જ્યારથી ભારત દેશ આઝાદ થયો છે ત્યારથી દેશમાં લોકશાહી શરૂ થઈ છે. પરંતુ જો દેશના કાયદાઓ જોવામાં આવે તો એવું સમજી શકાય કે દેશમાં લોકશાહી છે જ નહીં. લોકશાહીનો મતલબ એ થતો હોય છે કે દરેક વ્યક્તિ પોતાનો મત વ્યક્ત કરી શકે. બંધારણમાં આ જોગવાઈ કરવામાં આવી છે પરંતુ સાથે અંગ્રેજોના સમયનો રાજદ્રોહનો કાયદો યથાવત રાખવામાં અવ્યો છે. આઝાદીના 75 વર્ષ પછી પણ આ કાયદો અસ્તિત્વમાં છે અને જે તે સરકારો દ્વારા આ કાયદાનો ઉપયોગ પોતાની તાનાશાહી યથાવત રાખવા માટે જ કરવામાં આવ્યો છે.
જે વ્યક્તિ સરકારની સામે અવાજ ઉઠાવે તેને રાજદ્રોહના કાયદા હેઠળ ફિટ કરવાની દેવાની વૃત્તિ જે તે રાજ્ય સરકારનો રહી છે. સરકારો દ્વારા અત્યાર સુધીમાં અનેક કાયદાઓ હટાવી દેવામાં આવ્યાં પરંતુ રાજદ્રોહનો કાયદો સરકાર માટે એક હથિયાર સમાન હોવાથી તેને હટાવવામાં આવતો નથી. હવે રાજદ્રોહના કાયદાનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે અને કેન્દ્ર સરકારને પરસેવો પડી રહ્યો છે.
અત્યાર સુધી રાજદ્રોહના કાયદાનો બેફામ ઉપયોગ થતો હતો પરંતુ હવે સુપ્રીમ કોર્ટ દ્વારા આ રાજદ્રોહનો કાયદો આઈપીસીની કલમ 124-એ મુદ્દે ભારે ચિંતા વ્યક્ત કરી છે. હાલમાં સુપ્રીમ કોર્ટમાં આ કાયદાની બંધારણીયતાને પડકારતી અરજી કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટ દ્વારા આ અરજીની સુનાવણી કરતી વખતે કેન્દ્ર સરકારને સવાલ પણ કરાયો કે જે રાજદ્રોહના કાયદાનો ઉપયોગ અંગ્રેજો દ્વારા સ્વતંત્રતા સંગ્રામના આંદોલનનો તોડી પાડવા માટે કરવામાં આવ્યો હતો તે કાયદાને આઝાદીના 75 વર્ષ પછી પણ શા માટે યથાવત રાખવામાં આવ્યો છે? આ કાયદાનો ઉપયોગ અંગ્રેજો દ્વારા મહાત્મા ગાંધી, બાળ ગંગાધર ટિળક અને અન્ય સ્વાતંત્ર્ય સેનાનીઓને ચૂપ કરવા, ડરાવવા માટે કરવામાં આવ્યો હતો. આ કાયદો હજુ રહેવા દેવાયો છે તે મોટી કમનસીબી છે. આંકડા જોવામાં આવે તો આ કાયદા હેઠળ ગુનાઓ સાબિત થવાનો દર ખૂબ ઓછો છે. આ સંજોગોમાં આ કાયદાનો દુરૂપયોગ જ કરવામાં આવી રહ્યો છે.
સુપ્રીમ કોર્ટએ કહ્યું કે, રાજદ્રોહ એવો કાયદો છે કે તેમાં પોલીસ સામાન્ય જુગારમાં પકડાયેલા આરોપી પર પણ રાજદ્રોહનો ગુનો દાખલ કરી શકે છે. જો કોઈ રાજ્ય સરકાર તેની સાથે અસંમતિ દર્શાવનાર સામે આ કાયદાનો ઉપયોગ કરીને તેના અવાજને કચડી શકે છે. રાજદ્રોહનો કાયદો એવો છે કે તેના દ્વારા ગમે તેવા સાચા અવાજને પણ બંધ કરી શકાય છે. જેથી આ કાયદાની બંધારણીય સમીક્ષા અતિ જરૂરી છે. અગાઉ 2019માં ગૃહમંત્રાલયે રાજ્યસભામાં એક પ્રશ્નના જવાબમાં એવું કહ્યું હતું કે, રાજદ્રોહના અપરાધનો સામનો કરવાની જોગવાઈ ખતમ કરી શકાય નહીં. કારણ કે આ કાયદાને આધારે રાષ્ટ્રવિરોધી, ભાગલાવાદી અને આતંકી તત્વો સામે મજબૂતાઈથી લડી શકાય છે. જોકે, જો NCRBના આંકડાઓ જોવામાં આવે તો સમજી શકાય તેમ છે કે 2014થી 2019 વચ્ચે દેશમાં રાજદ્રોહના 326 કેસ નોંધાયા. તેમાં 559 લોકોની ધરપકડ કરવામાં આવી પરંતુ દોષિત માત્ર 10 જ સાબિત થયા છે.
આંકડાઓ જ બતાવે છે કે દેશમાં રાજદ્રોહના કાયદાનો કોઈ મતલબ નથી. માત્ર વિરોધી અવાજને દબાવવા માટે આ કાયદોનો થતો ઉપયોગ લોકશાહી માટે કુઠરાઘાત સમાન છે. સુપ્રીમ કોર્ટએ આ કાયદાની બંધારણીય સમીક્ષા કરવા માટે કવાયત કરવી પડે તે જ ખોટી છે. રાજદ્રોહના કાયદાનો કોઈ જ મતલબ નથી. જ્યારે દેશમાં લોકશાહીને પ્રસ્થાપિત કરી દેવામાં આવી હોય ત્યારે રાજદ્રોહનો કાયદો એ લોઠાની મેખ સમાન છે.
જે તે સરકારોને ફાવતું મળી જતું હોવાને કારણે રાજદ્રોહના કાયદાને હટાવવા માટે કોઈ સરકારે ક્યારેય કોઈ મહેનત કરી નથી. સુપ્રીમ કોર્ટ દ્વારા હવે જ્યારે આ કાયદાની સામે સવાલો ઉઠાવવામાં આવ્યા છે ત્યારે પણ કેન્દ્ર સરકાર દ્વારા આ કાયદાનો બચાવ જ કરવામાં આવી રહ્યો છે. જોકે, હવે સુપ્રીમ કોર્ટ દ્વારા સુનાવણી પણ શરૂ કરવામાં આવી ત્યારે સરકારે સમજીને આ કાયદો નાબુદ કરી દેવો જોઈએ.