બારડોલી સહિત તાલુકાની શાળાઓમાં ગુરુવારથી ધોરણ-12ના નિયમિત ઓફલાઇન વર્ગો શરૂ થયા હતા. લગભગ 80 ટકા વાલીઓએ મંજૂરી આપતાં પાંચ મહિના બાદ ફરીથી વર્ગખંડો જીવંત થઈ ગયા હતા. જો કે, શિક્ષણ કાર્ય દરમિયાન શાળાઓમાં કોવિડ-19ના નિયમોનું પાલન કરવામાં આવ્યું હતું.
કોરોના મહામારીને કારણે માર્ચ-2020થી સમગ્ર દેશમાં શાળા કોલેજો બંધ કરી દેવામાં આવી હતી. કોરોનાનો પ્રકોપ વધતાં 2021-22 શૈક્ષણિક વર્ષ દરમિયાન શાળાઓ બંધ રહી હતી. જો કે, જાન્યુઆરી 2021માં થોડા સમય માટે શાળાઓ શરૂ કરવામાં આવી હતી. પરંતુ કોરોનાની બીજી લહેર આવતાં જ શાળા બંધ કરી દેવાની ફરજ પડી હતી. હવે બીજી લહેર શાંત થતાં ફરી એક વખત તબક્કાવાર શાળા-કોલેજ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
સરકારની સૂચના મુજબ ગુરુવારથી 50 ટકા હાજરી સાથે ધોરણ-12ના પ્રત્યક્ષ વર્ગો શરૂ કરી દેવામાં આવ્યા છે. બારડોલી તાલુકામાં 80 ટકા વાલીઓએ વિદ્યાર્થીઓને શાળાએ મોકલવા માટે સંમતિ દર્શાવી છે. બારડોલીમાં ત્રણ શાળાઓ મદ્રેસા હાઈસ્કૂલ, BABS હાઈસ્કૂલ અને જે.એમ.પટેલ હાઈસ્કૂલમાં હાલ ધોરણ-10 રિપીટર્સ વિદ્યાર્થીની પરીક્ષા ચાલી રહી હોય આ શાળાઓમાં સ્કૂલમાં વર્ગો શરૂ થઈ શક્યા ન હોવાનું જાણવા મળી રહ્યું છે. જ્યારે અન્ય શાળાઓમાં વિદ્યાર્થીઓ આવતા વર્ગખંડો ફરી જીવંત થઈ ગયા હતા. વિદ્યાર્થીઓ માસ્ક પહેરીને શાળાએ આવ્યા હતા અને સેનેટાઇઝર તેમજ ટેમ્પ્રેચર માપી વર્ગખંડમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો.