રમો ઉપલબ્ધ છે.
* સ્પોર્ટસ સાયન્સ: સ્પોર્ટસ ફિઝિયોલોજી, બાયો મિકેનિકસ, સાયકોલોજી, ટેકનોલોજી, પરફોર્મન્સ એનાલીસીસ, IT તજજ્ઞ, સ્પોર્ટસ લેબોરેટરી ટેક્નિશ્યન, કોચિંગ માટેના વિશિષ્ટ પ્રકારના સોફટવેર ડેવલપર્સમાં ખૂબ જ તકો છે.
*સ્પોર્ટસ મેડિસિન: સ્પોર્ટસ ફિઝિયોથેરાપી, એકસરસાઇઝ થેરાપી, ટેક્નિશ્યન, ડાયનાટોમી જેવા ક્ષેત્રે પણ કારકિર્દી વિકસાવવાની તકો છે.
*સ્પોર્ટસ ઇન્ડસ્ટ્રીઝ: આ ક્ષેત્રમાં વિવિધ ક્ષેત્રોની ઉપલબ્ધિ હોવાને લીધે મોટા પાયે રોકાણ અને માર્કેટિંગ નેટવર્કની આવશ્યકતા હોય છે. રમત – ગમતને લગતા સામાનના ઉત્પાદન અને વેચાણથી રોજગારીનું નવું ક્ષેત્ર ઊભું થઇ રહ્યું છે. સરકારનાં સ્ટાર્ટઅપ ઇન્ડિયાનો લાભ લઇ શકાય છે. મેક ઇન ઇન્ડિયા બેઝ સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીનો પણ અવકાશ છે.
* સ્પોર્ટસ કોચિંગ: રમતવીર તરીકે આગળ ન આવી શકયા હોય તો જેતે ક્ષેત્રમાં કોચીંગના વર્ગો શરૂ કરી – સારા ખેલાડીઓ / રમતવીરોના રાહબર બની શકાય છે.
* સ્પોર્ટસ મીડિયા: જેમણે જર્નાલિઝમ ક્ષેત્રે અભ્યાસ કર્યો હોય અને રમતનાં ક્ષેત્રે રસ-રૂચિ વધારે હોય તો વિવિધ ઇવેન્ટને કવરેજ કરવાની તકો ઉજળી છે. આવનારા સમયમાં રમત-ગમત અને ખેલકૂદ ક્ષેત્રે લેખન અને સમીક્ષા કરી શકે એવા લેખકોની માંગ ઊભી થવાની છે. ‘ખેલો ઇન્ડિયા’ જેવી વિવિધ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્પર્ધાનું આયોજન ડિજીટલ યુગમાં થઇ રહ્યું છે. તેથી રમતવીરોનાં પરફોર્મન્સનું પૃથક્કરણ કરી તમામ વિગતો ડિજીટલ સ્વરૂપે પ્રસારિત કરવાની જરૂરિયાતો હોય છે.
*સ્પોર્ટસ શિક્ષણ: આજે માતા – પિતાના, સમાજના વલણમાં ફેરફારો આવ્યા છે. નાનપણથી પ્રશિક્ષણ આપવા માટે, મેળવવા માટે ઉત્તેજીત હોય છે ત્યારે નિપુણ શિક્ષકોની જરૂર પડે છે. સિધ્ધાંતોના આધારે તૈયાર થયેલા રમતવીરો ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી શકે છે.
* ફિટનેસ – કન્સલટન્ટ: દરેક ક્ષેત્રની જેમ આ ક્ષેત્રે પણ શારીરિક ફિટનેસ – સુજજતાનું મહત્ત્વ વધી રહયું છે. એવી વ્યકિત જે ખેલાડીઓના આરોગ્ય, ફિટનેસ, પોષણમાં સલાહ – માર્ગદર્શન આપે. ખાનગી જીમમાં પણ કન્સલટન્ટની જરૂરિયાત રહે છે.મિત્રો, આ ઉભરતું ક્ષેત્ર છે. જેમાં કારકિર્દી વિકસાવવાની પુષ્કળ તકો છે. સાથે જ નોકરી તથા સ્વરોજગારી પણ મેળવી શકાય છે. તો નીચે મુજબની કુશળતાની ચકાસણી કરો – Am I Fit for Sports field?
* ક્રિયેટિવિટી, સ્વતંત્ર વિચારધારા, ત્વરિત નિર્ણયશકિત, રમત માટે ઉત્સાહ. આ ક્ષેત્રની નોકરી કે રોજગાર 9 – 5 ની નથી. તમારે પડદા પાછળ કામ કરવાનું છે. સૌથી પહેલા ઇવેન્ટના સ્થળે પહોંચી સૌથી છેલ્લે નીકળનારી વ્યકિતઓ જે રમતને લોકલ કે ગ્લોબલ સ્તરે સફળ બનાવે.