ગાંધીનગર: કોરોનાની વૈશ્વિક મહામારી વચ્ચે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-10 અને 12ના રીપિટર વિદ્યાર્થીઓની (Student) આજથી પરીક્ષા (Exam) શાંતિપૂર્ણ માહોલમાં શરૂ થઈ હતી. જેમાં ધોરણ 10માં પંચમહાલ, પાટણ અને પોરબંદર કેન્દ્રમાંથી એક-એક કોપી કેસના બનાવો નોંધાયા હતાં. જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં રાજકોટ કેન્દ્રમાંથી એક ડમી વિદ્યાર્થી પકડાયો હતો. ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના (Gujarat Board of Secondary Education) પરીક્ષા વિભાગના નાયબ નિયામક ડૉ. અવનીબા મોરીએ જણાવ્યું હતું કે, ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજથી ધોરણ-10 અને 12ના રીપિટર વિદ્યાર્થીઓની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં યોજાઇ હતી જેમાં ધોરણ 10 ના પ્રથમ સેશનમાં કુલ 67629 પરીક્ષાર્થીઓ હાજર રહ્યા હતા. જ્યારે ધોરણ-12 સામાન્ય પ્રવાહના પ્રથમ સેશનમાં કુલ 13870 અને એક બીજા સેશનમાં કુલ 29446 પરીક્ષાર્થીઓ હાજર રહ્યાં હતાં.
70 ટકા અભ્યાસક્રમ મુજબ ગુજકેટની પરીક્ષા લેવાશે
ગાંધીનગર : ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ પછીની ડિગ્રી ઇજનેરી, ડિગ્રી-ડિપ્લોમા ફાર્મસી અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવા માટે ગ્રુપ –એ, ગ્રુપ બી અને ગ્રુપ એ-બીના વિદ્યાર્થીઓની ગુજકેટ (Gujcet) 6 ઓગસ્ટ 2021ને શુક્રવારના રોજ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા સવારે 10 થી 4 વાગ્યા સુધી લેવામાં આવશે. ગુજકેટ માટે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષા માળખું પણ જાહેર કરાયું છે. જેમાં 70 ટકા અભ્યાસક્રમ મુજબ ગુજકેટ લેવામાં આવશે. ગુજકેટના પ્રશ્નપત્રો ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી એમ ત્રણ માધ્યમમાં આપવામાં આવશે.
ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડમાં રજિસ્ટર્ડ થયેલી શાળાઓમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન, જીવવિજ્ઞાન તેમજ ગણિત વિષયમાં 80 એનસીઆરટીના પાઠ્યપુસ્તકનો અમલ કરેલો છે. આ એનસીઆરટી આધારિત ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ માટે બોર્ડ દ્વારા 30 ટકા ઘટાડા બાદ નક્કી કરેલા 70 ટકા મુજબ પરીક્ષા લેવાશે. બોર્ડ દ્વારા ગુજકેટ માટે જે માળખું જાહેર કરવામાં આવ્યું છે. તેમાં વિષયના બહુવિકલ્પીય પ્રકારના હેતુલક્ષી પ્રશ્નો ધરાવતા પ્રશ્નપત્ર રહેશે.
- ક્રમ વિષય ગુણ સમય
- 1 ભૌતિક વિજ્ઞાન 40 40
- 2 રસાયણ શાસ્ત્ર 40 40 120 મિનિટ
- 3 જીવવિજ્ઞાન 40 40 60 મિનિટ
- 4 ગણિત 40 40 60 મિનિટ
ભૌતિકશાસ્ત્ર અને રસાયણશાસ્ત્ર નું પ્રશ્નપત્ર સંયુક્ત રહેશે, એટલે કે 40 પ્રશ્નો ભૌતિકશાસ્ત્રના અને એક 40 પ્રશ્નો રસાયણશાસ્ત્રના એમ કુલ 80 પ્રશ્નોના 80 ગુણ અને 120 મિનિટનો સમય આપવામાં આવશે, ઓએમઆર આન્સર શીટ પણ 80 પ્રત્યુત્તર માટેની રહેશે. જીવવિજ્ઞાન અને ગણિતનું પ્રશ્નપત્ર અલગ-અલગ રહેશે. જે માટેની ઓએમઆર આન્સર શીટ પણ અલગ-અલગ આપવામાં આવશે, એટલે કે જીવવિજ્ઞાન અને ગણિતમાં પ્રત્યેકમાં 40 પ્રશ્નોના 40 ગુણ અને 60 મિનિટનો સમય આપવામાં આવશે. ઓએમઆર આન્સર શીટ પણ પ્રત્યેક વિષય માટે 40 પ્રત્યુત્તર માટેની રહેશે.