ગુજરાતની વડી અદાલતે પાલેજ જિલ્લા પંચાયત બેઠકના સભ્ય તરીકે સલીમખાં (મલંગભાઈ) પઠાણને બેથી વધારે સંતાન હોવાથી દૂર કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. જે બાબતે ગુરુવારે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રતિનિધિમંડળે ભરૂચ જિલ્લા વિકાસ અધિકારીને મળી પંચાયત અધિનિયમ હેઠળ પાલેજ જિલ્લા પંચાયત બેઠકના ભાજપના સભ્યને દૂર કરવા માટે રજૂઆત કરી હતી. પાલેજ જિલ્લા પંચાયતના ભાજપના સભ્ય તરીકે સલીમખાં (મલંગ) પઠાણ ચૂંટણી લડ્યા હતા.
જો કે, તેઓ ૨૦૧૬માં ગ્રામ પંચાયત પાલેજના સભ્ય અને ડે.સરપંચ હતા. તે સમયે તાલુકા વિકાસ અધિકારી દ્વારા પંચાયત અધિનિયમ હેઠળ બેથી વધારે બાળકો હોવાના પુરાવાઓને ધ્યાને લઇ તેઓને હોદ્દા ઉપરથી દૂર કરવાનો હુકમ ફરમાવ્યો હતો. ત્યારબાદ ભાજપના રાજકીય દબાણ હેઠળ તત્કાલીન ડીડીઓએ જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ઉમેદવારી કરાવવાના આગોતરા આયોજનના ભાગરૂપે ટીડીઓના હુકમને ખોટી રીતે રદ કરી 2021ની સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડવાનાં દ્વાર ખોલી આપ્યાં હતાં.
સમગ્ર મુદ્દે પાલેજ બેઠકના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર અફઝલ ઘોડીવાલા દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરતાં તા.14/06/2021ના ઓરલ હુકમથી ડીડીઓ ભરૂચના હુકમને સ્થગિત કર્યો છે. ગુજરાત હાઇકોર્ટના હુકમથી પંચાયત અધિનિયમ હેઠળ ડીડીઓ દ્વારા કોઈ કાર્યવાહી ન કરતાં ભરૂચ જિલ્લ્લા કોંગ્રેસ સમિતિના પ્રતિનિધિ મંડળે ડીડીઓને મળી કાર્યવાહી કરવા રજૂઆત કરી હતી. ડીડીઓ યોગેશ ચૌધરી દ્વારા જિલ્લા પંચાયતના સભ્યને દૂર કરવાના આદેશો કરવાની સત્તા વિકાસ કમિશનર ગાંધીનગરને હોવાથી પ્રતિનિધિ મંડળ દ્વારા દરખાસ્ત તેમને સાદર કરવા રજૂઆત થઈ હતી.