Business

ઇમોજીની મોજીલી મોજ

ઇમોજી એટલે કે એવા આઇકોન જ્યાં તમારા શબ્દો ખૂટી પડે તેમ છતાં તેના મારફતે તમારી લાગણીઓ વ્યકત કરી શકાય. ઇમોજીની પોતાની એક અલગ દુનિયા છે. ઇમોજીના માત્ર ઇમોશન્સ વ્યક્ત કરવાનું શ્રેષ્ઠ માધ્યમ બની ગયું છે પરંતુ લોકો કોઇ પણ બાબતે સરળતાથી ઇમોજી દ્વારા પોતાનું રિએક્શન પણ આપી શકે છે. તમને જાણીને નવાઇ લાગશે કે વિશ્વભરમાં 5 અબજથી વધારે ઇમોજી દરરોજ ઉપયોગમાં લેવાય છે. ફિનલેન્ડ વિશ્વનો પ્રથમ દેશ હતો જેણે પોતાની સંસ્કૃતિ ઇમોજીમાં દર્શાવી હતી. આજે આપણે ઇમોજીની વાત એટલા માટે કરી રહ્યાં છીએ કેમ કે 17 જુલાઇએ આવી રહ્યો છે ઇમોજી ડે, ત્યારે આજે આપણે મળીશું કેટલાક એવા લોકોને કે જેઓ સોશ્યલ મીડિયામાં ઇમોજીનો ભરપુર ઉપયોગ કરે છે, જેના કારણે તેમને ઘણા સારા નરસા અનુભવ થયા હોય છે. તો ચાલો, જાણીએ મોજીલા સુરતીઓની મોજીલી ઇમોજી વિશેની વાતો…

બોસને લાગ્યું એમની મજાક ઉડાવું છુ અને એમણે મને ખખડાવ્યો : વિકી રાજપૂત

26 વર્ષીય વિકી રાજપૂત જણાવે છે કે, ‘આજકાલ તો અમારા જેવી યંગ જનરેશન સોશ્યલ મીડિયા કે ચેટિંગમાં મોટાભાગે ઇમોજી વધારે વાપરે. કોઈ પણ વાતનું રિએક્શન શબ્દ કરતાં ઇમોજીથી આપીએ. એમાં કોઈ વાર લેવાના દેવા થઈ જાય. એકવાર એવું બન્યું એમ કે મારા બોસ સાથે વોટ્સએપમાં ઓફિસવર્કની વાતો ચાલતી હતી અને એ જ સમયે મારા ફ્રેન્ડ્સ ગ્રૂપમાં પણ ચેટિંગ ચાલતી હતી. હું એક સાથે ઓફિસ ગ્રુપ અને ફ્રેન્ડ્સ ગ્રુપમાં બને સાથે વાતમાં ધ્યાન આપતો. એક જગ્યાએ સિરિયસ વાતો થતી અને ફ્રેન્ડ્સ સાથે મજાકની વાતો, થયું એવું કે મારાથી ફ્રેન્ડ્સ ગ્રુપમાં સ્માઇલી મજાક ઉડાવાતું ઈમોજી મૂકવાને બદલે ઓફિસ ગ્રુપમાં મુકાઇ ગયું અને બોસને એમ થયું કે તેમણે જે આઇડિયા શેર કર્યા હું તેની મજાક ઉડાવું છું. હું હજુ ઇમોજી ડિલીટ કરું એ પહેલા તો બોસનો ફોન આવી પણ ગયો અને મને ખખડાવી નાખ્યો કે કામના સમયે તને મજાક સુઝે છે !!!’

સેડ ઇમોજીને બદલે મારાથી ભૂલમાં સ્માઇલી મુકાઇ ગયું : સ્મિતા શાહ

સ્મિતા શાહ જણાવે છે કે, ‘ઓછા શબ્દોમાં વાત કરવા માટે ઇમોજી બેસ્ટ વિકલ્પ છે કે જ્યારે તમે કોઈકને અમુક ફિલિગ્સ દર્શાવી ના શકો ત્યારે ઇમોજી દ્વારા દર્શાવી શકાય. પણ ઇમોજી સમજી ના શકે તો લોચો પડી જાય. કેમ કે મારી જ વાત કરું તો મારી ફ્રેન્ડ હોસ્પિટલમાં હતી તો એણે સ્ટેટ્સ પર સ્ટોરી મૂકી. હું સવારે દરરોજ બધાના સ્ટેટ્સ ચેક કરું અને તેમને રિપ્લાય પણ કરું. મારો ઓફિસ નિક્ળવાનો સમય હતો થોડી ઉતાવળમાં હતી. તેની હોસ્પિટલમાં એડમિટ થયાની  સ્ટોરી જોઈ તો સેડ ઇમોજીને બદલે મારાથી ભૂલમાં સ્માઇલી મુકાઇ ગયું તો એને ખોટું લાગી ગયું અને ઘણો ટાઈમ તેણે મારા મેસેજના રિપ્લાય જ નહીં આપેલા. પછી મેં તેની સાથેની મિસઅન્ડરસ્ટેન્ડિંગ દૂર કરી કે હું તેમાં ખુશ નહીં હતી પણ એ ભૂલમાં મુકાઇ ગયું અને મે તેના માટે માફી માંગી.’’

ના પાડવાની જગ્યાએ ભૂલથી થમ્બનું નિશાન મુકાઈ ગયું: હીરેન કુકડીયા

તમે જ્યારે ઉતાવળમાં હોવ છો ત્યારે ઈમોજી વાત કરવા માટે બેસ્ટ ઓપ્શન છે. પણ ઈમોજી મોકલવામાં જો લોચા પડી જાય તો ઘણી વખત સબંધોની અને પ્રસંગોની પણ પથારી ફરી જતી હોય છે. મારું જોબમાં પ્રમોશન થયું તો મારા ફ્રેન્ડ્સ ઘણા સમયથી પ્રમોશનની પાર્ટી માંગી રહ્યા હતા. અંતે અમે તેને શનિવારે ગૃપમાં મેસેજ કર્યો કે વરસાદની મોસમ છે તો ચાલે સવારે વહેલા ડુમ્મસમાં ભજીયા પાર્ટી કરીશું. અમે કોઈ વોલેટ લઈને આવવાના નથી. પાર્ટી તારે આપવાની છે. હું તે દિવસે ખૂબ થાકેલો હતો. મારાથી ના લખવાની જગ્યાએ થમ્બનું સિમ્બોલ મુકાઈ ગયું અને બીજા દિવસે સવારે તે લોકો ડુમ્મસ પહોંચી ગયા. હું ફોન સાયલન્ટ કરી સુતો રહ્યો અને તેઓ સતત મને ફોન કરતા રહ્યા. અંતે તેઓ ત્યાંથી ભજીયા ખાધા વગર જ પાછા ફર્યા અને મારા ઘરે આવી મને ઉઠાડી ખૂબ માર્યો. પછી અમે ઘરે જ ભજીયા મંગાવીને ખાધા.

Most Popular

To Top