સુરત: (Surat) વન નેશન-વન ટેક્સની ગણતરી સાથે જીએસટીનો (GST) કાયદો અમલમાં લાવવામાં આવ્યો હતો. પરંતુ આ કાયદો શરૂઆતથી કાપડ વેપારીઓ (Textile Traders) માટે મુશ્કેલીરૂપ હતો અને આજે પણ જીએસટીના કેટલાક કાયદા વેપારીઓને પરેશાન કરી રહ્યા છે. કાપડ ઉદ્યોગમાં યાર્નથી લઇ વિવિંગ અને પ્રોસેસિંગ સહિત તમામ તબક્કે અલગ-અલગ જીએસટી રેટ હોવાથી વેપારીઓને રિફંડ માટે ક્લેઇમ કરવો પડે છે અને ઇન્તેજાર કરવો પડે છે.
આ રીતે જ સાડી કે જેના પર 5 ટકા લેખે જીએસટીનો દર નક્કી કરવામાં આવ્યો છે. જ્યારે સાડીને પેક કરવા માટે આવતાં મટિરિયલ્સ પર 12 ટકા કે 18 ટકા લેખે જીએસટી લાગે છે. આ બંનેમાં અલગ-અલગ જીએસટીનો દર હોવાથી એક્યુમલેટેડ ટેક્સેસન બની જાય છે. હવે જો વેપારીઓ સાડી વેચે છે ત્યારે તેઓ પાંચ ટકા લેખે જીએસટી ઉમેરીને વેચે છે. જ્યારે પેકિંગ મટિરિયલ્સની વધારાની ડ્યૂટી તેમની સરકાર પાસે ક્રેડિટ થાય છે. જેને લીધે વેપારીઓની મૂડી બ્લોક થઇ રહી છે. હાલ કોરોનાને લીધે વેપારીઓની હાલત નબળી થઇ છે. તેઓ આર્થિક સંકટમાં મુકાયા છે. જો સરકાર દ્વારા તેમને આ રિફંડ ચૂકવવામાં આવે તો રાહત થશે.
સીએ રાજેશ ભાઉવાલાએ જણાવ્યું હતું કે, સાડી પર પાંચ ટકા, જ્યારે સાડીનાં પેકિંગ મટિરિયલ્સ પર 12 કે 18 ટકા જીએસટી દર હોવાથી વેપારીઓની મોટી રકમ જામ થઇ ગઇ છે. જે રિફંડ આપવું જોઇએ. આ અંગે ઉચ્ચ અધિકારીઓને રજૂઆત પણ કરવામાં આવી છે. જો રિફંડ કરવામાં આવે તો વેપારીઓને મોટી રાહત થાય તેમ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, હવે સમય પ્રમાણે વેપારની પદ્ધતિ બદલાઇ છે. અન્ય રાજ્યોના વેપારીઓ સુરતના વેપારીઓ પાસે પેકિંગ બોક્સ સાથે સાડીઓ મંગાવે છે. પરિણામે બોક્સ સાથે સુરતના વેપારી સાડીઓ મોકલે છે. જેના પર 18 ટકા સુધી જીએસટી લાગે છે. બદલાયેલા વેપાર ધારામાં સુરતના વેપારીઓની મોટી રકમ બ્લોક થઇ જાય છે.
જીએસટીના પત્રકો ભરતી વખતે વિભાગ દ્વારા આઈપી એડ્રેસ પણ માંગવામાં આવી રહ્યું છે
સુરત: સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સ એન્ડ કસ્ટમ દ્વારા બોગસ ઇનપુટ ટેક્સ ક્રેડિટના કેસ રોકવા માટે જીએસટીના રજિસ્ટ્રેશન માટે આધારકાર્ડને ફરજિયાત બનાવાયું છે. આ સાથે જ જીએસટીના પત્રકો ભરતી વખતે વિભાગ દ્વારા આઈપી એડ્રેસ પણ માંગવામાં આવી રહ્યું છે, જેના પગલે કયા સ્થળેથી રિટર્ન ભરાઈ રહ્યું છે તેને પણ ટ્રેક કરવામાં આવશે. આ કાયદો અમલમાં આવતા મોટાભાગના બોગસ આઇટીસીના કેસો પર નિયંત્રણ આવશે તેવા દાવાઓ કરવામાં આવી રહ્યાં છે.
સુરત સહિત દેશમાં જીએસટીના કાયદો અમલમાં આવ્યા બાદ હજારો કરોડ રૂપિયાનો કૌભાંડ થયો છે. જીએસટી રજિસ્ટ્રેશની પ્રક્રિયા ખૂબ સરળ હોવાથી ચીટર આ તકનો લાભ લઇ કૌંભાડ કર્યા બાદ પેઢીઓ બંધ કરી ફરાર થઇ જાય છે. છેલ્લાં ચાર વર્ષમાં 20 હજાર કરોડથી વધુના કૌભાંડો બહાર આવ્યા છે. જેમાં રાષ્ટ્રીય સ્તરેથી તપાસ એજન્સીઓ દ્વારા ડેટા બહાર પાડી દેશભરમાં સર્ચ કરવી પડી છે. મોટા ભાગના કેસમાં મજૂરો અને ગરીબોના આધારકાર્ડ, પાનકાર્ડ જેવા ડોક્યુમેન્ટનો દુરુપયોગ કરી બોગસ પેઢી ઊભી કરી ખોટા જીએસટીના રજિસ્ટ્રેશન મેળવી કૌભાંડો કરાયાં હોવાની મોડસ ઓપરેન્ડી બહાર આવી છે. મોટાભાગના કેસોમાં કૌભાંડ પરથી પર્દાફાશ થયા બાદ અધિકારીઓ તપાસ માટે જાય છે પરંતુ સરનામું ખોટું હોવાથી, અથવા પેઢી બંધ થઇ ગઇ હોવાથી આરોપીઓ પકડ઼ાતાં નથી. દેશભરમાં વધી રહેલા બોગસ આઇટીસના કૌભાંડને લીધે હવે કોઈ પણ વેપારી આધારકાર્ડ લિન્ક કર્યા વિના જીએસટીનો નોંધણી નંબર લઈ શકશે. આ સાથે જ ખોટા પત્રકો એટલે કે જીએસટીના આર-1 અને 3 બી જેવા ખોટા રિટર્ન અટકાવવા માટે પોર્ટલ પર એક નવું ફંકશન જોડી દીધું છે. તેના મુજબ હવે આઈપી એડ્રેસ એટલે કે કમ્પ્યૂટરની ઓળખ પણ રજૂ કરવી પડશે. આ નિયમના લીધે પત્રક કયા કમ્પ્યૂટર પરથી કયા સ્થળેથી ભરવામાં આવ્યું છે તે ટ્રેસ કરી શકાશે. આગામી દિવસોમાં જીએસટી રજિસ્ટ્રેશનની પ્રક્રિયામાં વધુ ફેરફાર કરવામાં આવે તેવી ચર્ચા છે.